જૂની ટેબ્સ ફરી જોવા માટે...
આપણે સૌ રોજેરોજ અભ્યાસ કે ઓફિસના કામકાજના ભાગરૂપે કમ્પ્યૂટરમાં ક્રોમ
બ્રાઉઝર ખોલીને તેમાં કેટકેટલીયે ટેબ ઓપન કરીને સર્ફિંગ કરતા હોઇએ છીએ.
માની લો કે આવી રીતે ધડાધડ કેટલીય ટેબ્સ ઓપન કરીને તમે સર્ફિંગ કરતા હો એ સમયે, કોઈ કારણસર તમારે સર્ફિંગ અધવચ્ચે પડતું મૂકવું પડે તેમ છે. તકલીફ એ છે કે તમે
તો ૨૦-૨૫ ટેબ ખોલી નાખી છે અને બધી ટેબમાં કંઈ ને કંઈ ઉપયોગી વાત છે, જેને તમે ભવિષ્યમાં કોઈ સમયે ફરી રીફર કરવા માગો છો.
આ સ્થિતિમાં આપણે ઓપન કરેલી બધી ટેબ
સાચવી લેવાના આપણી પાસે બે ઉપાય છે.
એક ઉપાય આપણે ઓપન કરેલી બધી ટેબને બુકમાર્ક કરી લેવાનો છે. આ રીતે આપણે ઓપન કરેલી બધી ટેબ્સને લાંબા ગાળા
માટે સાચવી શકીશું. એ માટે બ્રાઉઝરમાં સૌથી ઉપરની, ટેબ સિવાયની ખાલી જગ્યામાં માઉસથી રાઇટ ક્લિક કરો. જે મેનૂ ખુલે તેમાં બુકમાર્ક ઓલ ટેબનો વિકલ્પ પસંદ કરી લો.
બીજો ઉપાય આપણે જ્યારે પણ ફરી વાર બ્રાઉઝર ઓપન કરીએ ત્યારે અગાઉના સેશનમાં ઓપન
કરેલી બધી ટેબ ફરી દેખાય એવું સેટિંગ કરી લેવાનો છે. આ રીતે ટેબ્સ લાંબા ગાળા માટે
સચવાતી નથી, પણ બીજી વાર તરત સામે આવશે.
તે માટે બ્રાઉઝરમાં જમણી તરફના ત્રણ ડોટ પર ક્લિક કરો અને સેટિંગ્સમાં જાઓ.
તેમાં ડાબી તરફની પેનલમાં ઓન સ્ટાર્ટઅપ સેકશનમાં જાઓ. તેમાં કન્ટીન્યૂ વ્હેર યુ લેફ્ટ ઓફ વિકલ્પ પસંદ કરી લો. આથી તમે
બ્રાઉઝર બંધ કરીને ફરી ગમે ત્યારે ઓપન કરશો ત્યારે અગાઉ ઓપન કરેલી બધી ટેબ ફરી
જોવા મળશે.