મિત્રો-સ્વજનોને તમે ફોરવર્ડ કરેલો મેસેજ તેમને જોખમમાં મૂકી શકે છે
તમને વોટ્સએપમાં ક્યારેય કોઈ એવો ટેક્સ્ટ મેસેજ મળ્યો છે, જેમાં લિંક્સ આપી હોય, પણ તે ક્લિકેબલ ન હોય, એટલે કે તમે તેને ક્લિક કરીને એ બ્રાઉઝરમાં એ વેબપેજ સુધી પહોંચી ન શકો? જો તમને આવો મેસેજ મળ્યો હોય, તો તમે નસીબદાર કેમ કે કે એ
લિંક જોખમી હોઈ શકે છે અને તમે તેને ક્લિક ન કરી શકવાને કારણે કોઈ જોખમી સાઇટ પર
પહોંચતાં બચી ગયા. હવે આગળની વાત બરાબર સમજજો.
તમે તો નસીબદાર, પણ જો તમે આંખ મીંચીને, એ મેસેજ જોખમી હોવા છતાં, તેમાંની લિંક ક્યાં લઈ જાય છે
એ તપાસ્યા વિના એ મેસેજ તમારા મિત્રો-સ્વજનોને વ્યક્તિગત કે ગ્રૂપમાં ફોરવર્ડ કરશો, તો એ લોકો તમારા જેટલા નસીબદાર નહીં રહે.
એ લોકો, તમે મોકલેલા મેસેજમાંની લિંક
પર ક્લિક કરીને કોઈ ફ્રોડમાં ફસાઈ શકે છે.
કારણ સમજાયું? તમને અજાણી વ્યક્તિએ મોકલેલા
મેસેજમાંની લિંક ક્લિક થઈ શકતી નહોતી, પરંતુ જેવો તમે એ મેસેજ -
વિચાર્યા વિના - અન્યોને ફોરવર્ડ કર્યો એટલે એ લિંક ક્લિકેબલ બની ગઈ.
આવું કેમ થાય છે? વોટ્સએપ કંપની દરેક
મેસેજમાંની બધી લિંક્સ તપાસી શકતી નથી, પરંતુ આપણા કોન્ટેક્ટ
લિસ્ટમાં ન હોય એવી કોઈ વ્યક્તિ પહેલી વાર આપણને લિંક સાથે કોઈ મેસેજ મોકલે, તો આપણી સલામતી માટે એ લિંક ક્લિકેબલ રાખતી નથી. પરંતુ જ્યારે આપણે એ મેસેજ
મિત્રોને ફોરવર્ડ કરીએ ત્યારે એમની સાથે આપણે વોટ્સએપ પર સંપર્કમાં છીએ જ એટલે
લિંક ક્લિકેબલ બની જાય છે!
એટલે જ કોઈ મેસેજ, સમજ્યા વિના ફોરવર્ડ કરશો
નહીં. ઠગ લોકો પહેલી વાર બેફામ મેસેજિંગ કરે ત્યારે તેમાંની લિંક્સ ક્લિકેબલ હોતી
નથી, આપણે તેને ફોરવર્ડ કરીને
ક્લિકેબલ બનાવી દઈએ છીએ.