અમેરિકાના બેન છતાં ચીનમાં NVIDIAના પ્રોસેસર ડિમાન્ડમાં, ડીપસીકનો છે કમાલ
America Banned Nvidia in China: અમેરિકા દ્વારા પ્રોસેસર બનાવતી કંપની NVIDIA પર બેન લગાવી દેવામાં આવ્યો હતો કે તેઓ લેટેસ્ટ પ્રોસેસરને ચીનમાં નહીં વેચી શકે. જોકે તેમ છતાં ચીનમાં NVIDIAના પ્રોસેસર ખૂબ જ ડિમાન્ડમાં છે. આ ડિમાન્ડ માટે જવાબદાર છે ડીપસીક. ટેન્સેન્ટ, અલિબાબા અને બાઇટડાન્સ જેવી કંપનીઓએ NVIDIAના પ્રોસેસરના ઓર્ડર વધારી દીધા છે.
ડીપસીકનો છે કમાલ
ડીપસીક લોન્ચ કરવામાં આવ્યું ત્યારે એમાં લેટેસ્ટ પ્રોસેસર નહોતા. તેમ છતાં, એને ખૂબ જ ઓછા ખર્ચે બનાવવામાં આવ્યું હતું અને એ જોરદાર પર્ફોર્મન્સ આપે છે. અમેરિકા દ્વારા NVIDIA પર લેટેસ્ટ પ્રોસેસર પર રોક લગાવવામાં આવી છે. ચીનના લોકોને લેટેસ્ટ નહીં, પરંતુ H20 પ્રોસેસરની જરૂર છે. ડીપસીકને કારણે ચીનમાં દરેક એપ્લિકેશનમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થઈ રહ્યો છે. તેમ જ નવી-નવી એપ્લિકેશનની સાથે ઘણી કંપની પોતાનું AI મોડલ પણ બનાવી રહી છે. ડીપસીકના પર્ફોર્મન્સને જોઈને કંપનીઓ હવે ઓછા પૈસામાં સારું પર્ફોર્મન્સ મેળવવા માટે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ટ્રેડિશનલ મોડલની જગ્યાએ, ડીપસીકમાં જરૂર હોય એટલાં જ કોમ્પ્યુટિંગ પાવરનો ઉપયોગ કરવામાં આવે છે. આથી નાની વસ્તુ માટે ઓછો પાવર અને મોટી વસ્તુ માટે વધુ પાવર. આ કારણે પ્રોસેસર બેલેન્સ થઈ જાય છે. ડીપસીકનું ઇન્ટરફેઝ-બેસ્ડ કોમ્પ્યુટિંગ મોડલ જોરદાર છે. આથી જ કંપનીઓ હવે NVIDIA H20ને પસંદ કરી રહી છે.
માર્કેટમાં ખૂબ જ છે ડિમાન્ડ
અમેરિકા દ્વારા જે રિસ્ટ્રીક્શન લગાવવામાં આવ્યાં છે એ નિયમ NVIDIAની H20 ચીપ પર લાગુ નથી પડતો. 2024માં NVIDIA દ્વારા એક મિલિયન ચીપને ચીનમાં મોકલવામાં આવી હતી. એથી કંપનીએ 12 બિલિયન અમેરિકન ડોલરનું રેવેન્યુ જનરેટ કર્યું છે. કંપની પર ઘણાં પ્રતિબંધ હોવા છતાં ચીનમાં તેમણે પોતાનું માર્કેટ જમાવી રાખ્યું છે. અમેરિકા હવે આ ચીપ પર લગામ લગાવવાનું વિચારી રહ્યું છે. જો આ ચીપ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવે તો NVIDIA માટે ચીનમાં બિઝનેસ કરવો મુશ્કેલ થઈ જશે.
આ પણ વાંચો: સેમ ઓલ્ટમેન નહીં ‘સ્કેમ’ ઓલ્ટમેન: OpenAIના CEOને આવું કહ્યું ઈલોન મસ્કે
ડીપસીકને કારણે તમામ એપ્લિકેશનમાં AI
ડીપસીક સસ્તું હોવાથી, હવે ચીનની જે લોકલ એપ્લિકેશન છે એ દરેકમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હેલ્થથી લઈને ટ્રાન્સપોર્ટ સુધી દરેક એપ્લિકેશનમાં હવે AIનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગ્રેટ વોલ મોટોર કંપની દ્વારા તેમની વ્હિકલ સિસ્ટમમાં ડીપસીકનો સમાવેશ કરવામાં આવ્યો છે. વીચેટમાં પણ હવે આ મોડલનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ તમામ એપ્લિકેશનને કારણે H20 પ્રોસેસર્સની ડિમાન્ડ ચીનમાં હજી વધવાની સંભાવના છે.