Tips and Tricks: ગૂગલમાં શબ્દ નહીં, ઇમેજથી સર્ચ કરો
અમદાવાદ, તા. 3 માર્ચ 2020 મંગળવાર
આપણે કોઈ વિગતનો ફોટો જોઈતો હોય તો આપણે ગૂગલમાં સર્ચ કરીને મેળવી શકીએ છીએ, પરંતુ જો આપણી પાસે કોઈ ફોટો હોય, જેની વિગતો આપણને ખબર નથી, તો તે વિગત મેળવવાનો કોઈ રસ્તો ખરો?
ફોટા પરથી માહિતી શોધવાની પદ્ધતિ ‘રિવર્સ ઇમેજ સર્ચ’ કહેવાય છે.
પીસીમાં રિવર્સ ઇમેજ સર્ચ
પીસી પર રિવર્સ ઇમેજ સર્ચ કરવી એકદમ સરળ છે. એ માટે...
(1) તમારા પીસીમાં, કોઈ પણ બ્રાઉઝરમાં www.google.co.in/ અથવા www.google.co.in/ પર જાઓ. અહીં જમણી તરફ ઉપરની બાજુએ ‘ઇમેજીસ’ લખેલું દેખાશે. તેના પર ક્લિક કરશો એટલે ગૂગલનું ઇમેજ સર્ચ પેજ ઓપન થશે.
(2) હવે તમારા પીસીમાં રહેલી કોઈ પણ ઇમેજ સુધી જાઓ (ટ્રાયલ માટે આવી ઇમેજને ડેસ્કટોપ પર કોપી કરી રાખશો તો સહેલું પડશે).
(3) હવે એ ઇમેજને માઉસથી ડ્રેગ કરીને ગૂગલ ઇમેજ સર્ચ બોક્સ સુધી લઈ જાઓ (ફરી, બ્રાઉઝરની વિન્ડો થોડી નાની રાખશો તો ઇમેજ માઉસથી ડ્રેગ કરીને તેના પર લાવવી સહેલી પડશે).
(4) આમ તો બ્રાઉઝરનું એડ્રેસ બાર પણ સર્ચ બોક્સ તરીકે કામ કરે છે, પણ આપણે તેમાં અથવા www.google.co.in/ પર જઈને ઇમેજ ડ્રેગ અને ડ્રોપ કરીશું તો આપણી ઇમેજ ફક્ત બ્રાઉઝરમાં ઓપન થશે, આપણે તેને સર્ચ કરી શકીશું નહીં. આથી, પહેલાં http://images.google.com/પર જવું જરૂરી છે.
(5) આ રીતે, ઇમેજ સર્ચ બોક્સમાં ડ્રોપ કરશો એટલે ગૂગલ તેના કામે લાગશે.
(6) ગૂગલ હવે આપણને જે રીઝલ્ટ્સ બતાવશે તેમાં નીચેની બાબતો હોઈ શકે છે :
આપણે અપલોડ કરેલી ઇમેજ જેવી બીજી ઇમેજીસ
એ ઇમેજ જે સાઇટ્સ પર હશે તેની યાદી પણ આપણને બતાવશે
આપણે અપલોડ કરેલી ઇમેજ અન્ય સાઇઝમાં ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હશે તો તે પણ બતાવશે.
આ રીતે માઉસથી ઇમેજ ડ્રેગ કરવા ઉપરાંત, જો ઇન્ટરનેટ પરની જ કોઈ ઇમેજ વિશે આપણે વધુ માહિતી જોઈતી હોય તો એ ઇમેજના યુઆરએલને કોપી કરીને http://images.google.com/માં પેસ્ટ કરી સર્ચ કરી શકાય છે. અથવા, ક્રોમ કે ફાયરફોક્સમાં દેખાતી ઇમેજને રાઇટ ક્લિક કરીને પણ તેને ગૂગલમાં સર્ચ કરવાનો વિકલ્પ શોધી શકાય છે.
મોબાઇલમાં રિવર્સ ઇમેજ સર્ચ
રિવર્સ ઇમેજ સર્ચનો ખરો ઉપયોગ મોબાઇલમાં છે કારણ કે ઘણી વાર, વોટ્સએપમાં આપણા પર આવેલી કોઈ ઇમેજ વિશે આપણને વધુ જાણવાની ચટપટી થતી હોય છે!
આપણે સ્માર્ટફોન/ટેબલેટમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરીને તેમાં દેખાતી કોઈ પણ ઇમેજને રિવર્સ સર્ચ કરી શકીએ છીએ. એ માટે ઇમજને ટચ અને હોલ્ડ કરતાં, એક બોક્સ ખૂલે છે અને તેમાં જુદા જુદા ઘણા વિકલ્પો ઉપરાંત ‘સર્ચ ગૂગલ ફોર ધીસ ઇમેજ’ એવો વિકલ્પ મળે છે.
હા, કોઈ પણ રીતે ગૂગલને ઇમેજ આપશો તે ઇમેજ ગૂગલના અસંખ્ય ફોટોઝના ડેટાબેઝમાં ઉમેરાઈ જશે અને ગૂગલ તેનો પોતાની પ્રોડક્ટ્સ અને સર્વિસીઝ માટે ઉપયોગ કરી શકે છે!
પણ વોટ્સએપમાં રહેલી ઇમેજ વિશે રિવર્સ સર્ચ કરવું હોય તો?
એ પણ થઈ શકે! પણ એ માટે તમારા ફોનમાં, ગૂગલની ‘લેન્સ’ નામની સર્વિસ હોવી જોઈએ. આ સર્વિસ ગૂગલ ફોટોઝ એપ અથવા ગૂગલ આસિસ્ટન્ટ એપના ભાગરૂપે મળી શકે છે.
તમે વોટ્સએપમાં આવેલી ઇમેજને ઓપન કરી હશે એટલે તે તમારી ફોનની ગેલેરી એપમાં વોટ્સએપ નામના ફોલ્ડરમાં સચવાઈ હશે. જો તમારા ફોનમાં ફોટો ગેલેરી તરીકે ગૂગલ ફોટો એપનો જ ઉપયોગ થતો હોય તો તેમાં, વોટ્સએપ ઇમેજીસના ફોલ્ડરમાં તમને જોઈતી ઇમેજ શોધીને તેને ઓપન કરો. નીચે, ‘લેન્સ’નો આઇકન દેખાય તો તેને ક્લિક કરો. તે ફોટો સ્કેન કરીને ઇન્ટરનેટ પર તેના જેવી બીજી ઇમેજીસ અને અન્ય ઘણી માહિતી શોધી બતાવશે!