Get The App

પીડીએફની સાઈઝ ઘટાડવી છે ?

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
પીડીએફની સાઈઝ ઘટાડવી છે ? 1 - image


તમે કોઈ મોટું ડોક્યુમેન્ટ તૈયાર કર્યું અને પછી તેને ક્લાયન્ટ સાથે કે અન્ય લોકો સાથે ઓનલાઇન શેર કરવાનું થયું? હવેના સમયમાં ખાસ્સાં હેવી ડોક્યુમેન્ટ પણ શેર કરી શકાય છે. પરંતુ સામેની વ્યક્તિ પણ આપણું ડોક્યુમેન્ટ ઝડપથી ડાઉનલોડ કરી શકે તે માટે આપણે પોતાના ડોક્યુમેન્ટને ‘ઓપ્ટિમાઇઝ’ કરવું જરૂરી છે.

સામાન્ય ધારા મુજબ આપણે વર્ડ, પાવરપોઇન્ટ, એક્સેલ કે પછી કોરલ ડ્રો જેવા પ્રોગ્રામમાં કોઈ મોટું ડોક્યુમેન્ટ તૈયાર કર્યું હોય અને તેને અન્ય વ્યક્તિ સાથે શેર કરવાનું હોય ત્યારે તેને પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ (પીડીએફ) ફોર્મેટમાં કન્વર્ટ કર્યા પછી શેર કરવું જરૂરી છે. આથી સામેની વ્યક્તિ પાસે આપણો મૂળ પ્રોગ્રામ ન હોય તો પણ એ આપણું ડોક્યુમેન્ટ સહેલાઈથી ઓપન કરી શકે (તેણે તેને એડિટ કરવાનું હોય તો એ જુદી વાત).

આપણે તૈયાર કરેલી પીડીએફ ફાઇલ ખાસ્સી હેવી બને તો તેને જુદી જુદી રીતે ઓપ્ટિમાઇઝ કરી શકાય. એક સહેલો રસ્તો ડોક્યુમેન્ટમાંની બધી ઇમેજને કમ્પ્રેસ કરીને તથા કોમ્પ્લેક્સ ફોન્ટને બદલે સ્ટાન્ડર્ડ ફોન્ટનો ઉપયોગ કરીને આપણે આખી ફાઇલની સાઇઝ ઘણી ઘટાડી શકીએ. એ ઉપરાંત જો પીડીએફ ડોક્યુમેન્ટ શેર કર્યા પછી ફક્ત ઓનલાઇન, વેબ પર જોવાનું હોય તો પીડીએફ બનાવતી વખતે આપણે ૭૨ ડીપીઆઈ જેટલું ઓછું રેઝોલ્યુશન રાખી શકીએ. આ બધાં પગલાં લેવાથી પીડીએફ ડોક્યુમેન્ટમાં ઇમેજની ક્લેરિટી ઘટશે પરંતુ મોબાઇલ કે પીસીના સ્ક્રીન પર જોવાનો બહુ મોટો તફાવતા દેખાશે નહીં.

પીડીએફ ફાઇલની સાઇઝ ઘટાડવા ઘણાં ઓનલાઇન ટૂલ પણ છે. જગતને પીડીએફની ભેટ આપનાર કંપની એડોબ પોતે એક ફ્રી ટૂલ આપે છે (https://www.adobe.com/acrobat/online/compress-pdf.html) એ સિવાય ‘આઇલવપીડીએફ’ કે ‘સોડાપીડીએફ’ જેવાં ટૂલ પણ છે. આવાં ટૂલની વેબસાઇટ પર આપણી પીડીએફ ફાઇલ અપલોડ કરીને તેને હજી વધુ કમ્પ્રેસ કરી શકીએ. આવા મોટા ભાગનાં ટૂલ ફ્રી સર્વિસ આપતા હોય છે. ફાઇલ અપલોડ કર્યા પછી કમ્પ્રેસ કરીને ડાઉનલોડ કરી લઇએ એ પછી તેને જે તે ટૂલના સર્વર પરથી ડિલીટ કરવામાં આવે છે. પરંતુ એ ખાસ યાદ રાખવા જેવું છે કે આપણી પીડીએફ ફાઇલમાં કોઈ પણ પ્રકારની મહત્ત્વની કે સંવેદનશીલ માહિતી હોય તો તેને કમ્પ્રેસ કરવા માટે અજાણ્યાં ઓનલાઇન ટૂલ્સનો ઉપયોગ કરવો નહીં.


Google NewsGoogle News