સૂર્યના મેગ્નેટિક ફિલ્ડના રહસ્ય અંગે ખગોળશાસ્ત્રના ઇતિહાસમાં નવું અને વિશિષ્ટ સંશોધન
Science & Technology : ખગોળશાસ્ત્રીઓએ સમગ્ર સૃષ્ટિના જન્મદાતા અને જીવનદાતા સૂર્યનારાયણના સૌથી ગહન રહસ્યનો તાગ મેળવવામાં ઘણા અંશે સફળતા મેળવી છે. આ ગહન રહસ્ય છે આદિત્યનારાયણના અતિ અતિ શક્તિશાળી અને ભારે વિનાશક કહી શકાય તેવા મેગ્નેટિક ફિલ્ડ(વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર)ના કેન્દ્રનું. ઉગમસ્થાનનું. એટલે કે સૂર્યના ભારે તોફાની મેગ્નેટિક ફિલ્ડ ખરેખર સૂર્યના કયા ચોક્કસ હિસ્સામાંથી બહાર ફેંકાય છે તેનું રહસ્ય શોધવામાં ખગોળવિજ્ઞાાનીઓને પહેલી જ વખત સફળતા મળી છે.
મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી(અમેરિકા)ના ખગોળશાસ્ત્રી કીટન બર્ન્સ અને તેની ટીમે રજૂ કરેલા સંશોધનપત્રમાં એવો ઉલ્લેખ કર્યો છે કે સૂર્યના મેગ્નેટિક ફિલ્ડનું કેન્દ્ર તેની વિરાટ થાળીની બહુ નજીક જ હોવું જોઇએ. અત્યારસુધી વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓ એવું માનતા હતા કે સૂર્યના મેગ્નેટિક ફિલ્ડનું મૂળ અથવા તો ઉગમસ્થાન તેના અતિ ઉડાણના એટલે કે ગર્ભના ભાગમાં હોવુ જોઇએ. જોકે હવે અમે તૈયાર કરેલા નવા અને વિવિધ પાસાં સાથેના કમ્પ્યુટર સિમ્યુલેશન દ્વારા એવું સચોટ નિરીક્ષણ મળ્યું છે કે સૂરજની બાહ્ય સપાટીમાંના પ્લાઝ્માના મહાસાગરની ગતિવિધિમાં અસમતુલા સર્જાય કે ખળભળાટ થાય ત્યારે તેમાંથી મેગ્નેટિક ફિલ્ડ પણ સર્જાય છે. ખરેખર તો સૂરજ પ્લાઝ્મા(એક પ્રકારનો અતિ અતિ ઉકળતો વાયુ છે)નો એક વિરાટ ગોળો છે.
ખગોળશાસ્ત્રી કીટન બર્ન્સ અને તેની ટીમનું સંશોધનપત્ર 2024ની 22મી મે એ જર્નલ નેચરમાં પ્રસિદ્ધ થયું છે.
ખગોળશાસ્ત્રી કીટન બર્ન્સ અને તેની ટીમે કરેલા સંશોધનની વિગતો એમ કહે છે કે અત્યારસુધી વિશ્વના ખગોળવિજ્ઞાાનીઓ વિરાટ અને વિશાળ સૂર્ય મંડળના અધિષ્ઠાતા સૂર્યનારાયણનો ડાયનેમો તેના અતિ ઉંડાણના ગર્ભ હિસ્સામાં હોવા વિશે સંશોધન કરી રહ્યા હતા. જોકે અમારા સંશોધન દ્વારા પહેલી જ વખત સાવ નવી અને મહત્વની માહિતી મળી છે.અમને થોડી એવી પણ શંકા છે કે અમારા આ નવા સંશોધન સાથે કદાચ નવી ચર્ચા શરૂ થવાની શક્યતા છે.
અમારું નવું અને વિશિષ્ટ સંશોધન એમ કહે છે કે સૂર્યની બાહ્ય સપાટી નજીકના હિસ્સામાં પ્લાઝ્માનો અતિ વિશાળ અને ધગધગતો વાયુ છે. આ હિસ્સાને કન્વેક્શન ઝોન કહેવાય છે. આ કન્વેક્શન ઝોન સૂર્યની સપાટી નીચે લગભગ ૧,૨૪,૦૦૦ માઇલ(૨,૦૦,૦૦૦ કિલોમીટર) જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલો છે.અમારા ગહન સંશોધન દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે સૂર્યના વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર ફેંકાતી રેખાઓ એકબીજીને તોડીને કે છેદીને આગળ ન વધી શકે. આવી પ્રક્રિયાથી ક્યારેક તેમાંથી રેડિયેશન(કિરણોત્સર્ગ)ના વિપુલ પ્રવાહમાં ભારે મોટા વિસ્ફોટ થાય.રેડિયેશનના આ જ મહાવિસ્ફોટમાંથી સોલાર ફ્લેર(સૌર જ્વાળા)નું સર્જન થાય. આવી સૌર જ્વાળા આખા બ્રહ્માંડમાં ફેલાય.છેલ્લા થોડા સમયથી આવી મહાવિનાશક સૌર જ્વાળા છેક પૃથ્વી સુધી આવી રહી છે. જેની પ્રચંડ થપાટથી વિશ્વના ઘણા દેશમાં રેડિયો બ્લેકઆઉટ(સંદેશા વ્યવહાર,વીજળી પુરવઠો વગેરે ખોરવાઇ જાય.આકાશમાં અરોરા લાઇટ્સના વિવિધ રંગી પટ્ટા દેખાય)ની ચિંતાજનક પરિસ્થિતિ સર્જાય છે.
ટાટા ઇન્સ્ટિટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચના સિનિયર ખગોળશાસ્ત્રી(નિવૃત્ત) ડો. મયંક વાહિયાએ તેમના બહોળા સંશોધન અને અભ્યાસના આધારે ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે સૂર્યનું મેગ્નેટિક ફિલ્ડ બહુ જ સંકુલ પરિબળ છે.સંશોધન એમ કહે છે કે સૂર્યનારાયણના મેગ્નેટિક ફિલ્ડનો પ્રાથમિક વ્યાપ એક ગાઉસ છે, જ્યારે તેનો અતિ સક્રિય વ્યાપ ૩,૦૦૦ ગાઉસ છે.ગાઉસ એટલે સૂર્યના વિદ્યુત ચંુબકીય ક્ષેત્રના માપનો એકમ. ગાઉસ દ્વારા સૂર્યના વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની ઘનતા કેટલી છે તે જાણી શકાય છે. અત્યારસુધી સૂરજના મેગ્નેટિક ફિલ્ડનું કેન્દ્ર ખરેખર ક્યાં છે તેની સચોટ માહિતી નહોતી.જોકે હવે આ નવા સંશોધન દ્વારા સૂર્યના મેગ્નેટિક ફિલ્ડના કેન્દ્ર સહિત તેમાંથી ફેંકાતી વિનાશક અને ધગધગતી સૌર જ્વાળા,તેનું સ્વરૂપ,તેની તીવ્રતા, તેની દિશા પૃથ્વી ભણી છે કે કેમ અને ચોક્કસ કેટલા સમયમાં પૃથ્વી સુધી આવી શકે વગેરે પાસાંની આગાહી થઇ શકશે.
ખરેખર તો સોલાર સ્ટોર્મ(સૌર તોફાન), સોલાર ફલેર(સૌર જ્વાળા),સન સ્પોટ(સૂર્ય કલંક) વગેેરે ઘટનાઓ સૂર્યના મેગ્નેટિક ફિલ્ડની પ્રક્રિયા સાથે જ સંકળાયેલી છે. સૂર્યના મેગ્નેટિક ફિલ્ડના કેન્દ્ર વિશેનું આ નવા સંશોધનથી હાઇડ્રોજન અને હિલિયમના આ વિરાટ ગોળામાં થઇ રહેલા અકળ અને મહાભયાનક ખળભળાટ વિશે વધુ ઉપયોગી જાણકારી મળશે.