ફેસબુક પર પોસ્ટ્સનું થર્ડ-પાર્ટી ચેકિગ બંધ કરવામાં આવશે
ઇન્ટરનેટ પર કોઈ વાતનો ક્યારેય આંખ મીંચીને ભરોસો કરવા જેવો હોતો નથી. ખાસ
કરીને સોશિયલ મીડિયા પર વિશ્વસનીયતાનું સ્તર સાવ તળિયે ગયું છે. તદ્દન બનાવટી
ટેકસ્ટ, ઇમેજીસ કે વીડિયો તૈયાર
કરવાનું કામ હવે બહુ સહેલું બન્યું હોવાથી વિવિધ સોશિયલ મીડિયા સાઇટ્સ પર ફેક
પોસ્ટનો પણ રાફડો ફાટ્યો છે.
એ જ કારણે હવે વિવિધ કંપની ફેક્ટ ચેકિંગ ટૂલ ડેવલપ કરવા લાગી છે. આવી સર્વિસ સોશિયલ મીડિયા પર વાઇરલ થતી વિવિધ પોસ્ટમાં
સરેરાશ યૂઝર્સથી ઘણી વધુ ઊંડે ઉતરે છે અને એ પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સાચો છે
કે ખોટો તે શોધી લાવે છે.
ફેસબુક જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ તેના પ્લેટફોર્મ પર શેર થતી પોસ્ટ માટે
થર્ડ-પાર્ટી એપ ચેકિંગ પ્રોગ્રામની મદદ લેતી હોય છે. આપણા પ્રોગ્રામ ફેસબુક પર શેર
થતી વિવિધ પોસ્ટ તપાસે છે અને તેમાં કંઈ વાંધાજનક લાગે કે ફેસબુકની પોલિસી
વિરુદ્ધનું કંઈ શેર થતું હોય તેમ લાગે તો એવી પોસ્ટ સામે પગલાં લેવામાં આવે છે.
જોકે હમણાં મેટાના સ્થાપક ઝકરબર્ગે એક ચોંકાવનારી જાહેરાત કરી. તેમણે કહ્યું
કે કંપની તબક્કાવાર થર્ડ-પાર્ટી એપ ચેકિંગ પ્રોગ્રામની મદદ લેવાનું બંધ કરશે.
તમને કદાચ ખ્યાલ હશે કે આ અગાઉ ટ્વીટર કંપની ઇલોન મસ્કે ખરીદી લીધી અને તેને એક્સ નામ આપ્યું ત્યારે તેમાં પણ
કંઈક આ જ પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા હતા.
માર્ક ઝકરબર્ગે કહ્યું છે કે ફેસબુક પ્લેટફોર્મ પર થર્ડ-પાર્ટી પ્રોગ્રામ
દ્વારા ફેક્ટ ચેકિંગ થાય તેના બદલે વિવિધ યૂઝર પોતે વાયરલ થતી પોસ્ટ પર તેના
વિશેની હકીકત અલગ નોટ તરીકે ઉમેરી શકશે. આ પ્રકારની નોટ કે નોંધ ફેસબુકની વિવિધ
પોસ્ટ પર જોવા મળતી કમેન્ટ્સને બદલે અલગ રીતે દર્શાવવામાં આવશે. હાલમાં એક્સ અને
યુટ્યૂબ પર પણ આવી રીતે કમ્યુનિટી નોટ્સ દર્શાવવામાં આવે છે.
હવે સ્થિતિ એવી આવી છે કે લોકોને ડર છે કે જો ફેસબુક-ઇન્સ્ટાગ્રામ વગેરે પર
મ્ૂકાતી પોસ્ટ ચેક કરવાની કોઈ વ્યવસ્થા જ નહીં રહે તો આ બંને પ્લેટફોર્મ અત્યારે
છે તેના કરતાં પણ ખરાબ થઈ જશે!