અમેરિકાનાં પ્લેન્સમાં હવે સ્ટારલિંકથી ઇન્ટરનેટ ક્નેક્ટિવિટી
ભારતમાં અંતરિયાળ વિસ્તારોમાં સેટેલાઇટની મદદથી ઇન્ટરનેટ કનેક્ટિવિટીની વાત
હજી સપનું રહી છે ત્યાં અન્ય દેશોમાં આ કન્સેપ્ટ નક્કર આકાર લેવા માંડ્યો છે.
સેટેલાઇટથી ઇન્ટરનેટ કનેક્ટિવિટીની હરીફાઈમાં અમેરિકન ટેકનોક્રેટ ઇલોન મસ્કની
સ્પેસએક્સ કંપનીનું સ્ટારલિંક નેટવર્ક સૌથી આગળ છે. અત્યાર સુધીમાં કંપનીએ ૬,૧૧૬ જેટલા સ્ટારલિંક સેટેલાઇટ લોન્ચ કરી દીધા છે અને તેમાંથી ૫,૭૬૫ ઓપરેશનલ થઈ ગયા છે.
ત્યાં હવે સમાચાર છે કે અમેરિકાની યુનાઇટેડ એરલાઇન્સ તેનાં પ્લેન્સમાં
પેસેન્જર્સને ફ્લાઇટ દરમિયાન સ્ટારલિંકની મદદથી ફ્રી વાઇ-ફાઇની સુવિધા આપશે!
યુનાઇટેડ એરલાઇન્સ કંપનીએ આ માટે આ વર્ષની શરૂઆતમાં ટેસ્ટિંગ શરૂ કરી દીધું હતું.
હાલમાં કંપની જુદા જુદા સર્વિસ પ્રોવાઇડર્સની મદદથી ઇનફ્લાઇટ ઇન્ટરનેટ
કનેક્ટિવિટી આપે છે. પરંતુ એ માટે પેસેન્જર પાસેથી ચાર્જ વસૂલ કરે છે.
હવે કંપની તેના એક હજારથી વધુ પ્લેનમાં સ્ટારલિંકની મદદથી મફત ઇન્ટરનેટ
કનેક્ટિવિટી આપશે. આવતા વર્ષની શરૂઆતથી જ કેટલાંક પ્લેન્સમાં આ સુવિધા મળવાની
શરૂઆત થઈ જશે.
એ ખાસ નોંધવા જેવું છે કે સ્ટારલિંક પ્રોજેક્ટ હેઠળ વિશ્વના તમામ ખૂણે, મહાસાગરો ઉપર તથા ધ્રુવ પ્રદેશોમાં પણ ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળી શકે છે.
હાલમાં ૧૦૦થી વધુ દેશોમાં ૩૦ લાખ જેટલા લોકો સ્ટારલિંકની મદદથી ઇન્ટરનેટ
કનેક્ટિવિટી મેળવવા લાગ્યા છે.