આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે આ ક્ષેત્રના લાખો લોકો માટે વગાડી ખતરાની ઘંટડી, મિનીટોમાં થઇ જાય છે કામ

Updated: Mar 31st, 2024


Google NewsGoogle News
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે આ ક્ષેત્રના લાખો લોકો માટે વગાડી ખતરાની ઘંટડી, મિનીટોમાં થઇ જાય છે કામ 1 - image


- બ્રિટનમાં નજીવી ભૂલના કારણે ઓડિટ કંપનીને 15 લાખ પાઉન્ડનો દંડ

- લેજર પર એન્ટ્રી, ડેટા કલેક્શન સહિતના ક્લેરિકલ કામ એઆઈને સોંપાશે : એકાઉન્ટિંગમાં જુનિયર એકાઉન્ટન્ટની ભૂમિકા બદલાઈ

- આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે નીચલા સ્તરો પર લાખો લોકોએ નોકરીઓ ગુમાવવી પડશે

- એઆઈની મદદથી રિપોર્ટ મિનિટોમાં તૈયાર થતા હોવાથી સિનિયર્સ માટે ઝડપથી નિર્ણયો લેવાનું સરળ બન્યું

અમદાવાદ : દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ (એઆઈ)નો ઉપયોગ વ્યાપક થઇ રહ્યો છે. ભાષાંતર, ભાષણ કે દસ્તાવેજના ડ્રાફ્ટ તૈયાર કરવા, જૂની માહિતીમાંથી ટૂંકી નોંધ તૈયાર કરવા કામ સિવાય એકાઉન્ટના ઓડિટીંગમાં પણ તેનો ઉપયોગ થવા લાગ્યો છે. ડેલોઈટ, કેપીએમજી કે પીડબ્લ્યુસી જેવી મહાકાય ઓડિટ કંપનીઓ પોતાના ઓડિટરને એઆઈનો વધુને વધુ ઉપયોગ કરવા માટે તાલીમ આપી રહી છે. આ પ્રક્રિયા વધુ વ્યાપક બને તો જર્નલ એન્ટ્રી, ડે બુક, કેશ કે બેંકના ખાતાની મેળવણી જેવા કાર્યો એક જ મિનીટમાં, માત્ર કોમ્પ્યૂટરના કોડથી તૈયાર થઇ જશે. આ કારણે ઓડિટની ટીમ નાનીથી વધુ નાની થશે. પરિણામે ઓડિટ કંપનીમાં કામ કરતા લાખો લોકોએ નોકરી ગુમાવવી પડી શકે છે.

કેપીએમજીના એક સર્વે અનુસાર કંપનીઓમાં કામ કરતા ૪૦ ટકા ઓડિટર માને છે કે એઆઈના કારણે ઓડિટની ટીમમાં કામ કરતા લોકોની સંખ્યા ઘટી જશે. દસમાંથી ચાર ઓડિટર સ્વીકારે છે કે એઆઈના કારણે વધેલી કાર્યક્ષમતાના લીધે ઓડીટીંગની ટીમમાં ઘટાડો કરવો પડશે. આજે યુકેની ઘણી બેંકો ભારતમાં ઓડીટીંગનું કામ આઉટસોર્સ કરી રહી છે. માણસ કે એકાઉન્ટ ટીમના સભ્ય દ્વારા જાતે કરવામાં આવતું ઓડિટ ભારત કરી આપી રહ્યું છે. 

બ્રિટનની જનરેશન મની કંપનીના ફાઉન્ડર એલેક્સ કિંગ માને છે કે જુનિયર એકાઉન્ટન્ટની ભૂમિકા બદલાઈ જશે. 'તેમણે હવે એઆઈ માટેના ડેટાબેઝ અને સોફ્ટવેર ઉપર નજર રાખતા શીખવું પડશે અને શક્ય છે કે તેની સાથે લેજર ઉપર માત્ર એન્ટ્રી કરવાના કામના બદલે ગ્રાહકો સાથે સંબંધ કેળવવા, વાતચીત કરવી જેવા કામ કરવા પડે,' એમ કિંગે જણાવ્યું હતું. 

અમેરિકા અને બ્રિટનમાં એકાઉન્ટીગમાં તાજેતરમાં કેટલાક કિસ્સા બન્યા હતા જેમાં ઓડિટ કંપનીઓએ ખોટા કે ભૂલભરેલા અહેવાલના કારણે ભારે દંડ ભરવો પડયો હતો. એક જાહેરખબરની એજન્સીના વાર્ષિક અહેવાલમાં ભૂલ માટે બ્રિટનમાં કેપીએમજીને ૧૫ લાખ બ્રિટીશ પાઉન્ડનો દંડ થયો હતો. ગત વર્ષે અમેરિકામાં એકસાથે વૈશ્વિક એકાઉન્ટીંગ કંપનીઓના ૧૦ જેટલા ઓડિટમાં ભૂલ માટે દંડ થયો હતો. આવી ભૂલોના કારણે, ડેટાના વધારે ઝીણવટભર્યા અભ્યાસ અને ચેકિંગ કરવા માટે કંપનીઓ એઆઈ તરફ આગળ વધી રહી છે. 

સિનિયર સ્ટાફ માત્ર એવા કામ કરે છે જેમાં કોઈ નિર્ણય લેવાનો હોય કે રિસ્ક અંગેની જાણકારી મેનેજમેન્ટ, શેરહોલ્ડર કે સરકારને આપવાની હોય. ઓડિટમાં લેજર એન્ટ્રી ચેક કરવી, બેંક પાસબુક મેળવવી, દરેક ખાતેદારની એન્ટ્રી બરાબર છે, સરકાર કે ટેક્સના નિયમ અનુસાર છે કે નહી તેની તપાસ એઆઈ કરી આપે છે. આ પછી તૈયાર થતા રિપોર્ટ - લેણા કે ચૂકવવાના બાકી, સમય કરતા વધારે લાંબા સમયથી લેણા બાકી હોય વગેરે - તરત જ તૈયાર થયા હોય છે જેના ઉપર ફાઈનાન્સ કે એકાઉન્ટ વિભાગના સીનીયર સીધા નિર્ણય લઇ શકે છે. 

ઓડિટર પણ સ્વીકારે છે કે એઆઈના ઉપયોગના કારણે તેમની કામગીરી સરળ બની રહી છે. એક સર્વે અનુસાર ૮૬ ટકા ઓડિટ સ્ટાફ માને છે કે એઆઈના ઉપયોગના કારણે તેમની કામગીરી ઝડપી બની છે અને એકનું એક કાર્ય વારંવાર કરવું પડતું નથી.

એઆઈ ઝડપથી વિસંગતતા પકડી શકે

ઓડિટમાં એઆઈના ઉપયોગથી કોઇપણ પ્રકારના રાબેતા મુજબ થતા કામમાં વિસંગતતા આવે તો તરત જ તે રેડ એલર્ટ આપે છે. જેમકે, કોઈને વારંવાર થઇ રહેલું પેમેન્ટ, અચાનક જ મોટી રોકડની આવક કે રોકડનું પેમેન્ટ, રજાના દિવસે કોઈએ બિલીંગ કર્યું હોય કે પૈસા ભરવાની એન્ટ્રી કરી હોય, કોઈ એવી વ્યક્તિએ એકાઉન્ટમાં એન્ટ્રી કરી હોય જેની કામગીરીમાં આ બાબત આવતી ન હોય... આવા દરેક કામ ડેટા કેટલો પણ વિશાળ હોય એઆઈ પળવારમાં કરી આપે છે.

એઆઈ આ પ્રકારની કામગીરી કરશે

જર્નલ એન્ટ્રી, એન્ટ્રી સાચી થઇ છે કે નહી, દરેક ખાતાને મેળવણી, બેંક અને રોકડ ખાતાને મેળવવણી, રોજમેળ, માસિક કે ક્વાર્ટરના રિપોર્ટ, ટ્રાયલ બેલેન્સ અને બેલેન્સ શીટ પળવારમાં એઆઈ તૈયાર કરી આપી શકે છે.


Google NewsGoogle News