Get The App

દુનિયાભરમાં કંપનીઓ Gen Z ને નોકરીમાંથી કાઢી રહી છે, જાણો સરવેમાં કોર્પોરેટ્સે આપેલા મુખ્ય કારણો

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
દુનિયાભરમાં કંપનીઓ Gen Z ને નોકરીમાંથી કાઢી રહી છે, જાણો સરવેમાં કોર્પોરેટ્સે આપેલા મુખ્ય કારણો 1 - image


Generation Z :  વર્ષ 2000ની આસપાસ જન્મેલી પેઢીને Gen Z (‘જેન ઝી’ કે ‘જનરેશન ઝેડ’) કહેવામાં આવે છે. તાજેતરમાં આ પેઢીના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનું ચલણ વધ્યું છે. ઘણી કંપનીઓ Gen Z ને નોકરી આપવામાં અચકાઈ રહી છે. એક રીતે જોઈએ તો આ પેઢી ઈન્ટરનેટ સાથે ઉછરેલી પહેલી પેઢી છે, તેથી તે વધુ ટેક્નોસેવી છે. તે યુવાન અને ઉત્સાહથી ભરેલી છે, છતાં તેમને નોકરીમાંથી પાણીચું આપવામાં આવી રહ્યું છે. આમ થવાના કારણો જોઈએ.

આ કારણસર કંપનીઓ Gen Z ને નોકરી નથી આપી રહી

Gen Z બાબતે થયેલા એક નવા સર્વેમાં જાણવા મળ્યું છે કે સમગ્ર વિશ્વમાં એક ટ્રેન્ડ વધી રહ્યો છે, જેમાં ઘણી ટોચની કંપનીઓ Gen Z યુવાનોને નોકરી પર રાખવાનું ટાળી રહી છે અને ઘણી કંપનીઓ તેમને નોકરીએ રાખ્યાના થોડા મહિનામાં જ નોકરીમાંથી કાઢી રહી છે. આવી કંપનીઓનું કહેવું છે કે તેમને Gen Z યુવાઓની કાર્યશૈલી પસંદ નથી, તેમની કોમ્યુનિકેશન સ્કીલ અને કામ પ્રત્યેનું બેદરકાર વર્તન પસંદ નથી.

આવો સર્વે થયો Gen Z બાબતે

Intelligent.com નામની જાણીતી વેબસાઇટ દ્વારા તાજેતરમાં Gen Z બાબતે રસપ્રદ સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં 1000 કંપનીઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. સર્વેના પરિણામો આ મુજબ મળ્યા હતા. 

  • 10 માંથી 6 કંપનીઓએ કહ્યું હતું કે તેમણે તાજા ભરતી થયેલા ઘણા કૉલેજ સ્નાતકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.
  •  7 માંથી 1 કંપનીએ કહ્યું હતું કે તેઓ આવતા વર્ષે તેમની કંપનીમાં નવા સ્નાતકોની ભરતી કરવા જ નથી ઈચ્છતા. 
  •  સર્વેમાં ભાગ લેનાર 75 % કંપનીઓએ જણાવ્યું હતું કે તેમને તાજેતરના કોલેજ સ્નાતકોનું કામ સંતોષકારક લાગ્યું નથી.
  •  50 % થી વધુ ભરતીકારોએ કહ્યું હતું કે Gen Z યુવાનોમાં પ્રેરણાનો અભાવ જોવા મળે છે.
  •  39 % કંપનીએ કહ્યું હતું કે યુવાનો પાસે કોમ્યુનિકેશન સ્કીલનો અભાવ છે.
  •  46 % ભરતીકારોએ કહ્યું હતું કે Gen Zમાં પ્રોફેશનાલિઝમનો અભાવ છે.

આવા કારણોસર પાછળ પડી રહી છે Gen Z

ઈન્ટરનેટ સાથે ઉછરેલી હોવાથી Gen Z વધુ ટેક્નોસેવી પેઢી છે, યુવાન હોવાથી તેઓ ઉત્સાહિ પણ વધુ હોય છે. આમ છતાં તેઓ નોકરીમાં સારું પરફોર્મન્સ કેમ નથી આપી રહ્યાં. આ બાબતે નિષ્ણાતોએ અમુક કારણો આપ્યા છે. એક પછી એક કરીને એ કારણો જોઈએ.   

1) શિક્ષણ પ્રણાલી

ઘણાં નિષ્ણાતોએ Gen Z ની આવી સ્થિતિ માટે શિક્ષણ પ્રણાલીને જવાબદાર ઠેરવે છે. તેમનું કહેવું છે કે, વિદ્યાર્થીઓને પુસ્તકીયું જ્ઞાન આપવામાં આવે છે, પણ પ્રેક્ટિકલ નોલેજ આપવામાં નથી આવતું, જેને લીધે સ્નાતક થયા બાદ તેઓ કાર્યક્ષેત્રે અપેક્ષા મુજબ પરફોર્મ નથી કરી શકતાં. સ્કૂલ-કોલેજોમાં ભણાવાતો ઈતિહાસ કે માયથોલોજી કોઈને વ્યાવસાયિક જીવનમાં કેટલો કામ લાગી શકે?

2) ડિજિટલ દુનિયાની આડ અસર

આજનું પ્રત્યેક બાળક મોબાઈલ સાથે જ જન્મે છે, એમ કહેવામાં કંઈ ખોટું નથી. મોબાઈલ, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનું એ ટુ ઝેડ જાણતું બાળક સાચુકલી દુનિયામાં ઓછું ઓતપ્રોત થતું હોવાથી જ્યારે એ નોકરીએ લાગે છે ત્યારે અન્ય લોકો સાથે કામ કરવાની એને ફાવટ હોતી નથી. ટેક્નોસેવી હોવા છતાં યુવાનોમાં વ્યવહારુ કૌશલ્યોનો અભાવ જોવા મળે છે. વર્ચ્યુઅલ દુનિયાથી પરિચિત યુવાનોને વાસ્તવિક દુનિયામાં કામ કરવાનો અનુભવ નથી હોતો, જેથી ઓફિસના વર્ક કલ્ચરને અપનાવવામાં તેઓ પાછા પડે છે, જેને લીધે તેઓ કામના સ્થળે અપેક્ષિત પરિણામ આપી શકતા નથી.

3) સોશિયલ મીડિયાથી દોરવાઈ જાય છે

સોશિયલ મીડિયા પર સૌથી વધુ સક્રિય Gen Z જ જોવા મળે છે. સોશિયલ મીડિયા બેધારી તલવાર જેવું છે, એના જેટલા ફાયદા છે, એટલા જ નુકસાન પણ છે. સોશિયલ મીડિયા થકી જૂઠ્ઠાણા ફેલાવવા બહુ આસાન છે, અને યુવા પેઢી એવા જૂઠા દાવાઓમાં સરળતાથી ભેરવાઈ જાય છે. ખાસ કરીને રાજકીય અને સામાજિક અભિયાનોથી Gen Z ખૂબ જ ઝડપથી પ્રભાવિત થઈ જતી હોય છે, જેની પ્રતિકૂળ અસર તેમના કામ પર પડતી હોય છે. 

4) યુવાનોમાં વ્યવસાયિકતાનો અભાવ

અગાઉની પેઢીની સરખામણીમાં Gen Z યુવાનોએ ફટાફટ સફળ થઈ જવું છે, ખૂબ પૈસા કમાઈ લેવા છે, પણ એ માટે પૂરતો સમય આપીને યોગ્ય દિશામાં મહેનત કરવાની તૈયારી નથી. સોશિયલ મીડિયામાં એમની વયના અન્ય અમીર યુવાનોને જોઈને Gen Zના મોટાભાગના યુવાનોને એમના જેવા થઈ જવાની ચાનક લાગે છે. મોબાઈલની માયા અને વારંવાર સોશિયલ મીડિયા જોયા કરવાની આદતને લીધે તેઓ કામમાં આળસ કરે છે અને ગંભીરતાપૂર્વક કામ કરતા નથી. Gen Zની એક વૃત્તિ જવાબદારીમાંથી છટકી જવાની પણ હોય છે. વ્યવસાયિક અભિગમનો આવો અભાવ સરવાળે એમનું અહિત કરે છે.

5) કૉલેજ જીવનની અસર

યુવાનોના માનસ પરથી મોજમજાથી જીવેલા કૉલેજ જીવનની અસર જલ્દી ભૂંસાતી નથી, જેને લીધે નોકરીએ લાગ્યા પછી પણ ઘણાં યુવાનો કૉલેજ જીવનમાં હતો એવો જ ‘હોતા હૈ, ચલતા હૈ’ પ્રકારનો ‘કેર-ફ્રી’ અને ‘લેઇડ-બેક’ એટિટ્યુડ રાખે છે, જે કંપનીઓને બિનવ્યાવસાયિક જણાતાં તેઓ Gen Z ને નોકરીમાંથી કાઢી મૂકવા બાબતે વિચારતાં થઈ જાય છે.



Google NewsGoogle News