Get The App

ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ થવું છે ?

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ થવું છે ? 1 - image


- RLMxkLke ÃkkuÃÞw÷h xBMko Ãkh yuf Wzíke Lksh Vuhðeyu

આજના મુખ્ય લેખનું ફોકસ ૩૫ વર્ષની વય વટાવી ગયેલા ‘સિનિયર્સ’ માટે છે! તમે એ કેટેગરીમાં આવતા હો, તો સોરી, ભવાં ન ચઢાવશો, પણ ઇન્ટરનેટ, ખાસ કરીને સોશિયલ મીડિયાની દુનિયામાં ૩૦-૩૫ વર્ષની ઉંમર વટાવી જાવ એટલે તમે સિનિયર સિટિઝન જ ગણાવ! અત્યારે તો ‘મિલેનિયલ્સ’ને પણ બાજુએ હડસેલીને ‘જેન ઝી’ સેન્ટરમાં આવી ગઈ છે, એટલે ૩૦-૩૫ વર્ષની ઉંમર તો ઘણી કહેવાય. ‘મિલેનિયલ્સ’ અને ‘જેન ઝી’ શબ્દો પણ તમારે માટે થોડા અજાણ્યા હોય, તો પણ આજનો લેખ તમારે માટે છે.

તમે ફક્ત વોટ્સએપમાં રચ્યા-પચ્યા રહેતા હો તો અલગ વાત છે, પણ તમે ફેસબુકમાં પણ ખાસ્સા સક્રિય હોય અને ત્યાંથી આગળ વધીને ઇન્સ્ટાગ્રામ પર - ગમે તે કારણસર - એક્ટિવ થવા મથતા હો તો ઇન્સ્ટાના કેટલાક જનરલ શબ્દો તમારે બરાબર જાણી લેવા જોઈએ. એ પછી ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં તમને વધુ મજા પડશે. જોકે યાદ રહે, આ તો હજી માત્ર શરૂઆત છે.

તમે હજી યંગ હો અને આ પેજ પર ઇન્સ્ટાની ઇમેિજસ જોઈને લેખ વાંચવા આકર્ષાયા હો તો નીચે આપેલા મોટા ભાગના શબ્દો તમે જાણતા જ હશો. છતાં તમને પણ કંઈક નવું મળી જાય એવું બની શકે.

IG

‘ઇન્સ્ટાગ્રામ’ એવા આખા શબ્દનો તમે ઉપયોગ કરતા હો તો ચોક્કસપણે તમે જૂની પેઢીના ગણાવ! યંગ જનરેશનમાં બોલવામાં ‘ઇન્સ્ટા’ ફેવરિટ છે અને લખવામાં તેનું હજી પણ ટૂંકું ‘આઇજી’ ચાલે છે.

DM

ડીએમનો અર્થ તમે જાણતા જ હશો, જો ઇન્સ્ટા ઉપરાંત અન્ય કોઈ સોશિયલ સાઇટ પર એક્ટિવ હશો તો પણ. ડાયરેક્ટ મેસેજ. ફક્ત ઇન્સ્ટાગ્રામ પર નહીં, જુદી જુદી સોશિયલ મીડિયા સાઇટ પર બધે ડાયરેક્ટ મેસેજ ‘ડીએમ’ તરીકે વધુ બોલાય-લખાય છે.

Handle

ઇન્સ્ટાગ્રામ પર આપણું યૂનિક યૂઝરનેમ, એ આપણું હેન્ડલ. તેની શરૂઆત મોટા ભાગે @ નિશાની સાથે થાય. અન્ય લોકો આપણને આપણા આ હેન્ડલથી શોધી શકે અને તેમની પોસ્ટમાં ટેગ કરી શકે.

Main

કોઈ તમને કહે કે ‘‘Check my main for the new photos’’, તો એનો અર્થ એ થયો કે એ તમને પોતાનું મેઇન ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચેક કરવા કહે છે! લોકો ઇન્સ્ટાગ્રામનો જુદા જુદા હેતુ માટે ઉપયોગ કરતા હોય છે અને એ દરેક હેતુ માટે અલગ અલગ એકાઉન્ટ ઓપન કરી શકાય છે (હવે ઇન્સ્ટાની એપમાં આવાં એકાઉન્ટ્સ સહેલાઈથી સ્વિચ કરી શકાય છે). આથી જ્યારે કોઈ વ્યક્તિ પોતાના મુખ્ય એકાઉન્ટની વાત કરતી હોય ત્યારે એ ‘મેઇન’ શબ્દનો ઉપયોગ કરે છે.

Story

‘સ્ટોરી’થી તો તમે પરિચિત હશો જ. વોટ્સએપમાં જેમ ‘સ્ટેટસ’ છે તેમ ઇન્સ્ટાગ્રામમાં ‘સ્ટોરી’ છે. આ એક પ્રકારની ટેમ્પરરી પોસ્ટ છે. જે ચોવીસ કલાક પછી ગાયબ થાય છે. રૂબરૂ વાતચીતમાં કોઈ તમને પૂછે કે ‘‘મારી આજની સ્ટોરી જોઈ?’’ તો તેનો સીધો મતલબ કે તેઓ ઇન્સ્ટાગ્રામની પોતાની સ્ટોરીની વાત કરે છે!

Reel

ઇન્સ્ટાગ્રામનું વધુ એક બહુ પોપ્યુલર પાસું, જે તમે ચોક્કસપણે જાણતા હશો. ઇન્સ્ટાગ્રામ પર જેમ ફોટોગ્રાફ કે ઇમેજની પોસ્ટ શેર કરી શકાય તેમ ટૂંકા વીડિયો શેર કરી શકાય. કોઈ પણ ફેમિલી ફંકશનમાં સરસ રીતે તૈયાર થયેલ ટીનેજર્સ ગોળ ગોળ ફરતા દેખાય અને તેમના કોઈ સ્વજન કે ફ્રેન્ડ તેનો વીડિયો શૂટ કરી રહ્યા હોય તો સમજવું કે રીલ તૈયાર થઈ રહી છે!

IGTV

ઇન્સ્ટાગ્રામ પર અત્યારે તો ટૂંકી રીલ્સની બોલબાલા છે, પરંતુ એક સમયે આ પ્લેટફોર્મ પર લાંબા વીડિયો પણ મૂકી શકાતા હતા. કંપનીએ એ માટે એક અલગ એપ પણ લોન્ચ કરી હતી. પરંતુ પછી રીલ્સ પર ફોકસ કરવા માટે કંપનીએ આઇજી ટીવી ફીચર સમેટી લીધું.

Bio

જેમ ઇન્સ્ટાગ્રામનું ‘ઇન્સ્ટા’ થયું તેમ બાયોડેટાનું ‘બાયો’ થયું. ઇન્સ્ટાગ્રામ પર આપણે પોતાનું એકાઉન્ટ ખોલાવીએ એ પછી પોતાના પ્રોફાઇલમાં પોતાના વિશે ટૂંકી વિગતો આપી શકીએ છીએ. એ જ છે બાયો.

Grid

ઇન્સ્ટાગ્રામ પર આપણે જે કંઈ પોસ્ટ કરીએ એ અન્ય યૂઝર્સને એક પછી એક દેખાતી, જુદા જુદા લોકોની પોસ્ટ્સ સાથે ફીડમાં દેખાય છે. આપણી પોસ્ટ સાથેના પ્રોફાઇલ પિકચર પર ક્લિક કરીને જ્યારે કોઈ આપણા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પેજ પર પહોંચે ત્યારે તેમને આપણે અગાઉ પોસ્ટ કરેલી બધી જ ઇમેજિસ તથા રીલ્સ એક સાથે દેખાય છે - આ ગોઠવણનું નામ છે ‘ગ્રિડ’.

Hashtag (#)

સોશિયલ મીડિયા પર મૂકાતા કન્ટેન્ટને વાઇરલ બનાવવામાં આ હેશટેગની મોટી ભૂમિકા હોય છે. સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારનું કન્ટેન્ટ પોસ્ટ કરતી વ્યક્તિ કન્ટેન્ટમાં શું છે તે ટોપિક દર્શાવવા માટે હેશટેગની નિશાની સાથે વિવિધ શબ્દો લખતી હોય છે. દરેક શબ્દ અલગ અલગ હેશટેગ સાથે લખવાનો હોય છે. આ દરેક હેશટેગ ક્લિકેબલ હોય છે.

કોઈ પોસ્ટમાં #ahmedabad હેશટેગ હોય તો તેને ક્લિક કરતાં,  આ હેશટેગ સાથેની જુદા જુદા યૂઝરની જુદી જુદી પોસ્ટ આપણે એક સાથે જોઈ શકીએ છીએ.

Tag

જ્યારે કોઈ યૂઝર પોતાની પોસ્ટમાં અન્ય યૂઝરનો ઉલ્લેખ કરવા માગતા હોય ત્યારે તેઓ પોતાની પોસ્ટમાં ‘ટેગ પીપલ’નો વિકલ્પ પસંદ કરીને અન્ય વ્યક્તિનું નામ કે યૂઝરનેમ લખી શકે છે. કોઈ પોસ્ટ મૂકતાં પહેલાં અથવા પોસ્ટ શેર કરી દીધા પછી પણ તેને એડિટ કરીને તેમાં અન્ય વ્યક્તિને ટેગ કરી શકાય છે. 

જોકે તેના કેટલાય નિયમો છે. જો ઇન્સ્ટાગ્રામ પર આપણું એકાઉન્ટ પ્રાઇવેટ હોય તો આપણે ફક્ત પોતાના ફોલોઅર્સને ટેગ કરી શકીએ. જો કોઈ ક્રિએટર કે બિઝનેસ એકાઉન્ટને આપણે ટેગ કરીએ તો એ સાથે તેમની કેટેગરીને પણ ટેગ કરી શકાય. જો કોઈ વ્યક્તિને આપણે ટેગ ન કરી શકીએ તો તેનો અર્થ એ કે એ વ્યક્તિએ આ વાતને પોતાના પ્રાઇવસી સેટિંગની મદદથી મર્યાદિત રાખી છે.

Follow-UnFollow

આ પણ એવું ફીચર છે જે ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા સાઇટમાં કોમન છે. ઇન્સ્ટાગ્રામ પર આપણને કોઈ એકાઉન્ટના કન્ટેન્ટમાં રસ પડે તો તેનું કન્ટેન્ટ નિયમિત રીતે જોવા માટે આપણે તેને ફોલો કરી શકીએ અને ગમે ત્યારે રસ ઉડી જાય તો અનફોલો કરી શકીએ. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે આપણે ઇન્સ્ટાગ્રામ એપ ઓપન કરીએ ત્યારે જે કોઈ પોસ્ટ્સ જોવા મળે તેમાંથી અડધોઅડધ પોસ્ટ આપણે જેમને ફોલો ન કરતા હોઇએ એવા એકાઉન્ટની હોય છે. આ ટિકટોકની અસર છે! ઇન્સ્ટાગ્રામ પર આપણને શું જોવું ગમશે તે વાત પર આપણા કરતાં કંપનીનો કંટ્રોલ વધુ છે.

Like

ઇન્સ્ટા પર તમને કોઈ પણ કન્ટેન્ટ ગમ્યું? તો હાર્ટ આઇકન પર ક્લિક કરીને તેને લાઇક કરી શકાય. તમે જે એકાઉન્ટના કન્ટેન્ટને લાઇક કરો તેનું અન્ય કન્ટેન્ટ તથા એ પ્રકારનું બીજું કન્ટેન્ટ તમને વધુ બતાવવામાં આવશે.

Feed

ઇન્સ્ટાગ્રામ એપનું આ મેઇન પેજ છે, જેના પર આપણે જેમને ફોલો કરતા હોઇએ તેમનું અલગ અલગ કન્ટેન્ટ તથા અન્ય એકાઉન્ટ્સનું કન્ટેન્ટ બતાવવામાં આવે છે. ઇન્સ્ટાગ્રામ એપમાં હોમ આઇકન પર ક્લિક કરીને આ પેજ સુધી પહોંચાય છે. 

Explore

હોમ આઇકનની બાજુમાં સર્ચ આઇકન પર ક્લિક કરીને આપણે એક્સપ્લોર પેજમાં પહોંચી શકીએ. અહીં આપણને રસ પડી શકે તેવું, જુદા જુદા એકાઉન્ટનું અલગ અલગ પ્રકારનું કન્ટેન્ટ બતાવવામાં આવે છે.

Influencer

ઇન્સ્ટાગ્રામ પર મોટી સંખ્યામાં ફોલોઅર્સ ધરાવતા એકાઉન્ટ્સ ‘ઇન્ફ્લૂઅંસર’ તરીકે જાણીતા છે. આવા એકાઉન્ટ અન્ય એકાઉન્ટ કે કંપનીનું પોતાના કન્ટેન્ટમાં પ્રમોશન કરીને ખાસ્સી કમાણી કરે છે.

Collab

યંગ જનરેશનમાં આ શોર્ટ ફોર્મ પણ ‘હેપ’ (હેપનિંગ!)  છે. ઇન્સ્ટાગ્રામ પર એકથી વધુ યૂઝર એકમેક સાથે મળીને એટલે કે કોલાબોરેશન કરીને કન્ટેન્ટ તૈયાર કરે ત્યારે તેમણે ‘કોલેબ’ કર્યું કહેવાય.

Engagement

ઇન્સ્ટાગ્રામ પર આપણા કન્ટેન્ટ સાથે લાઇક, કમેન્ટ્સ, શેર વગેરે અલગ અલગ પ્રકારે ઇન્ટરએકશન થાય એ યૂઝર એંગેજમેન્ટ કહેવાય છે. જેમ કોઈ એકાઉન્ટ માટે યૂઝર એંગેજમેન્ટ વધુ તેમ એ એકાઉન્ટ વધુ ને વધુ પોપ્યુલર થતું જાય.

Shadowban

જ્યારે કોઈ કારણસર ઇન્સ્ટાગ્રામ તમારા કન્ટેન્ટની વિઝિબિલિટી મર્યાદિત કરી દે ત્યારે તમારે એકાઉન્ટ પર ‘શેડોબાન’ મૂકાયો છે એવું કહી શકાય. ખાસ કરીને આવી મર્યાદા આપણને જાણ કર્યા વગર મૂકવામાં આવે ત્યારે તેને માટે ‘શેડોબાન’ શબ્દનો ઉપયોગ થાય.

BTS

આખો અર્થ છે બિહાઇન્ડ ધ સીન્સ! ઇન્સ્ટાગ્રામનું આ કોઈ ફીચર નથી પરંતુ એક પ્રકારની કન્ટેન્ટ કેટેગરી છે. કોઈ ફોટોશૂટ કે પ્રોડક્ટ ડેવલપમેન્ટ જેવી પ્રોસેસના ફાઇનલ રિઝલ્ટ ઉપરાંત એ પ્રોસેસને સંબંધિત કન્ટેન્ટ શેર કરવામાં આવે ત્યારે એ ‘બિહાઇન્ડ ધ સીન્સ’ પ્રકારના કન્ટેન્ટ તરીકે ઓળખાય છે.

OOTD

ઇન્સ્ટાના યંગ યૂઝર્સ કોઈ પોસ્ટમાં આ એક્રોનિમ OOTD જુએ તો એનો અર્થ એ તરત સમજી જાય. અન્ય યૂઝર્સને વાત માથેથી જાય. ઓઓટીડીનો અર્થ છે આઉટફીટ ઓફ ધ ડે એટલે કે ઇન્સ્ટાગ્રામ પર આજે પોસ્ટ કરેલા પોતાના ડ્રેસિસમાંથી સૌથી મનપસંદ ડ્રેસ!

TBT

ઇન્સ્ટાગ્રામ પર પોપ્યુલર કન્ટેન્ટની વધુ એક કેટેગરી. વયોવૃદ્ધ રતન તાતા પણ તેનો અર્થ જાણતા હતા (તેમણે પોતે એક પોસ્ટમાં લખ્યું હતું કે તેમના ‘મિલેનિયલ મિત્ર’ શાંતનુ નાયડુએ આ અર્થ સમજાવ્યો હતો). ટીબીટીનો અર્થ છે થ્રોબેક થર્સડે’. કોઈ વ્યક્તિ તેના ફોટો કે વીડિયોનો પટારો ખોલીને જૂના સમયની યાદો ફરીથી શેર કરવાનું વિચારે ત્યારે ઇન્સ્ટાગ્રામ પર તે કન્ટેન્ટ મોટા ભાગે ગુરુવારે ‘ટીબીટી’ હેશટેગ સાથે શેર કરવાનો ધારો છે.


Google NewsGoogle News