આજે પૃથ્વી માટે ચેતવણી : સૂર્યમાંથી ફેંકાયેલી વિનાશક એક્સ ક્લાસ સૌર જ્વાળાની કદાચ પ્રચંડ થપાટ વાગશે
- અમેરિકાની નોઆ એજન્સીનો રેડ સિગ્નલ : સૂર્યની ૨૫મી સોલાર સાયકલ શરૂ થઇ છે
- 24,માર્ચે પણ સૂર્યમાંથી ફેંકાયેલા વિદ્યુત ચુંબકીય તોફાનથી પૃથ્વીના વાતાવરણમાં ભયાનક ખળભળાટ થયો હતો
વોશિંગ્ટન/મુંબઇ : સૂર્યનારાયણમાં સર્જાઇ રહેલાં કલ્પનાતીત તોફાનોની અતિ પ્રચંડ થપાટ પૃથ્વીને વાગી રહી છે. ૨૦૨૪ની ૨૪,માર્ચ,રવિવારે સૂર્યની વિરાટ થાળી પરથી ફેંકાયેલા જી -૪ ક્લાસ પ્રકારનાં વિદ્યુત ચુંબકીય તોફાન(જીઓમેગ્નેટિક સ્ટોર્મ)ની અસર પૃથ્વીના વાતાવરણમાં થઇ હતી. પરિણામે પૃથ્વીના વાતાવરણમાં જબરદસ્ત વિસ્ફોટ થયા હતા. ભારે મોટો ખળભળાટ થયો હતો.
પૃથ્વીને આવી વધુ એક થપાટ વાગવાનું જોખમ સર્જાયું છે.
અમેરિકાની નેશનલ ઓશનિક એન્ડ એટમોસફિયરિક એડમિનિસ્ટ્રેશન (એન.ઓ.એ.એ.નોઆ)નાં સૂત્રોએ એવી ચેતવણી આપી છે કે ૨૪,માર્ચના જી-ક્લાસનું વિદ્યુત ચુંબકીય તોફાન ૨૦૧૭ના વિદ્યુત ચુંબકીય તોફાન પછીનું સૌથી મોટું અને ભયાનક તોફાન હતું.
આદિત્યનારાયણની હજી એક વધુ પ્રચંડ થપાટ આજે૨૬,માર્ચે અથવા આવતીકાલે૨૭,માર્ચે વાગવાની પૂરી શક્યતા છે. સૂર્યની વિરાટ થાળી પર સર્જાયેલા--એઆર૩૬૧૫--સંજ્ઞાાવાળા સૂર્ય કલંક(સનસ્પોટ)માંથી ફેંકાયેલી એક્સ ક્લાસની મહાવિનાશક સૌર જ્વાળા(સોલાર ફ્લેર)ની દિશા પૃથ્વી તરફની છે.
આ સૌર જ્વાળા આજે અથવા આવતીકાલે છેક પૃથ્વીના વિરાટ ગોળા સાથે ટકરાય તેવી ૨૫ ટકા શક્યતા છે.સૌર જ્વાળાની થપાટને કારણે પૃથ્વીના વાતાવરણમાં મહાભયાનક વિસ્ફોટ થશે તો તેનાથી આખા યુરોપ ખંડના અને અમેરિકાના આકાશમાં અરોરા લાઇટ્સ(પૃથ્વીના વાતાવરણમાં સર્જાતા લાલ,લીલા,પીળા,ભૂરા રંગના વિશાળ કદના પટ્ટા) સર્જાવાની પણ સંભાવના છે. અથવા અમુક દેશમાં સંદેશા વ્યવહાર, વીજળી પુરવઠો, રેડિયો અને ટેલિવિઝન પ્રસારણ વગેરમાં અવરોધ સર્જાવાની પણ સંભાવના ખરી. આટલું જ નહીં, સૌર જ્વાળાના પ્રચંડ પ્રહારથી પૃથ્વીના વાતાવરણમાં તિરાડ પડી જવાનું જોખમ પણ સર્જાય.
વિશ્વના નિષ્ણાત ખગોળશાસ્ત્રીઓ તેમના બહોળા સંશોધન અને અભ્યાસના આધારે એમ પણ કહે છે કે સૂર્યમાંથી ફેંકાતાં વિદ્યુત ચુંબકીય તોફાનની અને સૌર જ્વાળાઓની પ્રચંડ થપાટથી પૃથ્વીના વાતાવરણમાં ગરમીનું પ્રમાણ પણ વધી જવાની શક્યતા ખરી.
નોઆનાં સૂત્રોએ એવી ચેતવણી પણ આપી છે કે હજી ૨૦૨૪ની ૪,જાન્યુઆરીએ ઓસ્ટ્રેલિયાના અને પેસિફિક મહાસાગરના ઘણા વિસ્તારોમાં રેડિયો બ્લેકઆઉટ થઇ ગયો હોવાના ચિંતાજનક સમાચાર મળે છે.
રેડિયો બ્લેકઆઉટને કારણે ઓસ્ટ્રેલિયાના અને પેસિફિક મહાસાગરના વિસ્તારમાં સંદેશા વ્યવહાર, ટેલિવિઝન પ્રસારણ, વીજળી પુરવઠો વગેરેમાં મોટો અવરોધ સર્જાયો હતો. આ અવરોધ લગભ ૩૦ કરતાં વધુ મિનિટ સુધી સર્જાયો હોવાનું જાણવા મળે છે.
ગઇ ૨૦૨૩ની ૧૪ ડિસેમ્બરે પણ એક્સ --૨.૮ પ્રકારની પ્રચંડ સૌર જ્વાળાની થપાટને કારણે સાઉથ અમેરિકાના અને પેસિફિક મહાસાગરના વિસ્તારોમાં રેડિયો બ્લેકઆઉટ સર્જાયો હતો. ૨૦૧૯માં ફેંકાયેલી સૌર જ્વાળા બાદ ૧૪,ડિસેમ્બરની આ સૌર જ્વાળા સૌથી શક્તિશાળી હતી.એક્સ--૨.૮ પ્રકારની તે સૌર જ્વાળા સૂર્યમાં સર્જાયેલા - એઆર/૩૫૧૪ સંજ્ઞાાવાળા સૂર્ય કલંકમાંથી બહાર ફેંકાઇ હતી.
હાલ સૂર્યની ૨૫મી સોલાર સાયકલ(જેને સોલાર સાયકલ કહેવાય છે) શરૂ થઇ હોવાથી હાઇડ્રોજન અને હિલિયમના આ વિરાટ ગોળામાં ભયાનક ગતિવિધિ થઇ રહી છે. ખાસ કરીને સૂરજની વિરાટ થાળી પરથી મોટાં કદનાં સૂર્ય કલંકો(સન સ્પોટ્સ) સર્જાઇ રહ્યાં છે.
નિષ્ણાત ખગોળશાસ્ત્રીઓ તેમના બહોળા સંશોધનાત્મક અભ્યાસના આધારે કહે છે કે સોલાર ફ્લેરમાં વિપુલ પ્રમાણમાં કિરણોત્સર્ગ(રેડિયેશન) હોય છે. આ જ રેડિયેશન પૃથ્વીના વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર સાથે અતિ તીવ્રતાથી ટકરાય ત્યારે પૃથ્વીના વાતાવરણમાં ભયંકર તોફાન સર્જાય છે. સૂર્યમાં થતી આ ભયંકર ગતિવિધિને કોરોનલ માસ ઇજેક્શન(સીએમઆઇ) કહેવાય છે.વળી, સૂર્યમાં થતા આવા પ્રચંડ તોફાનને કારણે પૃથ્વીના વાતાવરણમાં પણ અતિ તીવ્ર અસર થાય છે જેને સ્પેસ વેધર કહેવાય છે.