TRAIના નવા નિયમો: સ્પેમ મેસેજથી છૂટકારો અને નેટવર્કની ગુણવત્તામાં સુધારો
TRAI New rules: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયા (TRAI) દ્વારા હાલમાં જ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ નિયમો અનુસાર ગ્રાહકોને ખૂબ જ ફાયદો થશે. ખાસ કરીને તેમના પર આવતા મેસેજ અને લિન્કથી તેમને છૂટકારો મળી શકે છે, જેથી કરીને તેમનો છેતરાવાનો ચાન્સ ઓછો થઈ જશે. સ્પેમ મેસેજથી છૂટકારો અને નેટવર્કની ગુણવત્તામાં વધારો કરવો એ આ નિયમનો મુખ્ય હેતુ છે. તેમ જ ગ્રાહકને નેટવર્ક વિશેની દરેક માહિતી પૂરી પાડવાનું પણ આ નિયમમાં લાગુ કરવામાં આવ્યું છે.
નવા નિયમો લાગુ
પહેલી ઓક્ટોબરથી આ નવા નિયમો લાગુ કરવામાં આવ્યાં છે. આમાં મુખ્ય ત્રણ નિયમ છે જેમાં સ્પેમ મેસેજિસ, સર્વિસ અને કવરેજને લગતી માહિતીનો સમાવેશ થાય છે. જોકે અમુક નિયમોને લઈને ટેલિકોમ ઓપરેટર્સની ચિંતા વધી ગઈ છે. તેમ છતાં, આ નિયમોને તેમણે પાલન કરવું ફરજિયાત છે.
સ્પેમ મેસેજ અને લિન્ક
TRAIના નિયમ મુજબ, સ્પેમ મેસેજ અને લિન્કને અટકાવવા માટે દરેક એડવર્ટાઇઝ કરતી કંપનીઓએ એડવાન્સમાં ટેલિકોમ ઓપરેટરને તેમના મેસેજની માહિતી આપવી પડશે. મેસેજમાં શું કન્ટેન્ટ છે અને કઈ લિન્ક છે તે જણાવવું પડશે. ત્યાર બાદ અપ્રૂવલ લીધા બાદ એ મેસેજને ગ્રાહક સુધી મોકલવામાં આવશે. આ માટે ટેલિકોમ કંપનીઓએ દરેક લિન્ક અને મેસેજને ધ્યાનથી સ્કેન કરવા પડશે. આ મેસેજમાં જે લિન્ક અથવા તો કન્ટેન્ટ સુરક્ષિત હશે, તેને જ મોકલવામાં આવશે. આ સિવાયના તમામ મેસેજ, જેમાં લિન્કનો સમાવેશ કરવામાં આવ્યો છે, તે ટેલિકોમ ઓપરેટર્સ દ્વારા બ્લોક કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, યુઝરને કોઈ ઓફર માટેની લિન્ક આવે તો એ પહેલાં કોઈ પણ વ્યક્તિ સેન્ડ કરી શકતું હતું. જોકે હવે એ લિન્ક ટેલિકોમ ઓપરેટર્સ દ્વારા અપ્રૂવ કર્યા બાદ જ સેન્ડ કરી શકાશે. એટલે કે, આ લિન્ક સુરક્ષિત હોય તે માની લેવું, પરંતુ એ ક્યારે જ્યારે કોઈ કંપનીના નંબર પરથી મેસેજ આવતો હોય. મોબાઇલ નંબર પરથી ક્યારેય પણ મેસેજ અથવા તો લિન્ક આવે તો તેને ઓપન ન કરવી, કારણ કે જાણીતી કંપનીઓ ક્યારેય મોબાઇલ નંબરનો ઉપયોગ નથી કરતી. આ સાથે બેન્ક અને અન્ય કમર્શિયલ બિઝનેસ કંપનીઓને TRAI દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે ફક્ત ઓફર અને તેને લગતી લિન્કને જ વાઇટવોશ કરવામાં આવશે.
સર્વિસની ગુણવત્તામાં સુધારો
TRAI દ્વારા ટેલિકોમ ઓપરેટરને સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું છે કે તેમની સર્વિસની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ નહીં ચાલે. તેમણે તેમાં સુધારો કરવો પડશે અને તેમની વેબસાઇટ પર તમામ માહિતી મૂકવી પડશે. ત્રણ મહિનામાં કેટલા કોલ ડ્રોપ થયાં, કેટલા ઇશ્યુ આવ્યા અને એમાં કેટલા સોલ્વ થયાં તે તમામ માહિતી અપલોડ કરવી પડશે. દર ત્રણ મહિને આ રિપોર્ટ અપલોડ કરવાના રહેશે. આ સાથે TRAI તેમની રીતે ટેલિકોમ ઓપરેટરની સર્વિસનું પર્ફોર્મન્સ પણ ચેક કરતું રહેશે.
આ પણ વાંચો: નવું ફીચર : વીડિયો કોલમાં ફિલ્ટર્સ અને બેકગ્રાઉન્ડની મસ્તી
મોબાઇલ કવરેજ ઇન્ફોર્મેશન
એક જ કંપની દ્વારા અલગ-અલગ ટેક્નોલોજી દ્વારા સર્વિસ પૂરી પાડવામાં આવે છે. આથી, દરેક કંપનીએ તેમની વેબસાઇટ પર કયા વિસ્તારમાં કયા નેટવર્ક અને કઈ ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે તે જણાવવું પડશે. ઉદાહરણ તરીકે, ઉત્તરાખંડ અથવા તો હિમાચલ પ્રદેશમાં ટ્રાવેલિંગ માટે જવું હોય તો કોઈ અન્ય વ્યક્તિને માહિતી પૂછવા કરતાં હવે સીધું જે-તે નેટવર્કની વેબસાઇટ પર જઈને માહિતી મળી રહેશે. ત્યાં 3G, 4G અને 5G કયા નેટવર્ક પકડાશે તે માહિતી મળી રહેશે. આથી, યુઝરે નવો સિમ કાર્ડ લેવો કે નહીં અને લેવો તો કયો, તેની પણ માહિતી ચોક્કસ મળી રહેશે.