ડેટા સાચવતી મેમરીના પ્રકાર
આપણો સ્માર્ટફોન હોય કે કમ્પ્યૂટર, તેમાં આપણો ડેટા કેવી રીતે
હેન્ડલ થાય છે એ થોડું જાણી લઇએ તો આ સાધનો પાસેથી કામ લેવાનું થોડું વધુ સરળ બની
શકે.
આ સાધનોમાં આપણો ડેટા મુખ્યત્વે ત્રણ રીતે સ્ટોર થાય છે અને એ ત્રણ રીતે આપણે
તેને એક્સેસ કરીએ છીએ.
આપણે સ્માર્ટફોનમાં કે કમ્પ્યૂટરમાં કોઈ એપ ઓપન કરીએ કે બ્રાઉઝિંગ કરીએ ત્યારે
આ ત્રણમાંથી કોઈ એક રીતે સ્ટોર થયેલા ડેટા સુધી આપણે પહોંચીએ છીએ. ડેટા સ્ટોરેજ
અને એક્સેસની આ ત્રણ રીત છે. (૧) કેશ (૨) મેમરી (૩) ડેટા ડ્રાઇવ.
૧. કેશ: આપણે પોતાના સાધનમાં જે કંઈ એક્સેસ કે ઓપન કરીએ એ બધું ફરીથી ઝડપથી
ઓપન થાય એ માટે કેશ મેમરીમાં જમા થાય છે. આ પ્રકારની મેમરી સૌથી ઓછી હોય છે. તેથી
તેમાં ડેટા સતત ઓવરરાઇટ થતો રહે છે.
૨. મેમરી: આ પ્રકારની મેમરીને આપણે રેન્ડમ એક્સેસ મેમરી (રેમ) તરીકે ઓળખીએ
છીએ. સ્માર્ટફોન કે કમ્પ્યૂટરમાંના એક્ટિવ પ્રોગ્રામ અને પ્રોસેસનો ડેટા રેમમાં
સ્ટોર થતો હોય છે. એટલે જ સ્માર્ટફોન કે કમ્પ્યૂટરમાં એક સાથે ઘણા બધા પ્રોગ્રામ
કોઈ તકલીફ વિના ચલાવવા હોય તો તેમાં વધુ રેમ જોઇએ. જોકે આપણે પ્રોગ્રામ બંધ કરીએ એ
સાથે રેમમાંનો ડેટા ભૂંસાઈ જાય.
૩. ડેટા ડ્રાઇવ: સ્માર્ટફોન/કમ્પ્યૂટરના પ્રોગ્રામની ફાઇલ, સેટિંગ્સની ફાઇલ્સ વગેરે ઉપરાંત આપણે પોતે ક્રિએટ કરેલ ડેટાની ફાઇલ ડેટા
ડ્રાઇવમાં સ્ટોર થાય છે. આવી ડ્રાઇવ એચડીડી અથવા એસડીડી પ્રકારની હોય છે. તેમાં
સ્ટોર થતો ડેટા એ ડ્રાઇવ બગડે નહીં ત્યાં સુધી તેમાં સચવાઈ રહે છે.