પ્રોફેશનલ્સ માટે પરફેક્ટ પ્લેટફોર્મ : લિંક્ડઇન
- સોશિયલ મીડિયાની વાત આવે ત્યારે સામાન્ય રીતે લિંક્ડઇન આપણા રડારની બહાર રહે છે
તમે કોઈ જોબમાં બહુ સારું પરફોર્મન્સ બતાવ્યું હોય, તમારા બોસ તમારા કામથી ઇમ્પ્રેસ્ડ હોય અને પછી તમે બંને અલગ અલગ દિશામાં આગળ વધી ગયા હો - બોસ કોઈ નવી કંપનીમાં વધુ મોટી પોસ્ટ પર સેટ હોય અને કોઈ નવા પ્રોજેક્ટ માટે તમે એમને યાદ આવો, તો એ તમારો કોન્ટેક્ટ કેવી રીતે કરે?
એમને માટે અને પછી એમના એચઆર ડિપાર્ટમેન્ટ માટે સૌથી સહેલો રસ્તો બની શકે લિંક્ડઇન સોશિયલ પ્લેટફોર્મ. જો તમે અને તમારા બોસ બંને લિંક્ડઇન પર સારી રીતે એક્ટિવ હો, તો એકમેક સાથે કનેક્ટેડ હો જ. એ તમારો તરત કોન્ટેક્ટ કરી શકે અને તમને એક નવી, વધુ સારી જોબ ઑફર મળી જાય, સહેલાઈથી! એ જ રીતે, તમે ફ્રીલાન્સર હો કે નાનો-મોટો બિઝનેસ કરતા હો તો જૂના ક્લાયન્ટ્સ પાસેથી નવું કામ મેળવવાનું બહુ સહેલું બને, લિંક્ડઇન પર.
આવા પ્યોર પ્રોફેશનલ હેતુ ઉપરાંત, તમે વિવિધ પ્રકારની નવી સ્કિલ ડેવલપ કરવા માગતા હો, તમારી કંપની, સર્વિસ કે બ્રાન્ડની ઇમેજ ઊભી કરવા માગતા હો કે પોતાના ફીલ્ડના એક્સપર્ટ તરીકે પોતાની ‘સેલ્ફ-બ્રાન્ડ’ ડેવલપ કરવી હોય તો પણ લિંક્ડઇનમાં તમારું એક્ટિવ એકાઉન્ટ હોવું જોઈએ.
લિંક્ડઇનના સહસ્થાપક રીડ હોફમેને પોતાના ઘરમાં, ૨૦૦૨માં તેની શરૂઆત કરી. મે ૨૦૦૩માં એક કંપની તરીકે વિધિવત આ સર્વિસ લોન્ચ થઈ. વર્ષ ૨૦૧૬માં માઇક્રોસોફ્ટ કંપનીએ તેને ખરીદી લીધી. આજે દુનિયાના ૨૦૦ જેટલા દેશોમાં એક અબજથી વધુ લોકો લિંક્ડઇન પર એક્ટિવ છે. અન્ય સોશિયલ મીડિયા સાઇટ્સની સરખામણીમાં આ સંખ્યા ઓછી કહેવાય, પણ પ્રોફેશનલ્સના નેટવર્ક તરીકે લિંક્ડઇનની નજીક બીજું કોઈ નથી.
આપણાંના મોટા ભાગના લોકો ઓફિસમાં ફેસબુકમાં અને ઘરમાં ઇન્સ્ટાગ્રામ કે ઓટીટીમાં ખૂંપેલા રહે છે, પણ લિંક્ડઇન તરફ પણ નજર ફેરવવા જેવી છે.
કોલેજિયન્સ તથા નવા-જૂના એક્ઝિક્યુટિવ્સ, પ્રોફેશનલ્સે તો ખાસ.
લિંક્ડઇન અન્ય સોશિયલ મીડિયા સાઇટ્સથી કઈ રીતે અલગ છે ?
એક્ટિવ યૂઝર્સની રીતે જોઈએ તો આખી દુનિયામાં ફેસબુકના સૌથી વધુ યૂઝર્સ ભારતમાં છે. એવું જ ઇન્સ્ટાગ્રામ બાબતે. આ બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, યૂઝર્સની સંખ્યાની દૃષ્ટિએ યુએસ બીજા ક્રમે છે, પણ બંને પ્લેટફોર્મ પર ભારતના યૂઝર્સની ભીડ યુએસ કરતાં લગભગ બમણી! વોટ્સએપના સૌથી વધુ યૂઝર્સ પણ ભારતમાં છે, પણ એ જરા અલગ પ્રકારનું પ્લેટફોર્મ છે.
હજી જરા અલગ પ્રકારના સોશિયલ પ્લેટફોર્મની વાત કરીએ તો લિંક્ડઇનમાં વાત થોડી બદલાય છે. તેમાં આપણે યુએસ પછી બીજા ક્રમે છીએ. છતાં, એફબી-ઇન્સ્ટાના યૂઝર્સની સરખામણીમાં ભારતમાં લિંક્ડઇનના યૂઝર્સની સંખ્યા ઘણી ઓછી છે.
એવું કેમ? પહેલું કારણ એ કે એફબી-ઇન્સ્ટાની સરખામણીમાં લિંક્ડઇન ઘણું અલગ પ્રકારનું પ્લેટફોર્મ છે. તેનો મૂળ કન્સેપ્ટ લગભગ સરખો, પણ ટાર્ગેટ ઓડિયન્સ બિલકુલ અલગ.
એફબી ફ્રેન્ડ્સ સાથે ગપસપ માટે, ઇન્સ્ટા વિઝ્યુઅલી અપીલિંગ કન્ટેન્ટ માટે પોપ્યુલર, જ્યારે લિંક્ડઇન સિરિયસ અને પ્રોફેશનલ નેટવર્કિંગ માટે ઉપયોગી. એફબી પર બધી ભાષાનું કન્ટેન્ટ મળે, ઇન્સ્ટા પર ભાષાની લગભગ જરૂર નહીં, જ્યારે લિંક્ડઇન પર ભારતીય ભાષાઓ જોવા મળે, પણ ઘણું ખરું કન્ટેન્ટ ઇંગ્લિશમાં.
ભારતમાં લિંક્ડઇન પ્લેટફોર્મ અન્ય સોશિયલ મીડિયા કરતાં ઓછું પોપ્યુલર હોવાનું કારણ આ પણ ખરું! પરંતુ તમે કોલેજ સ્ટુડન્ટ હો, સ્ટાર્ટઅપ શરૂ કરવાનું સપનું હોય કે શરૂ કરી દીધું હોય, કોઈ કંપનીમાં તમે એક્ઝિક્યુટિવ હો અને હજી આગળ વધવાનું સપનું હોય, તમારો પોતાનો નાનો-મોટો કોઈ બિઝનેસ હોય... તો તમે લિંક્ડઇનને સહેજ પણ અવગણી શકો નહીં.
વધુ સારી જોબ જોઈતી હોય કે વધુ ક્લાયન્ટ્સ, લિંક્ડઇન તમારી શોધ પૂરી કરી શકે!
જોબ કે બિઝનેસ - બંનેમાં નેટવર્િંકગ માટે
આજના સમયમાં નેટવર્કિંગ વિના કોઈને ચાલે તેમ નથી. એમાંય જો તમે ઓફિસ અને હોમ એવા હાઇબ્રિ઼ડ કલ્ચરમાં કે માત્ર વર્ક-ફ્રોમ-હોમ કરી રહ્યા હો, તમારા ફીલ્ડના અન્ય લોકો સાથે હળવા-મળવાની ઓછી તક મળતી હોય ત્યારે તો ખાસ. લિંક્ડઇન આવી નેટવર્કિંગની તક આપે છે.
સારી વાત એ છે કે લિંક્ડઇન પર એક્ટિવ મોટા ભાગના લોકોનું ફોકસ વર્ક અને કરિયર પર હોય છે. અહીં એકાઉન્ટ ખોલાવ્યા પછી, આપણા ફીલ્ડના વધુ અનુભવી લોકો, એક્સપર્ટ્સ કે કંપનીઓના ટચમાં આવવાની તક મળે છે.
રિક્રૂટર્સ-ક્લાયન્ટની નજરમાં આવવા માટે
લિંક્ડઇન પર આપણે યોગ્ય પ્લાનિંગ સાથે એક્ટિવ રહીએ તો નવી વધુ સારી જોબ મળવાની કે વધુ ક્લાયન્ટ્સ મળવાની શક્યતા ઘણી વધી જાય છે. હવે લગભગ દરેક સારી, મોટી કંપનીના એચઆર એક્ઝિક્યુટિવ્સ નવી જોબ માટે કોલ લેટર મોકલતાં પહેલાં અને ઇન્ટરવ્યૂ સમયે કેન્ડિડેટ્સની લિંક્ડઇન એક્ટિવિટી ચકાસતા હોય છે. હવેના સમયમાં લિંક્ડઇન પરથી જ જોઇતા કેન્ડિડેટ્સ શોધી લેવાનું ચલણ પણ વધ્યું છે. એ જોતાં, તમે હજી કોલેજમાં હો કે કોઈ કંપનીમાં જોડાઈ ગયા હો પણ સારી જોબ મેળવવામાં લિંક્ડઇન બહુ ઉપયોગી થઈ શકે.
કંપની-ક્લાયન્ટ વિશે રિસર્ચ કરવા માટે
જે રીતે કંપની કે ક્લાયન્ટ આપણા વિશે લિંક્ડઇન પર સર્ચ કરી શકે, એ જ આપણે એમના વિશે કરી શકીએ - ઇનફેક્ટ, ઇન્ટરવ્યૂ કે પર્સનલ મીટિંગ પહેલાં, જે તે કંપની કે ક્લાયન્ટ વિશે શક્ય એટલી વધુ માહિતી મેળવવી જરૂરી હોય છે. એચઆર એક્સપર્ટ્સ કહે છે કે કેન્ડિડેટ્સ પોતાના વિશે જેટલી તૈયારી કરે છે, એટલી તૈયારી તેમણે જ્યાં કામ કરવાનું છે કે કંપની વિશે કરતા નથી. લિંક્ડઇન પર એ કંપનીનું કંપની પેજ હોય કે તેના ટોપ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ્સ વગેરેનાં એકાઉન્ટ હોય તો તેમાંથી આપણે એ કંપનીનાં વિવિધ પાસાં વિશે ઘણું જાણી શકીએ.
પોતાનું નોલેજ-સ્કિલ્સ વધારવા માટે
લિંક્ડઇન પર પોતાનું નોલેજ કે સ્કિલ્સ વધારવાના જુદા જુદા ઘણા રસ્તા છે. આપણા નેટવર્કમાંના લોકો વિવિધ ટોપિક્સ વિશે પોસ્ટ કે લાંબા આર્ટિકલ્સ શેર કરે તો એ સીધા આપણા સુધી પહોંચી શકે છે.
એ સિવાય સર્ચ બારની મદદથી જોઈતા આર્ટિકલ શોધી શકાય. લિંક્ડઇન પર બહુ મોટી, ઓનલાઇન કોર્સિસની લાઇબ્રેરી છે, પરંતુ તે પેઇડ છે. આપણે એક મહિના માટે ફ્રી ટ્રાયલ લઈ શકીએ ખરા. લિંક્ડઇન પર જુદાં જુદાં અનેક ગ્રૂપ્સ અને પ્રોફેશનલ્સ દ્વારા શેર થતા ન્યૂઝલેટર્સમાં પણ જોડાઈ શકાય.
કાળજીપૂર્વક પ્રમોશન માટે
તમે સારા લાઇફ મેનેજમેન્ટ કોચ છો? બ્રાન્ડ ગુરુ છો? ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ છો? તમારી કંપની છે? તમારું ફીલ્ડ કોઈ પણ હોય, લિંક્ડઇન પર ઝંપલાવીને તમે પર્સનલ ઇમેજ બિલ્ડિંગ કે કંપની, બ્રાન્ડ, સર્વિસના પ્રમોશન માટેના જુદા જુદા ઘણા રસ્તા અપનાવી શકો છો. નિયમિત રીતે, કાળજીપૂર્વકના પ્લાનિંગ સાથે પોસ્ટ કે આર્ટિકલનું શેરિંગ સૌથી પહેલો રસ્તો છે. એ પછી તમારા નેટવર્કમાંના અન્ય લોકો તરફથી તમારી સ્કિલ્સ વિશે એન્ડોર્સમેન્ટ કે રેકમેન્ડેશન્સ પણ મેળવી શકો. ધ્યાન રહે, અહીં ફોકસ પ્રમોશન કરતાં નેટવર્કિંગ અને ટ્રસ્ટ બિલ્ડિંગ પર વધુ હોવું જોઈએ.
જોઇતો સપોર્ટ મેળવવા માટે
લિંક્ડઇન પણ આખરે સોશિયલ મીડિયા છે, એટલે આખરે અહીં પણ ફેક એકાઉન્ટ્સ અને ટ્રોલિંગનું દૂષણ છે, પણ અન્ય સોશિયલ સાઇટ્સ કરતાં ઘણું ઓછું. તમે કાળજીપૂર્વક કનેક્શન ઇન્વિટેશન્સ સ્વીકારો કે અન્ય લોકો સાથે તેમના પ્રોફાઇલ તપાસીને પછી કનેક્ટ થાઓ, તો લિંક્ડઇન જનરલી એક સપોર્ટિંગ કમ્યૂનિટી છે. એકમેક સાથે વિશ્વાસનો સંબંધ કેળવાયા પછી, તમે કોઈ વાતે - જેમ કે નવી જોબની શોધ - અન્ય લોકોની મદદ માગો તો લિંક્ડઇન પર તમને વિવિધ રીતે મદદ કરવા તત્પર અનેક લોકો મળી આવશે - આખરે એ સૌ પ્રોફેશનલ્સ છે!