ચંદ્રના પેટાળમાં ખળભળાટ થાય છે, તે સંકોચાઇ રહ્યો છે અને તેની સપાટી પર કરચલીઓ ઉપસી છે
- નાસાની માનવ વસાહત યોજના માટે ચિંતાજનક સમાચાર
- અમેરિકાના આર્ટેમિસ કાર્યક્રમ મુજબ તેના અવકાશયાત્રીઓ ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાના છે
વોશિંગ્ટન/મુબઇ : પૃથ્વી પુત્ર ચંદ્રમાના પેટાળમાં હળવા પણ ચિંતાજનક ફેરફાર થઇ રહ્યા છે. ચંદ્ર પર ભૂકંપ થઇ રહ્યા છે. (પૃથ્વી પર થતા ભૂકંપને અર્થક્વેક, ચંદ્ર પર થતા ભૂકંપને મૂન ક્વેક,મંગળ પર થતા ભૂકંપને માર્સક્વેક કહેવાય) ઉપરાંત, દર પૂનમે દૂધમલિયો લાગતો ચંદ્ર સતત સંકોચાઇ રહ્યો છે.
આટલું જ નહીં, ચંદ્ર સતત ઘરડો પણ થઇ રહ્યો છે. વૃદ્ધ માનવીના ચહેરા પર કરચલીઓ હોય તેવી કરચલીઓ ચંદ્રની સપાટી પર ઉપસી રહી છે.
ચંદ્રના ગોળામાં અને તેની સપાટી ઉપર થઇ રહેલા આ બધા અકળ ફેરફારના સમાચારથી અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડિમિનિસ્ટ્રેશન (નાસા)ના વિજ્ઞાાનીઓને ચિંતા થઇ રહી છે.નાસા તેના આર્ટેમિસ-૩ કાર્યક્રમ મુજબ તેનું અવકાશયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવાનું છે. સાથોસાથ નાસાએ તો એવી જાહેરાત પણ કરી છે કે આ દસકાના અંત સુધીમાં પૃથ્વીવાસીઓ ચંદ્રમા પર રહેવા જઇ શકશે.એટલે કે નાસા ચંદ્રના દક્ષિણધ્રુવ પર માનવ વસાહત બનાવવાની તડામાર તૈયારી કરે છે.આર્ટેમિસ કાર્યક્રમ આ જ માનવ વસાહત યોજનાનો ભાગ છે.
હવે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જ આવા ચિંતાજનક ફેરફાર થઇ રહ્યા હોય તો આ ઘટનાઓનાસા માટે ચિંતાજનક ગણાય. નાસા ભવિષ્યમાં ચંદ્રના આ જ દક્ષિણ ધ્રુવ પર માનવ વસાહત બનાવવાબનાવવા ઝડપભેર તૈયારી પણ કરી રહ્યું છે.
લાઇવ સાયન્સના એક રિપોર્ટ મુજબ નાસાનાં અમુક એપોલો મિશનના અવકાશયાત્રીઓ તેમની સાથે ભૂકંપમાપક યંત્ર (સિસ્મોમીટર) ગઇ ગયા હતા.તે ભૂકંપમાપક યંત્ર દ્વારા થયેલી નોંધની વિગતો એમ કહે છે કે ૧૯૭૩ની ૧૩,માર્ચે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર થયેલા ભૂકંપની ધણધણાટીથી પેલું ભૂકંપમાપક યંત્ર તેના સ્થાનેથી થોડુંક હલી ગયું. સાથોસાથ તેમાં મૂનક્વેકની નોંધ પણ થઇ ગઇ. ઉપરાંત,નાસાના વિજ્ઞાાનીઓએ તો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અમુક ફોલ્ટ લાઇન્સ પણ શોધી છે.
ઉપરાંત, નાસાના સંશોધનાત્મક અભ્યાસ દ્વારા પણ એવું જાણવા મળ્યું છે કે શશી(ચંદ્રનું સંસ્કૃત નામ) દિનપ્રતિદિન ઘરડો થઇ રહ્યો છે. એટલે કે કોઇ વૃદ્ધ માનવીના ચહેરા પર હોય તેવી કરચલીઓ તેની સપાટી પર ઉપસી રહી છે.હવે ચંદ્રમા સંકોચાઇ રહ્યો હોય તો જ તેની સપાટી પર કરચલીઓ ઉપસી આવે. નહીં તો નહીં.
ચંદ્રના ગહન સંશોધનાત્મક અભ્યાસ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત ગણાતા ઇસરોના સિનિયર વિજ્ઞાાની(નિવૃત્ત) અને ૧૯૬૯ના નાસાના એપોલો-૧૧ અવકાશ યાનના અવકાશયાત્રીઓ નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્ડ્રીન દ્વારા લાવવામાં ચંદ્રના આવેલા ખડકોના અભ્યાસ માટેની સમિતિના સભ્ય ડો.નરેન્દ્ર ભંડારીએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે નાસાના લ્યુનાર રિકોન્નીઝન્સ ઓર્બિટર(૨૦૧૦) દ્વારા થયેલા સંશોધનમાં એવું પુરવાર થયું છે કે આજે ચંદ્રમાના પેટાળમાં લાવારસ ધગધગી રહ્યો છે. તેના ભૂગર્ભમાંની ગરમી અને સપાટી ઉપરની ઠંડીનું ચક્ર ઉપરતળે થઇ રહ્યું છે. ચંદ્ર પર દિવસે ૧૨૭ ડિગ્રી સેલ્સિયસ જેટલું ઉકળતું અને રાતે માઇનસ(--) ૧૭૩ ડિગ્રી સેલ્સિયસ જેટલું અસહ્ય ઠંડુગાર તાપમાન હોય છે. આમ અતિ ગરમી અને અતિ ઠંડી એમ બે વિરુદ્ધ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિની સીધી અસર ચંદ્રના કદ પર થઇ રહી હોવાથી તે ધીમે ધીમે સંકોચાઇ રહ્યો છે.તેની સપાટી પર ઠેર ઠેર કરચલીઓ ઉપસી આવી છે.