Get The App

કારમાં ફોન અનલોક, આપોઆપ

Updated: May 26th, 2024


Google NewsGoogle News
કારમાં ફોન અનલોક, આપોઆપ 1 - image


તમે તમારો સ્માર્ટફોન અચૂકપણે લોક્ડ રાખતા હશો અને આપણે તેનો ઉપયોગ બંધ કરીએ એ સાથે નિશ્ચિત સેકન્ડ કે મિનિટ પછી તે ફરી આપોઆપ લોક થાય તેવું સેટિંગ પણ કરી રાખ્યું હશે. આ બધી સારી આદત છે. પરંતુ જ્યાં સલામતી હોય ત્યાં સાથોસાથ ત્યાં થોડી અસુવિધા પણ હોય જ.

ખાસ કરીને આપણે પોતાના ફોન સાથે કારમાં ગોઠવાઈએ અને કારની ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમમાં અથવા ફોનમાં મેપ્સ એપ ઓપન કરવાનો પ્રયાસ કરીએ ત્યારે પહેલાં ફોનને અનલોક કરવો પડે. એ સમયે આપણે કારનો મિરર એડજસ્ટ કરવો કે એન્જિન ચાલુ કરીને ગિયર બદલવા જેવાં બીજાં કામ પણ કરવાનાં હોય, ત્યાં ફોનમાં ફિંગરપ્રિન્ટ કે પિન-પાસવર્ડ કે પેટર્ન આપીને તેને અનલોક કરવાની જફા પણ કરવાની?

આ અસુવિધાનો ઉપાય સ્માર્ટફોનના સ્માર્ટ લોક ફીચરમાં છે.

તેનો લાભ લઇને આપણે પોતાના ફોનમાં કારની ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ કે બ્લૂટૂથ સ્ટિરિયોને ‘ટ્રસ્ટેડ બ્લૂટૂથ’ ડિવાઇસ તરીકે સેટ કરી શકીએ છીએ.

એ પછી આપણે જ્યારે પણ કારમાં ગોઠવાઈએ અને ફોન કારના બ્લૂટૂથ ડિવાઇસને ઓળખી લે એ સાથે તે આપોઆપ અનલોક થઈ જાય છે. આ સેટિંગ કરવા માટે ફોનના સેટિંગ્સમાં સિક્યોરિટીમાં જાઓ. તેમાં સ્માર્ટલોક અને તેમાં ટ્રસ્ટેડ ડિવાઇસના ઓપ્શન્સમાં જાઓ.

અહીં કારના બ્લૂટૂથ ડિવાઇસને ટ્રસ્ટેડ ડિવાઇસ તરીકે એડ કરવા માટે એક વાર સરળ સેટઅપ કરવાનું રહેશે. એ પછી આપણું કામ કાયમ માટે રાહતભર્યું બની રહેશે.

સેટિંગ્સમાં ‘સ્માર્ટ લોક’ સુધી પહોંચ્યા હો ત્યારે ‘ટ્રસ્ટેડ ડિવાઇસ’ ઉપરાંત બીજા પ્રકારનાં સ્માર્ટ લોક પણ તપાસી લેવાનું ભૂલતા નહીં. જોકે યાદ રાખશો કે સ્માર્ટ લોક સંપૂર્ણપણે સચોટ વ્યવસ્થા નથી, અમુક સ્માર્ટ લોકમાં આપણે ઇચ્છતા ન હોઈએ એવા સંજોગમાં પણ ફોન અનલોક્ડ રહી શકે છે.


Google NewsGoogle News