ચંદ્રની ધરતી પર ચીનના રોકેટ બુસ્ટરના પ્રહારથી બે ઉલ્કાકુંડ બન્યાની આશંકા

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
ચંદ્રની ધરતી પર ચીનના રોકેટ બુસ્ટરના પ્રહારથી બે ઉલ્કાકુંડ બન્યાની આશંકા 1 - image


- ચીનના વિજ્ઞાનીઓ અને સરકારી અધિકારીઓ આ ઘટના સ્વીકારવા રાજી નથી

- નાસાના વિજ્ઞાનીઓના કહેવા મુજબ 2022ની 4,માર્ચે  ચીનનું રોકેટ બુસ્ટર ચંદ્રની  અંધારી બાજુની ધરતી પર ટકરાયું હતું

હ્યુસ્ટન/મુંબઇ : અમેરિકાની  અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)ના લ્યુનાર રિકોઝન્સ ઓર્બિટરે(એલ.આર.ઓ.) ચંદ્રની સપાટીની અમુક ઇમેજીસ(છબી) મોકલી છે. આ ઇમેજમાં ચંદ્રની ધરતી પર બે   ઉલ્કાકુંડ(જેને ખગોળશાસ્ત્રની ભાષામાં ક્રેટર કહેવાય છે) જોઇ શકાય છે.

ચંદ્રમાની તે ઇમેજમાંના બંને ક્રેટર્સ જાણે કે એકબીજા ઉપર હોય તેવા દેખાય છે. આ ઘટનાને વિજ્ઞાનીઓ અજીબોગરીબ કહે છે.

હવે  ચંદ્રની ધરતી પર જે બે મોટા,ઉંડા ઉલ્કાકુંડ બન્યા છે તેનું ખરું કારણ અને પરીબળ શું છે તે જાણવા  માટે ખગોળશાસ્ત્રીઓ અભ્યાસ કરી રહ્યા છે. એક ચર્ચા એવી પણ છે કે  ચંદ્રની ધરતી પરના પેલા બંને ઉલ્કાકુંડ ચીનના રોકેટના પ્રહારથી બન્યા છે.ચીનના - ચાન્ગ -૫ ટી એ - મિશનનો  ઉપરનો  હિસ્સો ચંદ્રની ધરતી પર  ટકરાયો હોવાથી આ ઘટના બની છે.જોકે ચીનના  આ મૂન મિશનના  હિસ્સાના  પ્રહારથી ખરેખર તો ચંદ્રની ધરતી પર ફક્ત એક ઉલ્કાકુંડ બનવો  જોઇએ પણ બન્યા  છે બે. ખગોળશાસ્ત્રીઓને એવી શંકા છે કે  ચીને તેના - ચાન્ગ ૫ ટીએ - મિશનમાં  ચંદ્રની ધરતી પર  વૈજ્ઞાનિક પરીક્ષણ કરવા માટે  કોઇ શસ્ત્ર કે હથિયાર મોકલ્યું હોવું જોઇએ.  

 હવે એલ.આર.ઓ.ની ઇમેજીસમાં જે બે મોટા ઉલ્કાકુંડ દેખાય છે તેની આજુબાજુ રોકેટના ટુકડાના નક્કર પુરાવા  નથી મળ્યા.

નાસાના વિજ્ઞાનીઓના કહેવા મુજબ ૨૦૨૨ની ૪,માર્ચે  ચીનનું   રોકેટ બુસ્ટર ચંદ્રની  અંધારી બાજુની ધરતી પર ટકરાયું હતું.  નાસાના - એલ.આર.ઓ. ઓર્બિટરે   ચંદ્ર પરના બે  ઉલ્કાકુંડની ઇમેજીસ ૨૦૨૨ની ૨૫, મે એ લીધી હતી. ચંદ્ર પરના બે ઉલ્કાકુંડની  ઇમેજીસ સૌથી પૈહેલાં  ખગોળશાસ્ત્રી બીલ ગ્રે એ જોઇ હતી.  ખુદ બીલ ગ્રે એ જ ૨૦૨૨માં  ચીનનું રોકેટ  ચંદ્રની ધરતી પર ટકરાયું હોવાનો ઇશારો કર્યો હતો.બીલ ગ્રે એ એમ કહ્યું હતું કે  રોકેટની દિશા અને ગતિનું ગણિત એમ કહે છે કે તે રોકેટ ઉભી દિશામાં(વર્ટિકલ) ૧૫ ડિગ્રીના ખૂણે(એન્ગલ) ચંદ્રની ધરતી સાથે ટકરાયું હોવું જોઇએ. જોકે  આ   પરિસ્થિતિને કારણે ચંદ્રની ધરતી પર બે મોટા ઉલ્કાકુંડ   બન્યા હોય તે માની ન શકાય. આમ છતાં ત્યાં બે ઉલ્કાકુંડ બન્યા છે જરૂર.

એક ઉલ્કાકુંડ  પૂર્વ દિશામાં  છે જેનો વ્યાસ ૧૮ મીટર(૫૪ ફૂટ) છે.  બીજો  ઉલ્કાકુંડ પશ્ચિમ દિશામાં છે જેનો વ્યાસ ૧૬ મીટર(૪૮ ફૂટ) છે.વળી, પૂર્વ દિશાનો ઉલ્કાકુંડ પશ્ચિમ દિશાના ઉલ્કાકુંડ પર હોય તેવું લાગે છે.

બીજીબાજુ ચીનના વિજ્ઞાનીઓ તથા સરકારી અધિકારીઓ  ચંદ્રની ધરતી પર બનેલી આ ઘટનાનો ઇનકાર કરે છે. તેઓના કહેવા મુજબ ૨૦૧૪માં  ચંદ્ર પર ગયેલું  ચાંગ -૫ ટીએ મિશનનું રોકેટ ખરેખર તો એ જ વર્ષે પૃથ્વીના  વાયુમંડળમાં  પુન: પ્રવેશ  કરીને  બળીને ભસ્મ થઇ ગયું હતું.એટલે ચંદ્રની ધરતી પરના બે ઉલ્કાકુંડ કાંઇ અમારા રોકેટના પ્રહારથી નથી બન્યા.


Google NewsGoogle News