2024માં ટેક ઇન્ડસ્ટ્રીમાં થયેલા દુનિયાભરના ટોપ ટેન આઉટેજ પર એક નજર...
Global Outage 2024: નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને ટેક-ઇન્ડસ્ટ્રીમાં નવી ટેક્નોલોજીની રાહ જોવામાં આવી રહી છે. ટેક્નોલોજી જેટલી વધી રહી છે, એટલી જ લોકો એના પર નિર્ભર થઈ રહ્યાં છે. આથી, ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીમાં 2024માં જે આઉટેજ થયા હતા અને જેમાં સૌથી વધુ કેટલા યુઝર્સને અસર થઈ હતી, એના આધારે ટોપ 10 આઉટેજ વિશે જોઈએ. આ કંપનીઓ એવી છે કે તેમના આઉટેજને કારણે દુનિયાભરના ઘણા દેશ અને ઘણા ઇન્ડસ્ટ્રીને અસર થઈ હતી. બેન્કિંગથી લઈને હોસ્પિટલ અને એરપોર્ટ જેવી ઇન્ડસ્ટ્રી પર પણ તેની અસર થઈ હતી.
ફેસબુક: 5મી માર્ચ
2024માં દુનિયાની સૌથી મોટું આઉટેજ ફેસબુકમાં જોવા મળ્યું હતું. 5મી માર્ચે થયેલા આ આઉટેજમાં દુનિયાભરના 11.1 મિલિયન યુઝર્સને અસર થઈ હતી. આ આઉટેજને કારણે ઇન્સ્ટાગ્રામ પર પણ અસર થઈ હતી. પરિણામે, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંનેના યુઝર્સ ગુસ્સે થયા હતા.
ક્રાઉડસ્ટ્રાઇક: 19 જુલાઈ
દુનિયાની સૌથી મોટી આઉટેજ ભલે ફેસબુક હોય, પરંતુ ક્રાઉડસ્ટ્રાઇકની અસર ઘણાં ક્ષેત્રમાં જોવા મળી હતી. તેના કારણે દુનિયાના લગભગ 5 મિલિયન યુઝર્સને અસર થઈ હતી. આને કારણે માઇક્રોસોફ્ટની સર્વિસ હાઉન થઈ ગઈ હતી. આ કારણસર એરલાઇન્સ, બેંક અને હોસ્પિટલ જેવી ઘણી ઇન્ડસ્ટ્રીને અસર થઈ હતી.
AT&T: 22 ફેબ્રુઆરી
AT&Tનો સમાવેશ દુનિયાના સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર્સમાં થાય છે. આ આઉટેજને કારણે 3.4 મિલિયન યુઝર્સને અસર થઈ હતી. આ આઉટેજ લગભગ 12 કલાકથી પણ વધુ સમય માટે હતો. આને કારણે ફોન સર્વિસ અને ઇન્ટરનેટ સર્વિસ બંધ થઈ ગઈ હતી.
ઇન્સ્ટાગ્રામ: 5મી માર્ચ
ફેસબુકમાં જે દિવસે આઉટેજ જોવા મળ્યું હતું, તેની અસર ઇન્સ્ટાગ્રામ પર પણ થઈ હતી. ફેસબુકની સાથે ઇન્સ્ટાગ્રામ પણ ડાઉન થયું હતું. આ કારણસર લગભગ 3.3 મિલિયન યુઝર્સને અસર થઈ હતી. તેઓ આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકતા નહોતા.
વેરિઝોન: 30 સપ્ટેમ્બર
AT&Tની જેમ વેરિઝોન પણ ખૂબ જ મોટી ટેલિકોમ કંપની છે. આ કંપનીના આઉટેજની અસર 2.4 મિલિયન યુઝર્સ પર પડી હતી. આ દરમિયાન, એક પણ યુઝર ફોન કે મેસેજ પણ કરી શકતો નહોતો.
વોટ્સએપ: 3 એપ્રિલ
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના આઉટેજના એક મહિના બાદ, મેટા કંપનીના અન્ય પ્લેટફોર્મ વોટ્સએપ પર પણ આઉટેજ જોવા મળ્યું હતું. આ આઉટેજમાં લગભગ 2 મિલિયન યુઝર્સને અસર થઈ હતી. ઘણાનું વોટ્સએપ કનેક્ટ નહોતું થઈ રહ્યું. તેઓ મેસેજ સેન્ડ કે રિસીવ કરી શકતા નહોતા, તેમજ ફોન અને વીડિયો કોલ્સ પણ થઈ રહ્યા નહોતા.
Xbox: 2 જુલાઈ
Xbox લાઇવની સર્વિસ 2 જુલાઈએ ડાઉન થઈ હતી. આને કારણે યુઝર્સ ઓનલાઇન ગેમ નથી રમી શકતા. તેના કારણે 1.2 મિલિયન યુઝર્સને તકલીફ પડી હતી.
પ્લે સ્ટેશન: 30 સપ્ટેમ્બર
Xboxની જેમ પ્લે સ્ટેશન પણ એક ગેમિંગ કોન્સોલ છે. Xbox માઇક્રોસોફ્ટનું છે અને પ્લે સ્ટેશન સોનીનું છે. Xboxની જેમ સોનીની સર્વિસ પણ 30 સપ્ટેમ્બરે ડાઉન થઈ હતી. આને કારણે 1.1 મિલિયન યુઝર્સને તકલીફ પડી હતી. ઓનલાઇન ગેમ રમવામાં જ તેમને તકલીફ પડી હતી. સિંગલ પ્લેયર ગેમ રમનારને કોઈ અસર નહોતી થઈ.
આ પણ વાંચો: ત્રણ કરોડની ફેરારીને બળદગાડાએ બચાવી, મુંબઈ નજીકના બીચ પર એડવેન્ચર ભારે પડ્યું
માઇક્રોસોફ્ટ 365: 15 જૂન
માઇક્રોસોફ્ટની સૌથી મોટી આઉટેજ પહેલાં, માઇક્રોસોફ્ટ 365ની સર્વિસ ડાઉન થઈ હતી. આ દરમિયાન, આ સર્વિસનો ઉપયોગ કરનારા ઘણા યુઝર્સને અસર થઈ હતી. સૌથી વધુ, બિઝનેસ અને પ્રોડક્ટિવિટી સાથે સંકળાયેલી ઇન્ડસ્ટ્રીમાં તેની અસર થઈ હતી, કારણ કે માઇક્રોસોફ્ટ 365નો ઉપયોગ મોટાભાગે આ જ ઇન્ડસ્ટ્રી કરે છે.
Roblox: 20 જૂન
Robloxને એક વર્ચ્યુઅલ યુનિવર્સ તરીકે ઓળખવામાં આવે છે. આ એક ગેમિંગ પ્લેટફોર્મ છે જ્યાં યુઝર્સ તેમની મરજી મુજબ ગેમ રમી શકે છે. આ પ્લેટફોર્મ પણ ડાઉન થયું હતું. એ સમયે 620,000 એકાઉન્ટ પર અસર પડી હતી.
આ તમામ આઉટેજ એવા છે જેની અસર એક જ દેશમાં નહીં, પણ ઘણા દેશોમાં થઈ હતી. જો ભારતની વાત કરીએ તો IRCTC સહીત ઘણા આઉટેજનો સમાવેશ કરી શકાય છે. આ સાથે OpenAI પણ ડિસેમ્બરમાં ઘણી વાર ડાઉન થયું છે.