Get The App

સોશિયલ સ્ક્રોલિંગ કરવું છે ? પહેલાં ચાલો, પછી સાઈટ અનલોક થશે

Updated: Feb 5th, 2025


Google NewsGoogle News
સોશિયલ સ્ક્રોલિંગ કરવું છે ? પહેલાં ચાલો, પછી સાઈટ અનલોક થશે 1 - image


આજના મુખ્ય લેખમાં ઇન્સ્ટાગ્રામમાં નોન-ફોલોઇંગ એકાઉન્ટ્સનું કન્ટેન્ટ આપણને વધુ ને વધુ બતાવવામાં આવે છે, એ વાંચીને તમને એવો વિચાર આવ્યો કે ઇન્સ્ટાગ્રામ કે તેના જેવી અન્ય સોશિયલ મીડિયા સાઇટ્સમાં આવું કન્ટેન્ટ જોવામાં આપણો પાર વગરનો સમય વેડફાઇ જાય છે? ગયા વર્ષે આવા અર્થ વગરના સ્ક્રોલિંગથી ‘બ્રેઇન રોટ’ની સમસ્યા સર્જાતી હોવાની ખાસ્સી ચર્ચા જાગી હતી. જેમાંથી કંઈ જ મળે નહીં, પણ સમય ખર્ચાઈ જાય એવા ડૂમસ્ક્રોલિંગથી માનસિક સ્વાસ્થ્ય કથળે, તેમ સતત માથું નમીને બેઠા રહેવાથી સ્વાસ્થ્ય પણ બગડે.

‘સ્ટેપઇન’ નામની એક એપે આનો એક મજાનો ઉપાય શોધી કાઢ્યો છે. અત્યારે આ ફ્રી એપ ફક્ત આઇફોન માટે ઉપલબ્ધ છે (Steppin, Escape the Scroll, Boston Venture Studio, Inc.), ટૂંક સમયમાં તે એન્ડ્રોઇડ પર પણ ઉપલબ્ધ થશે. એપનો કન્સેપ્ટ એકદમ સિમ્પલ છે - આપણે આઇફોનમાં આ એપ ઇન્સ્ટોલ કરીને અમુક ચોક્કસ સેટિંગ કરવાનું ને આપણો જેમાં વધુ સમય વેડફાતો હોય તેવી સોશિયલ સાઇટ્સ નક્કી કરી લેવાની. એ પછી આપણે રોજ જેટલાં સ્ટેપ્સ ચાલીએ તેના બદલામાં નિશ્ચિત સમય મળે. જેમ કે સો સ્ટેપ સામે એક મિનિટ (આપણે ઇચ્છીએ તેવું સેટિંગ કરી શકીએ). એ પછી, દિવસમાં જેટલી મિનિટ કમાઈએ, ફક્ત એટલી જ મિનિટ પેલી સાઇટ પર સ્ક્રોલિંગ કરી શકીએ, એ પછી એ બ્લોક થઈ જાય! 


Google NewsGoogle News