ગાંધીજી કે આઈન્સ્ટાઈન સાથે વાતચીત કરવી છે ?
આપણે વાત વાતમાં કહેતા હોઇએ છીએ કે જ્યારે ઉપર જવાનું થશે ત્યારે
ભગવાનને પૂછીશું કે તમે આ વાતમાં આમ કેમ કર્યું? ભગવાન સાથે તો વાત થાય ત્યારે, હવે ભૂતકાળ બની ગયેલા લોકોને
તમે કંઈ પૂછવા માગતા હો તો એ શક્ય બની ગયું છે! જેમ કે ગાંધીજીને પૂછવું હોય કે
તેમણે ભારત-પાકિસ્તાનના ભાગલા શા માટે થવા દીધા? સરદારને પૂછવું હોય કે તમે જ ભારતના વડાપ્રધાન કેમ ન બન્યા? અથવા મહંમદ રફી કે કિશોરકુમાર કે લતાદીદીને તેમના કોઈ ફેવરિટ ગીત કે સંગીતકાર
વિશેની વાતો પૂછવી હોય તો એ હવે શક્ય છે!
નવી ટેક્નોલોજીને પ્રતાપે આપણે સ્વર્ગમાં પહોંચી ગયેલા લોકો સાથે વાતચીત કરી
શકીએ છીએ, શરત એટલી એ લોકો અમુક ચોક્કસ
સેલિબ્રિટીઝની યાદીમાં સામેલ હોવા જોઈએ. જેમ કે ઉપર જે કોઈ ભારતીયોનાં નામ લખ્યાં
એમાંથી અત્યારે ફક્ત ગાંધીજી સાથે વાત થઈ શકે છે.
હેલ્લો હિસ્ટ્રી (hellohistory.ai/) નામે એન્ડ્રોઇડ અને આઇફોન માટે એક એપ ડેવલપ થઈ છે, જેમાં ૪૦૦થી વધુ ઐતિહાસિક
વ્યક્તિઓ સાથે વાતચીત કરી શકાય છે. આ યાદીમાં નેપોલિયન, પ્રસિદ્ધ કલાકાર અને સંશોધક દા વિન્ચી,
અમેરિકન પ્રેસિડન્ટ
જ્યોર્જ વોશિંગ્ટન, ચાર્લી ચેપ્લીન,મર્લીન મનરો, પ્રસિદ્ધ ગાયક એલ્વિસ
પ્રેસ્લી, આલ્બર્ટ આઇન્સ્ટાઇન કે સ્ટીવ
જોબ્સ વગેરેનાં નામ સામેલ છે. આ બધા લોકો હવે ઇતિહાસની ગર્તામાં ખોવાઈ ગયા છે, પરંતુ નવી ટેકનોલોજીને પ્રતાપે આપણે તેમની સાથે વાતચીત કરી શકીએ છીએ.
આટલે સુધી વાંચીને તમે સમજી ગયા હશો કે આ પણ કોઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
આધારિત સર્વિસ હશે. તમે સાચા છો. હેલ્લો હિસ્ટ્રી જીપીટી-૩ આધારિત ચેટબોટ સર્વિસ છે. અહીં ફેર એટલો છે કે આપણે એપમાં એન્ટર થયા
પછી જે વિવિધ નામો જોવા મળે તેમાંથી કોઈને પસંદ કરીએ એ પછી ચેટબોટ તે વ્યક્તિ
તરીકે આપણી સાથે વાત કરે છે. અલબત્ત ફ્રી વર્ઝનમાં ફક્ત ૧૦ સવાલ પૂછી શકાય છે.
શરૂઆતમાં આપણે પસંદ કરેલી વ્યક્તિ પોતાનો ટૂંકો પરિચય આપે છે અને પછી આપણે
તેમની સાથે ગામગપાટા કરી શકીએ છીએ. અલબત્ત ચેટ જીપીટીની જેમ અહીં પણ ઘણી બધી શરતો
લાગુ છે. આપણે એપનો ઉપયોગ શરૂ કરીએ એ સાથે જ ચેતવવામાં આવે છે કે આપણને જે કંઈ
જાણવા મળે એ બધું તદ્દન સચોટ ન પણ હોય. આ ચેટબોટ પર આખરે તો તેને જે ડેટથી ટ્રેઇન
કરવામાં આવેલ હોય તે ડેટા તથા ઇન્ટરનેટ ઉપલબ્ધ ડેટામાંથી ખાખાંખોળા કરીને આપણે પૂછેલા સવાલોના જવાબ આપે
છે. એપ કહે છે કે આ વાતોને ગંભીરતાથી લેશો નહીં અને વિગતોની જાતે ખરાઈ પણ કરશો.
પરંતુ આખી વાતમાં ઇન્ટરેસ્ટિંગ એંગલ એ છે કે તેમાં ચેટબોટને જુદી જુદી
ઐતિહાસિક વ્યક્તિ તરીકે જવાબ આપવા માટે ટ્રેઇન કરવામાં આવેલ છે.
ભવિષ્યમાં એઆઈ આધારિત ચેટબોટ કેવી કેવી દિશામાં આગળ વધશે તેનો આ એક નાનકડો
નમૂનો છે!