For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઇન્સ્ટાગ્રામમાં છે એક મજાની સિક્રેટ ગેમ !

Updated: Apr 23rd, 2024

ઇન્સ્ટાગ્રામમાં છે એક મજાની સિક્રેટ ગેમ !

જો તમે ઇન્સ્ટાગ્રામનો નિયમિત ઉપયોગ કરતા હશો તો તમે નોંધ્યું હશે કે તેમાં આપણે પોતે કંઈક પોસ્ટ કરીએ તેના કરતાં પણ અન્ય લોકોની પોસ્ટ અને રીલ્સ જોવામાં ઘણો વધુ સમય ખર્ચાઈ જતો હોય છે. આમ તો ઇન્સ્ટાગ્રામમાં સતત જાતભાતનું કન્ટેન્ટ જોવા મળે છે, છતાં એનાથી પણ તમે કંટાળો તો ઇન્સ્ટાગ્રામથી દૂર ગયા વિના તેમાં ટાઇમપાસ કરવાનો એક નવો રસ્તો પણ જાણી લેવા જેવો છે.

ઇન્સ્ટાગ્રામમાં એક સિક્રેટ ગેમ છૂપાયેલી છે! તમે ફેસબુકની મેસેન્જર એપના પણ યૂઝર હશો તો તમને કદાચ ખ્યાલ હશે કે તેમાં બાસ્કેટ બોલ અને સોકરની ઇમોજીની મદદથી આપણે બે ઘડી મજાની રીતે ટાઇમપાસ એ રીતે ગેમ રમી શકતા હતા. લગભગ એ જ પ્રકારની એક સિક્રેટ ગેમ ઇન્સ્ટાગ્રામમાં પણ છે.

 ઇન્સ્ટામાં આ ગેમ રમવા માટે કોઈ સીધો શોર્ટકટ મળશે નહીં. પરંતુ વાત એકદમ સહેલી છે. એપ ઓપન કર્યા પછી ઉપર જમણી તરફ મેસેજના આઇકન પર ક્લિક કરો અને સર્ચ બોક્સમાં તમારા કોઈ પણ ફ્રેન્ડનું નામ લખીને તેને ડાયરેકટ મેસેજમાં કોઈ પણ ઇમોજી સેન્ડ કરો.

યાદ રાખશો કે ઇમોજી ફક્ત એક હોવો જોઇએ. ઇમોજી રિએકશન પણ નહીં ચાલે અને ઇમોજી સાથે કોઈ ટેક્સ્ટ પણ ન હોવી જોઇએ.

ફક્ત એક ઇમોજી સાથેનો મેસેજ મોકલાઈ જાય એ પછી એ ઇમોજીને ક્લિક કરો. તરત જ સ્ક્રીન પર ઇમોજી ગેમ શરૂ થશે. એ ઇમોજી સ્ક્રીન પર આડીઅવળી રીતે નીચેની તરફ આવશે. સ્ક્રીન પર નીચેની તરફ એક લંબચોરસ બટન જોવા મળશે. ઇમોજી નીચેની તરફ આવે ત્યારે આ બટન ડાબે જમણે ખસેડીને ઇમોજીને ફરી ઉપરની તરફ ધકેલવાનું.

ગેમની ચેલેન્જ આટલી સિમ્પલ છે. ઇમોજી બટનની મદદથી સતત બાઉન્સ થવો જોઇએ. આપણે મોડા પડીએ અને ઇમોજી સ્ક્રીનની નીચેની ધારને હિટ થાય એ સાથે ગેમ ઓવર થાય. બટન પ્રમાણમાં નાનું છે એટલે આંગળીથી તેને ડાબે જમણે ખસેડવા જતાં ઇમોજી નીચે આવે ત્યારે તેને જોવામાં તકલીફ થાય તેવું બની શકે. સારી વાત એ છે કે તમે બટનને બદલે સ્ક્રીન પર ગમે ત્યાં આંગળી ફેરવીને બટનને ડાબે જમણે લઈ જઈ શકશો. તમે ઇચ્છો તો મોબાઇલને આડો કરીને પણ આ ગેમ રમી શકો છો. આપણે ઇમોજીને બટનથી જેટલી વાર બાઉન્સ કરી શકીએ એટલો આપણો સ્કોર વધતો જાય.

સ્કોર સ્ક્રીન પર જમણા ખૂણે ઉપર જોવા મળશે. સ્કોર વધતો જાય તેમ તેમ સ્ક્રીનનો બેકગ્રાઉન્ડ કલર બદલાશે અને ઇમોજીની ઝડપ પણ વધશે. આપણે કોઈ પણ ફ્રેન્ડને ઇમોજી મોકલીને ગેમ રમવાનું શરૂ કરીએ ત્યારે તેને ફક્ત ઇમોજી સેન્ડ થાય છે. આપણે ગેમ રમી રહ્યા હોવાની તેને જાણ થતી નથી. આપણો ગેમનો સ્કોર પણ કોઈ જાણી શકતું નથી. તમે ઇચ્છો તો તમારા હાઇસ્કોરનો સ્ક્રીન શોટ લઇને તે ફ્રેન્ડને મોકલી શકો અને તેને પોતાનાથી વધુ સ્કોર કરવાની ચેલેન્જ આપી શકો.

ગેમમાં ફક્ત આટલી જ મજા નથી. તેમાં કેટલાંક હજી વધુ સિક્રેટ પણ છૂપાયેલાં છે. જેમ કે એલિયનના ઇમોજીથી આ ગેમ રમશો તો તે સ્ક્રીન પર રેન્ડમલી ટેલિપોર્ટ થતો રહેશે. તે જ રીતે બીજો એક ઇમોજી ફેડ ઇન અને ફેડ આઉટ થતો રહે છે. એક ખાસ પ્રકારના ઇમોજીથી ગેમ રમો તો તે પહેલેથી જ જબરી તેજ ગતિએ સ્ક્રીન પર ભાગમભાગી કરે છે. બીજી તરફ એગના ઇમોજીથી ગેમ રમો તો તમારો સ્કોર વધતો જાય તેમ ઇંડામાંથી બચ્ચું બની જાય છે. નાનકડા છોકરાના ઇમોજીનો ઉપયોગ કર્યો હોય તો સ્કોર વધતાં એ એડલ્ટમાં ફેરવાઈ જાય છે અને ઇયળના ઇમોજીથી ગેમ રમતાં થોડી વારમાં એ મજાનું પતંગિયું બને છે! જાતભાતના ઇમોજીથી શું થાય છે એ શોધતા રહો અને ગેમ રમતા રહો.

Gujarat