2023માં ભારતીયોએ 26 અબજ એપ્સ ડાઉનલોડ કરી, ગૂગલ સૌથી લોકપ્રિય, આ કેટેગરીમાં સૌથી વધુ આકર્ષણ
આ એપ એન્ડ્રોઈડ અને iOS યૂઝર્સ એમ બંને દ્વારા ડાઉનલોડ કરવામાં આવી
Indians downloaded 26 billion apps in 2023 : જો આપણે મોબાઈલમાં એપ ડાઉનલોડ કરવાની વાત કરીએ તો 2023માં ભારતીયોએ કુલ 25.96 અબજ એપ્સ ડાઉનલોડ કરી હતી. આ એપ એન્ડ્રોઈડ અને iOS યૂઝર્સ એમ બંને દ્વારા ડાઉનલોડ કરવામાં આવી હતી. એનાલિટિક્સ પ્લેટફોર્મ data.ai એ આ માહિતી આપી હતી. જેને એન્ની નામે પણ ઓળખાય છે.
2022ની તુલનાએ ઓછી એપ ડાઉનલોડ થઈ
જોકે 2022ના આંકડાની વાત કરીએ તો તે સમયે ભારતીયો દ્વારા 28 અબજ એપ ડાઉનલોડ કરવામાં આવી હતી. એટલે કે 2023માં ભારતીયો દ્વારા એપ ડાઉનલોડ કરવાનો આંકડો ઓછો રહ્યો છે. તાજેતરના એપ ડાઉનલોડના આંકડા 1 જાન્યુઆરી 2023 થી 30 ડિસેમ્બર 2023 વચ્ચેના છે.
એપ સ્ટોરની આવકનો આંકડો ચોંકાવનારો
બીજી બાજુ ભારતમાં એપ સ્ટોરથી જુદા જુદા પબ્લિશરને થતી આવકનો આંકડો 415 મિલિયન ડૉલરને આંબી ગયો હતો. તેમ છતાં આ મામલે તે દુનિયામાં હજુ 25મા ક્રમે છે. માહિતી અનુસાર ગૂગલ પ્લે સ્ટોરને ગત વર્ષે 19 મિલિયન ડૉલર, તેના પછી Seaને 16 મિલિયન ડૉલર, ડેટિંગ એપ બંબલને 11 મિલિયન ડૉલર તથા ટેન્સેન્ટને 10 મિલિયન ડૉલરની આવક થઇ હતી. જોકે Sea, બમ્બલ અને ટેન્સેન્ટની આવકમાં ડેવલોપરો દ્વારા એપ સ્ટોરને અપાતો હિસ્સો પણ સામેલ છે.
સૌથી વધુ કઈ કેટેગરીની એપ્સ ડાઉનલોડ થઇ?
રિપોર્ટ મુજબ સૌથી વધુ ગેમિંગને લગતી એપ્સ ડાઉનલોડ થઇ હતી જેનો આંકડો 9.3 અબજ જેટલો રહ્યો હતો. ત્યારબાદ સોશિયલ (2.36 બિલિયન), ફોટો અને વીડિયો (1.86 અબજ) કેટેગરીમાં સૌથી વધુ એપ ડાઉનલોડ થઇ હતી. બીજી બાજુ સૌથી વધુ ડાઉનલોડ થનાર કેટેગરીમાં ફાયનાન્શ (1.6 અબજ), મનોરંજન (1.3 અબજ), શોપિંગ (1.10 અબજ), બિઝનેસ (446 મિલિયન), શિક્ષણ (439 મિલિયન), પ્રોડક્ટિવિટી ટૂલ્સ (995 મિલિયન) અને લાઈફ સ્ટાઈલ એપસ (468) મિલિયનનો સમાવેશ થાય છે.
કઈ એપ સૌથી વધુ પોપ્યુલર?
ભારતમાં ગત વર્ષે પણ સૌથી પોપ્યુલર એપ તરીકે ગૂગલ જ હતી જેને 449 મિલિયન યૂઝરે ડાઉનલોડ કરી. ત્યારબાદ ઈન્સ્ટાગ્રામ (364 મિલિયન), રિલાયન્સ જિયો (266 મિલિયન), ફ્લિપકાર્ટ (220 મિલિયન), વોટ્સએપ (210 મિલિયન) અને મેટા (207 મિલિયન) નો સમાવેશ થાય છે.