ફોનમાં એકથી વધુ ગૂગલ એકાઉન્ટ ઉમેરો ત્યારે ધ્યાનમાં રાખવા જેવું
હવે મોટા ભાગના લોકો અંગત ઉપયોગ અને જોબ કે બિઝનેસ માટે અલગ અલગ ગૂગલ એકાઉન્ટ
ધરાવતા હોય છે. તમે જાણતા જ હશો કે આપણે એન્ડ્રોઇડ ફોન કે આઇફોનમાં એકથી વધુ ગૂગલ
એકાઉન્ટ ઉમેરી શકીએ છીએ. એ પછી ફોનમાં ગૂગલની વિવિધ સર્વિસ જેમ કે જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ, કેલેન્ડર, ગૂગલ કીપ, ગૂગલ ફોટોઝ વગેરેમાં સહેલાઈથી
એકાઉન્ટ સ્વિચ કરી શકીએ છીએ.
આપણે ફોનમાં એકથી વધુ ગૂગલ એકાઉન્ટ ઉમેરીએ ત્યારે જે તે એકાઉન્ટની કઈ કઈ બાબતો
ફોનમાં સિંક્ડ રહે તે નક્કી કરી શકીએ છીએ. જો તમે ફોનમાં એક-બે નહીં પણ પાંચ-છ
ગૂગલ એકાઉન્ટ ઉમેરો અને તેમાંનો બધો ડેટા સતત ફોનમાં સિંક્ડ રહે એવું સેટિંગ રાખો
તો તમારું કામકાજ તો સહેલું બને પરંતુ ફોન પરનો ભાર વધતો જાય.
આપણા કોન્ટેક્ટ્સ, બધા ઇમેઇલ, ગૂગલ ડ્રાઇવમાંની બધી ફાઇલ્સ વગેરે બધું,
બધા એકાઉન્ટ માટે
સિંક્ડ રાખીએ તો આપણી મરજી સાચવવા ફોને ઘણી કસરત કરવી પડે. અન્ય કોઈ ડિવાઇસમાં આ
બધી બાબતોમાં આપણે કોઈ પણ ફેરફાર કરીએ તો તેને આપણા ફોનમાંના એકાઉન્ટ સાથે સિંક્ડ
કરવા માટે ફોનમાં સતત પ્રોસેસિંગ ચાલતું રહે. એ કારણે ફોનની બેટરી વધુ ઝડપથી ઉતરતી
જાય. એ જ રીતે એકથી વધુ ગૂગલ એકાઉન્ટમાં સ્ટોર કરેલા બધા કોન્ટેક્ટ્સ ફોન સાથે
સિંક્ડ કરીએ તો ફોનમાં ડુપ્લિકેટ કોન્ટેક્ટ્સની ભરમાર થઈ જાય એવું પણ બને.
આ બધી તકલીફના ઉપાય માટે આપણે ફોનમાં કોઈ એક મુખ્ય ગૂગલ એકાઉન્ટ ઉમેરીએ તો એ
સૌથી સારી સ્થિતિ છે. બીજા એકાઉન્ટ ઉમેરવા જરૂરી હોય તો તેમાંની બધી બાબતો સિંક્ડ
રાખવાને બદલે માત્ર પસંદગીની બાબતો સિંક્ડ રાખી શકાય. એ યાદ રાખવા જેવું છે કે
ફોનમાં આપણે નવું ગૂગલ એકાઉન્ટ ઉમેરીએ અને પછી તેના કોન્ટેક્ટ્સને સિંક્ડ કરીએ એ
પછી માત્ર એ એકાઉન્ટના કોન્ટેક્ટ્સને ફોનમાંથી દૂર કરી શકાશે નહીં. આ માત્ર
કોન્ટેક્ટની વાત નથી આપણે ફોનમાં ઉમેરેલા તમામ ગૂગલ એકાઉન્ટ અને સિંક્ડ કરેલી બધી
બાબતોને લાગુ પડે છે.
ફોન પર વધતો આ પૂરેપૂરો ભાર દૂર કરવો હોય તો આપણે જે તે ગૂગલ એકાઉન્ટને
ફોનમાંથી દૂર કરવું જરૂરી બને.