શોપિંગ ગાઇડ: શું ખરીદવું અને શું નહીં એ માટે AI ટૂલ કરશે સહાય
AI Tool For Shopping: દિવાળી નજીક છે અને એથી જ ઘણી ઓનલાઇન શોપિંગ સાઇટ પર સેલ ચાલી રહ્યા છે. જોકે આ સેલમાં એટલી બધી વસ્તુ છે કે શું ખરીદવું અને શું નહીં એ એક સવાલ છે. જોકે એનું પણ સમાધાન છે. એમેઝોન અને મિન્ત્રા જેવી વેબસાઇટ પર ખરીદી માટે AI ટૂલનો ઉપયોગ કરવો. આ એક શોપિંગ ગાઇડ છે જે એપલ અને એન્ડ્રોઇડ સહિત વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. આ ટૂલનો ઉપયોગ કરવાથી યુઝરને તેમની જરૂરિયાતની વસ્તુ ખૂબ જ સરળતાથી મળી રહેશે.
મોટા ભાગની પ્રોડક્ટ માટે ઉપયોગી
એમેઝોન પર દરેક પ્રકારની વસ્તુ મળે છે, પરંતુ મિન્ત્રા પર ફક્ત કપડાં મળે છે. આથી એમેઝોન પર મોટા ભાગની પ્રોડક્ટ માટે AI ટૂલનો ઉપયોગ કરી શકાય છે. ટીવી, હેડફોન્સ, ટ્રેકિંગ માટેના પેન્ટ્સ, શૂઝ અને ટ્રાવેલ માટે જરૂરી સામગ્રી વગેરે માટે આ ટૂલનો ઉપયોગ કરી શકાય છે.
કેટેગરીમાં દેખાડશે પ્રોડક્ટ
યુઝર દ્વારા તેની જરૂરિયાત પ્રમાણેની વસ્તુ વિશે જ્યારે સર્ચ કરવામાં આવે ત્યારે ચોક્કસ કમાન્ડ આપવામાં ન આવ્યો હોય તો તેને કેટેગરી પ્રમાણે દેખાડવામાં આવશે. ઉદાહરણ તરીકે, યુઝરે ટીવી સર્ચ કર્યું તો તેને અલગ-અલગ કેટેગરીના ટીવી દેખાડવામાં આવશે. હેડફોન સર્ચ કરવામાં આવશે તો વાયરવાળા અને વાયરલેસ એમ અલગ-અલગ દેખાડવામાં આવશે. જો ચોક્કસ કમાન્ડ આપવામાં આવ્યો હશે તો એ કેટેગરીમાં બેસ્ટ ઓપ્શન યુઝરને આપી દેશે.
રીવ્યુ અને રેટિંગ્સ
આ ટૂલ રીવ્યુ અને રેટિંગ્સને ધ્યાનમાં રાખે છે અને એ પ્રમાણે જે સારું હોય એ સૌથી પહેલાં યુઝરને દેખાડે છે. તેમ જ એમાં પણ ફિલ્ટર ઓપ્શન આપ્યા છે. યુઝર એક પછી એક કમાન્ડ આપીને પણ ફિલ્ટર કરી શકે છે.
આ પણ વાંચો: હોલિવૂડની ફિલ્મ 'ઇનસેપ્શન' બની હકીકત: વિજ્ઞાનીઓનો સફળ પ્રયોગ, હવે સપનામાં વાતચીત શક્ય
કેવી રીતે ઉપયોગ કરશો?
AI ટૂલનો ઉપયોગ કરવા માટે એનું સૌથી પહેલાં સર્ચ ટેબમાં જઈને ટાઇપ કરવું. એમેઝોનમાં બે ઓપ્શન છે. સર્ચ ટેબ દ્વારા પણ ટૂલનો ઉપયોગ કરી શકાય છે. તેમજ રુફુસ દ્વારા પણ સીધા સવાલ કરીને એ શોધી શકાય છે. મિન્ત્રામાં સર્ચ ટેબ પર ક્લિક કરતાની સાથે જ એક વિન્ડો ઓપન થશે. આ વિન્ડોમાં ‘શોપ વિથ માયા’ લખ્યું હશે એના પર ક્લિક કરતાં ચેટબોક્સ ઓપન થશે અને એમાં કમાન્ડ લખીને જરૂરી હોય તે પ્રોડક્ટ શોધી શકાય છે. ઉદાહરણ તરીકે, ટ્રેકિંગ માટેની જરૂરિયાતની વસ્તુ શોધવી હોય તો એ લખતાં ટેન્ટ અને સ્લીપિંગ બેગ દેખાડી દેશે. તેમ જ બીચ વેકેશન માટે કપડાં લખતાં તે માટેના કપડાં દેખાડી દેશે. આથી યુઝર માટે હવે જે-તે પ્રસંગ માટે કપડાં શોધવાના સહેલા થઈ ગયા છે.