ઓપનએઆઈ કંપની કદાચ રોબોટિક્સમાં પણ ઝંપલાવશે

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
ઓપનએઆઈ કંપની કદાચ રોબોટિક્સમાં પણ ઝંપલાવશે 1 - image


ઓપનએઆઇ કંપનીએ નવેમ્બર ૨૦૨૨માં ચેટજીપીટી સર્વિસ લોન્ચ કરી એને હજી માંડ એકાદ વર્ષ થયંુ છે ત્યાં આખી દુનિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના જબરા પ્રભાવ હેઠળ આવી ગઈ છે. એક તરફ ટેક કંપનીઓ તેમના બધા જ પ્રોજેક્ટ કે સર્વિસ ને હવે ‘એઆઇ-પાવર્ડ’ કહીને વહેતા પ્રવાહનો લાભ લેવા લાગી છે, તો બીજી તરફ, સાચાં-ખોટાં કારણોસર લોકોને એઆઇ તેમની નોકરી ખાઈ જશે એવો ડર લાગી રહ્યો છે.

સવાલ એ છે કે એઆઇ અને રોબોટિક્સ એકમેકની નજીક આવે તો? અત્યાર સુધી રોબોટિક્સ કે ઓટોમેશનને કારણે માત્ર ફેક્ટરીઓમાં એક સરખું કામ કરતા લોકોની નોકરી જવાનો ખતરો હતો. બુદ્ધિ ચલાવવી પડે તેવાં કામ કરતા લોકોને કોઈ ખતરો નથી એમ કહેવાતું હતું, ત્યાં એઆઇને કારણે ટેન્શનમાં આવી ગયા છે.

ફેક્ટરીના કામદારો અને ઓફિસના એક્ઝિક્યુટિવ્સ બંનેનું ટેન્શન હજી વધે એવા એક સમાચાર આવ્યા છે - એ પણ ઓપનએઆઇ કંપનીના સીઇઓ તરફથી.

હમણાં માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સના પોડકાસ્ટ ‘અનકન્ફ્યૂઝ મી’ (સર્ચ કરો Unconfuse Me with Bill Gates) માં ઓપનએઆઇના સીઇઓ સેમ ઓલ્ટમેન મહેમાન હતા. બિલ ગેટ્સે તેમને પૂછ્યું કે ‘‘અત્યારે એઆઇની બોલબાલામાં રોબોટિક્સનો કેવોક મેળ બેસે તેમ છે?’’ સેમે ઉત્સાહથી જવાબ આપ્યો અને કહ્યું કે તેમની કંપનીએ રોબોટિક્સમાં ઝંપલાવ્યું હતું, પણ શરૂઆતમાં વાત જામી નહોતી. તેમણે ઉમેર્યું કે કંપનીને હજી પણ રોબોટિક્સમાં ઊંડો રસ છે અને આ ક્ષેત્રની અન્ય કંપનીઓમાં તે રોકાણ કરવા લાગી છે. સેમ કહે છે કે એઆઇ અત્યારે માત્ર સોફ્ટવેર પૂરતી સીમિત છે, પરંતુ તેઓ રોબોટ્સના હાથ, પગ, આંગળી વગેરેને એઆઇથી સંચાલિત કરવાની મથામણમાં છે. મતલબ કે એવા રોબોટ્સ જે માત્ર ફિક્સ્ડ, પહેલેથી નિશ્ચિત પ્રોગ્રામ અનુસાર કામ કરવાને બદલે, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગથી અન્ય લોકોના કમાન્ડ સમજે, પોતાની રીતે તેનાં તારણો કાઢે અને એ મુજબ વાસ્તવિક, ફિઝિકલ રીતે કામકાજ પણ કરે!


Google NewsGoogle News