સિનિયર સિટીઝન અને 2G યુઝર્સ માટે ખુશખબર: હવે ફક્ત વોઇસ અને મેસેજ પ્લાન્સ પણ મળશે
TRAI New Rule: ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા(TRAI)એ દરેક ટેલિકોમ કંપનીને કહ્યું છે કે તેઓ ફક્ત ફોન અને મેસેજ માટે પણ મોબાઇલ પ્લાન લોન્ચ કરે. જિયો દ્વારા જ્યારથી મોબાઇલ ડેટાના પ્લાન વધાર્યા છે ત્યારથી દરેક કંપનીએ પ્લાનના પૈસા વધારી દીધા છે. આ પ્લાન એટલા વધી ગયા છે કે સામાન્ય મોબાઇલનો ઉપયોગ કરનારને ખૂબ જ મોંધા પડી રહ્યા છે. આથી, એવા યુઝરને ધ્યાનમાં રાખીને TRAI દ્વારા નવા પ્લાન લોન્ચ કરવા માટે કંપનીઓને સૂચના આપી છે.
કોને થશે ફાયદો?
TRAIના નિયમ મુજબ, કંપનીઓ હવે ફક્ત વોઇસ અને મેસેજ સર્વિસ માટેના પ્લાન રજૂ કરશે. આ પ્લાન ખાસ કરીને ભારતના નાના ગામડાઓમાં રહેતા લોકોને, જેઓ હજી પણ 2G સર્વિસનો ઉપયોગ કરે છે, તેને લાભ આપશે. લગભગ 150 મિલિયન યુઝર્સ આ સર્વિસનો ઉપયોગ કરે છે. તેઓ મોબાઇલ ડેટાનો ઉપયોગ નથી કરતા. આ સાથે જ બે સીમકાર્ડનો ઉપયોગ કરનારા પણ અન્ય સીમના ડેટાનો ઉપયોગ નથી કરતા. આથી આ તમામ યુઝર્સને ધ્યાનમાં રાખીને TRAI દ્વારા આ નિયમ બનાવવામાં આવ્યો છે. આ નિયમ અનુસાર કંપનીઓએ પ્લાન રજૂ કરવા પડશે અને તે સસ્તા હશે.
ગ્રાહકોની જરૂરિયાત પર ધ્યાન
કંપનીઓ યુઝર્સને 2Gથી 4G તરફ લઈ જઈ રહી છે. તેમ જ હવે જિયો અને એરટલ દ્વારા 5G સર્વિસ શરુ કરવામાં આવી છે અને કંપનીઓ દ્વારા યુઝર્સને આ લેટેસ્ટ ટૅક્નોલૉજીનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જો કે, હવે TRAI દ્વારા ગ્રાહકોની જરૂરિયાત પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કંપનીઓ ભલે તેમની લેટેસ્ટ ટૅક્નોલૉજી ઓફર કરી રહી હોય, પરંતુ ગ્રાહકોને શું જોઈએ છે તે ધ્યાનમાં રાખીને હવે કંપનીઓને મજબૂર કરવામાં આવી રહી છે. ખાસ કરીને સિનિયર સિટિઝન ડેટાનો ઉપયોગ વધુ નથી કરતા અને જે કરે છે તે ઘરના વાઇફાઇનો ઉપયોગ કરે છે.
આ પણ વાંચો: વોટ્સએપમાં આવ્યું નવું ફીચર: યુઝર હવે એપ્લિકેશનમાંથી જ સ્કેન કરી શકશે ડોક્યુમેન્ટ
10 રૂપિયાથી શરુ થશે પ્લાન
TRAI દ્વારા કંપનીઓને ઓછામાં ઓછી રિચાર્જ વેલ્યુ 10 રૂપિયા રાખવા માટે સૂચના આપવામાં આવી છે. અત્યારે એક મહિનાનો પ્લાન ₹198 છે. આ સિવાય જે એનાથી ઓછું રિચાર્જ છે તે ડેટા માટેના છે. જો કે, હવે કંપનીઓને વોઇસ અને મેસેજ માટે પણ આ રિચાર્જ નાના રાખવા પડશે. આ સાથે જ કંપનીને સૂચના આપવામાં આવી છે કે તેઓ જે પણ વાઉચર આપે છે તેની વેલિડિટી હવે વધારવામાં આવે. પહેલાં 90 દિવસ હતી, પરંતુ હવે વાઉચરની વેલિડિટી એક વર્ષની હોવી જોઈએ.