સાયબર ફ્રોડનો નવો કીમિયો
ભારતમાં અને સમગ્ર વિશ્વમાં ટાઇમશેર બિઝનેસ ખાસ્સો ફુલ્યો ફાલ્યો છે. આ પ્રકારના બિઝનેસમાં આપણે જે તે સ્કીમ, ક્લબ કે રિસોર્ટની મેમ્બરશિપ ખરીદવાની હોય. પછી ભારતમાં અથવા દુનિયાભરનાં
વિવિધ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાં વિવિધ હોટેલ કે રિસોર્ટમાં વર્ષમાં નિશ્ચિત દિવસ સુધી
રહી શકીએ છીએ. લગભગ બધા બિઝનેસની જેમ અહીં પણ જેન્યુઇન અને ગરબડિયા બિઝનેસની
ભેળસેળ છે!
ઘણી વાર આપણી કાર કંપની તરફથી જાણીતી હોટેલમાં ડીનરની ઓફર આપવામાં આવે, આપણે સાચું આમંત્રણ માનીને હોંશભેર જઈએ અને પછી આપણને આવી કોઈ ટાઇમશેર
સ્કીમમાં ભેરવવાનો પ્રયાસ કરવામાં આવે. એ સમયે સારું એવું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે, જે ફક્ત એ જ દિવસ પૂરતું હોય. આ રીતે શક્ય હોય એટલા લોકોના રૂપિયા સેરવીને
રાતોરાત એ કંપની ગાયબ થઈ જાય.
આ ઓફલાઇન ફ્રોડની વાત થઈ. કેનેડામાં
રહેતા એક નિવૃત્ત દંપત્તિને ટાઇમશેર બાબતે જ ઓનલાઇન ફ્રોડનો અનુભવ થયો. બેએક વર્ષ
પહેલાં તેમને અમેરિકાથી એક ફોન આવ્યો અને અમેરિકામાંની એક ટાઇમશેર સ્કીમમાં તેમણે
ખરીદેલો પ્લાન વેચવામાં રસ છે કે કેમ તેમ પૂછવામાં આવ્યું. તે સાથે તેમના પ્લાનની
બધી વિગતો સાથે સારી રકમ ઓફર કરવામાં આવી.
વેચાણની પ્રોસેસ એકાદ વર્ષ ચાલી ને ટેકસ અને એડમિનિસ્ટ્રેટીવ
એક્સપેન્સ જેવા જુદા જુદા નામે આ
દંપત્તિ પાસેથી ૫૦ હજાર ડોલર જેવી મોટી રકમ પડાવવામાં આવી. હવે એફબીઆઈની તપાસમાં
બહાર આવ્યું છે કે મેક્સિકોની એક ડ્રગ કાર્ટેલ બિઝનેસને ડાયવર્સીફાઇ કરવા માટે આવા
ફ્રોડ તરફ વળી છે!