GPS અને Non-GPS સ્માર્ટવોચ, જાણો કોના માટે આ ફીચર કામનું છે
Smart Watch: આજે માર્કેટમાં ઘણી સ્માર્ટ વૉચ ઉપલબ્ધ છે. ઘણી સ્માર્ટવૉચ તો એવી હોય છે જે ફક્ત કહેવા પૂરતી સ્માર્ટ હોય છે. બજારમાં એવી અનેક સ્માર્ટ વૉચ ઉપલબ્ધ છે, જે નામ પૂરતી જ સ્માર્ટ હોય છે. એટલે કે તેમાં ફક્ત ડિજિટલ સ્ક્રીન આપી દીધી હોય છે. તેમાં કહેવા પૂરતાં સ્ટેપની ગણતરી અને માંડ હાર્ટ રેટ માપી શકાય છે. એ ડેટા એટલાં ચોક્કસ પણ નથી હોતા. આ પ્રકારની વૉચ 1000થી 1500 રૂપિયા સુધીમાં મળી જતી હોય છે. આ વૉચ મોબાઇલ સાથે કનેક્ટ થવા છતાં પણ GPSનો ઉપયોગ નથી કરતી.
GPS અને Non-GPS એમ બે પ્રકારની વૉચ હોય છે. GPS વૉચમાં ઇન-બિલ્ટ GPS હોય છે જ્યારે Non-GPS વૉચ મોબાઇલ સાથે કનેક્ટ થયા બાદ મોબાઇલના GPSનો ઉપયોગ કરે છે. આથી બેમાંથી કઈ વૉચ પસંદ કરવી એ નક્કી કરવું જરૂરી છે. તેમ જ બંનેના ફાયદા અને ગેરફાયદા પણ છે.
આ પણ વાંચો: ગૂગલનું જોરદાર ફીચર, એક જ ક્લિકમાં ખબર પડશે ફોટો કે વીડિયો ઓરિજિનલ છે કે AI
GPS સ્માર્ટવૉચ
ફાયદા : એકદમ ચોક્કસ ડેટા ટ્રેકિંગ માટે GPS ખૂબ જ જરૂરી છે. લોકેશન, ડિસ્ટન્સ અને સ્પીડની સાથે આઉટડોર એક્ટિવિટી જેવી કે સાઇક્લિંગ, રનિંગ અને હાઇકિંગ માટે આ વૉચ ખૂબ જ કામ આવી શકે છે. આ તમામ ડેટાને ચોક્કસ માપવાની સાથે નેવિગેશન માટે પણ એ એટલી જ જરૂરી બની શકે છે. ઉદાહરણ તરીકે કોઈ અજાણી જગ્યા પર ટ્રેકિંગ પર ગયા હોઈએ અને શરૂઆત ક્યાંથી કરી હતી અને ફરી એજ જગ્યા પર આવવું હોય તો આ ફીચર કામ આવી શકે છે. ટર્ન-બાય-ટર્ન નેવિગેશન માટે પણ તે જરૂરી છે. ફિટનેસને લગતા ડેટા એટલે કે કેટલા સ્ટેપ ચાલ્યા અને કેટલી કેલરી બર્ન થઈ એ પણ તેમાં જોવા મળે છે. ચાલવા નીકળ્યા હોઈએ, ત્યારે તે મેપમાં બતાવે છે કે તમે ક્યાંથી શરૂ કર્યું અને ક્યાં સુધી ચાલ્યા. હાઇકિંગ દરમિયાન દરિયાના લેવલથી કેટલી ઊંચાઈ સુધી ગયા અને કેટલો સમય લાગ્યો, એ માહિતી પણ તેમાં જોવા મળે છે કારણ કે, તેમાં ઑલ્ટિમીટરની સુવિધા હોય છે. આ સાથે જ ઇમરજન્સીમાં SOS સર્વિસ દ્વારા લોકેશન પણ જાણી શકાય છે, જેથી યુઝરને ઈમર્જન્સીની સ્થિતિમાં શોધી શકાય. આ માટે મોબાઇલ સાથે ન હોય તો પણ વાંધો નથી આવતો. આ વૉચ ટ્રાવેલર અને હાઇકિંગના શોખીન માટે બેસ્ટ છે.
ગેરફાયદા : GPSને કારણે બેટરીનો ખૂબ જ વધુ ઉપયોગ થાય છે અને એને કારણે એ જલદી પૂરી થઈ જવાના ચાન્સ વધુ છે. આથી લાંબા સમય માટે ટ્રેકિંગ પર ગયા હોઈએ ત્યારે બેટરી બેકઅપ સાથે રાખવું પડી શકે છે. આ સ્માર્ટવૉચ મોટા ભાગે મોંઘી આવતી હોય છે કારણ કે એમાં GPS જેવા ઘણાં એડિશનલ હાર્ડવેર આવે છે.
Non-GPS સ્માર્ટવૉચ
ફાયદા : આ સ્માર્ટવૉચમાં GPS ન હોવાથી ખૂબ જ બેટરી લાઇફ હોય છે. ઘણી સ્માર્ટવૉચ તો બે-ત્રણ દિવસનું પણ બેટરી બેકઅપ આપે છે. આ વૉચને ઉપયોગ કરવાનું પણ ખૂબ જ સરળ હોય છે કારણ કે એમાં વધુ ફીચર નથી આવતાં. તેમ જ એ મોબાઇલ સાથે કનેક્ટ હોવાથી દરેક ડેટા મોબાઇલના જ ઉપયોગમાં લે છે. Non-GPS સ્માર્ટવૉચ ખૂબ જ સસ્તી હોય છે. બે હજારથી લઈને ચાર-પાંચ હજાર સુધીમાં તો જોઈએ એવી મળી જાય છે.
ગેરફાયદા : GPS ન આવતું હોવાથી મોબાઇલના GPSનો ઉપયોગ કરે છે પરિણામે મોબાઇલની બેટરી જલદી પૂરી થાય છે. મોબાઇલમાં લોકેશન સર્વિસ બંધ હોય, પરંતુ વૉચની એપ્લિકેશનને મંજૂરી આપી હોય તો પણ GPSનો ઉપયોગ થતો રહે છે. પરિણામે મોબાઇલની બેટરી પર અસર થાય છે. હેલ્થ ડેટા ટ્રેકિંગ અથવા તો રનિંગ અને હાઇકિંગ જેવા ડેટા મોબાઇલની મદદથી મળે છે. આ ડેટા ચોક્કસ નથી હોતા. GPS સ્માર્ટવૉચમાં ચોક્કસ સ્ટેપ દેખાડશે ત્યારે Non-GPSમાં એવરેજ સ્ટેપ્સ દેખાડશે. તેમ જ બની શકે બંને વૉચના સ્ટેપમાં પણ ફરક હોય.
કઈ વૉચ પસંદ કરવી?
ફિટનેસ ટ્રેકિંગ અને આઉટડોર એડવેન્ચર પસંદ હોય તેમણે હંમેશાં GPS વૉચ પસંદ કરવી કારણ કે એમાં ડેટા ચોક્કસ હોય છે અને નેવિગેશન ફીચર પણ હોય છે. હેલ્થને મોનિટર કરવા અને ફક્ત મોબાઇલના નોટિફિકેશન્સ વૉચમાં જોનારી વ્યક્તિ માટે Non-GPS સ્માર્ટવૉચ યોગ્ય રહેશે કારણ કે એ સસ્તી હોવાની સાથે બેટરી બેકઅપ પણ સારું આપશે. GPS વૉચ માટે ગાર્મિન અને એપલ વૉચ સીરિઝ બેસ્ટ છે. સેમસંગ ગેલેક્સી વૉચ સીરિઝ પણ સારી છે અને એમાં સેમસંગ ગેલેક્સી વૉચ FE બજેટમાં આવે છે જેમાં બિલ્ટ-ઇન GPS છે. જોકે Non-GPS માટે નોઇસ કલરફિટ પ્રો 5 અને ફિટબિટ પણ લઈ શકાય છે.