મસ્કે કેમ ઇન્ડિયન-અમેરિકન બિઝનેસમેન વિનોદ ખોસલાની માંગી માફી, જાણો સમગ્ર વિવાદ
Vinod Khosla Strike Back: ઇલોન મસ્કે ઇન્ડિયન-અમેરિકન બિઝનેસમેન વિનોદ ખોસલાની માફી માગી છે. વિનોદ ખોસલાએ 2008માં સાન માટો કાઉન્ટીમાં બીચની બાજુમાં 32.5 મિલિયન ડૉલરનું ઘર ખરીદ્યું હતું. આ ઘર પાસેથી માર્ટિન્સ બીચ પર જવા માટેનો રોડ આવેલો છે. પ્રાઇવેટ પ્રોપર્ટી કહીને તેણે આ રોડ બંધ કરી દીધો હતો અને ત્યાં કોઈ પણ સામાન્ય માણસને જવાની પરવાનગી નથી એવું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. ઇલોન મસ્કે આ વિશે ઘણી ટ્વીટ કરી હતી.
આ પણ વાંચો: મસ્કે ઇન્ડિયન અમેરિકન બિઝનેસમેનનો ઉધડો લીધો, કહ્યું- 'હું તેના બીચ પર જ BBQ પાર્ટી કરીશ'
વિનોદ ખોસલાએ કર્યો પલટવાર
વિનોદ ખોસલાએ X પર ઇલોન મસ્કની ટ્વીટનો જવાબ આપતાં કહ્યું કે, “ખોટા સમાચાર ફેલાવવા માટે તારે મારી માફી માગવી પડશે. ખોટા ફોટો અને ફેન ન્યુઝને ફેલાવવા માટે કમ્યુનિટીએ પણ કમેન્ટ કરવી જોઈએ. મેં ક્યારેય પણ આવી સાઇન કે બોર્ડ મૂક્યું નથી. હું માનું છું કે આ ફોટોને AI દ્વારા બનાવવામાં આવ્યો છે અને તું એ ચેક પણ કરી શકે છે. જો તું તર્કસંગત વાત કરી શકતો હોય તો આપણે એ વિશે જરૂર ચર્ચા કરી શકીએ. (હું તારા ખોટા ફોટાથી એકદમ વિપરીત વ્યક્તિગત સત્યો તારી સામે રજૂ કરી શકું છું.) એ પાછળનું કારણ એ છે કે આપણે ઘણી બાબતો પર એકમેક સાથે સમહત છીએ (કાયદેસર ઇમિગ્રેશન, હવામાન, મેરિટોક્રસી પરંતુ ઘણી કાળજી સાથે) અને કેટલાક મહત્ત્વના મોટા મુદ્દાઓ પર અસહમત છીએ જેમ કે લોકશાહી બચાવવા માટે શ્રેષ્ઠ કોણ છે અને રાષ્ટ્રપતિ પસંદ કરતી વખતે મૂલ્યો કેટલા મહત્ત્વપૂર્ણ હોય છે. પ્રોપર્ટીમાંથી સામાન્ય વ્યક્તિને પ્રવેશ મળવો જોઈએ કે નહીં એ દરેક કેસમાં કોર્ટે મને સમર્થન આપ્યું છે. હું ફક્ત એક જ કેસ હાર્યો છે અને એ છે પેઇડ પાર્કિંગ માટેનો ગેટ બંધ કરવો જે અગાઉના માલિકે ખુલ્લો મૂક્યો હતો. સ્ટેટ દ્વારા મને બ્યુરોક્રેસીનો ઉપયોગ કરીને એને બંધ કરવાની પરવાનગી આપી નથી, પરંતુ એ માટે પરમિટની જરૂર છે.”
ઇલોન મસ્કનો કટાક્ષ કે માફી?
વિનોદ ખોસલાની આ ટ્વીટનો જવાબ ઇલોન મસ્કે આપ્યો હતો. જોકે તેણે માફી માગી છે કે કટાક્ષ કર્યો છે એ એક સવાલ છે. આ વિશે ઇલોન મસ્કે ટ્વીટ કર્યું કે, “પબ્લિક બીચ પર તે લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે એવી સાઇન મેં બનાવી હોવાથી તારી માફી માગું છું. આ ખૂબ જ ખરાબ કહેવાય. કૃપા કરીને મને માફ કરશો.”