Twitterની સફર પૂર્ણ: ઈલોન મસ્કે ટ્વીટરનું નામોનિશાન રહેવા દીધું નહીં, હવે URL પણ થઈ X
Image: X
Elon Musk: ઈલોન મસ્કે આખરે Twitterનું નામોનિશાન ખતમ કરી દીધું છે. Twitterને ખરીદ્યા બાદ તેણે તેનું નામ બદલીને X કર્યું હતું, પરંતુ એક્સ વેબસાઈટની યુઆરએલ Twitter.comથી ઓપન થઈ રહી હતી. હવે ઈલોન મસ્કે તેને પણ ખતમ કરી દીધી છે. તેણે એક પોસ્ટ કરતા કહ્યું છે કે હવે માત્ર એક્સ હશે.
ઈલોન મસ્કની આ પોસ્ટ બાદ x.com પર ગયા બાદ એક મેસેજ મળી રહ્યો છે જેમાં લખેલું છે કે Twitter.comને ટૂંક સમયમાં x.com પર રીડાયરેક્ટ કરવામાં આવી રહ્યું છે. થોડા દિવસ બાદ Twitter.com ઓપન જ થશે નહીં. આ મેસેજની સાથે એ પણ લખેલું છે કે માત્ર યુઆરએલ બદલાયેલી છે અને પ્રાઈવસી અને ડેટા પ્રોટેક્શન પહેલા જેવું જ છે.
વર્ષ 2022માં જ્યારે ઈલોન મસ્કે ટ્વીટરને ખરીદ્યુ તો તે બાદ તેણે તેનું નામ બદલીને એક્સ કર્યું અને ટ્વીટનું નામ પોસ્ટ કરી દેવાયું. આ સિવાય માલિક બન્યા બાદ ઈલોને બ્લૂ સર્વિસ લોન્ચ કરી. જે હેઠળ રૂપિયા લઈને લોકોને બ્લૂ ટિક આપવામાં આવ્યા.
ઈલોન મસ્ક એક્સના ટીવી એપ પર પણ કામ કરી રહ્યા છે. એક્સની ટીવી એપ આવ્યા બાદ તેની ટક્કર યુટ્યૂબ સાથે થશે. ટીવી એપ લોન્ચ થયા બાદ એક્સના યુઝર્સ ટીવી પર પણ એક્સને એક્સેસ કરી શકશે. ઈલોન મસ્ક વીડિયો પર પણ ઝડપથી કામ કરી રહ્યાં છે. ટીવી એપ પર મોટાભાગે કન્ટેન્ટ વીડિયોના જ હશે.