AI ટૂલ્સથી દુનિયા જીતવાની લડાઈ હવે આપણી ઓફિસમાં પહોંચી
- økqøk÷ yLku {kR¢kuMkku^x çktLku ftÃkLke nðu Lkðe heíku yuykR-støk ÷ze hne Au
માઇક્રોસોફ્ટ અને ગૂગલ વચ્ચેની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના ક્ષેત્રે
વર્ચસ જમાવવાની લડાઈ હવે નવા સ્તરે પહોંચી છે. અત્યાર સુધી બંને કંપની મુખ્યત્વે
સર્ચ એન્જિનમાં એઆઇ ઉમેરવાની અને અને વધુ ને વધુ લોકોને તેની આદત પાડવાની વેતરણમાં
હતી. દરમિયાન, બંને કંપનીએ પોતપોતાનાં એઆઇ
ટૂલ્સ સ્માર્ટફોનની એપ્સ તરીકે પણ લોન્ચ કર્યાં. દરમિયાન મેટાએ પણ આ હરીફાઇમાં
ઝુકાવ્યું અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ વગેરેમાં એઆઇ ફીચર્સ ઉમેરાવા લાગ્યાં.
તેની સાથોસાથ માઇક્રોસોફ્ટ અને ગૂગલે પોતપોતાના ઓફિસ પ્રોગ્રામ્સમાં પણ એઆઇ
ફીચર્સ મોટા પાયે ઉમેર્યાં. સર્ચ એન્જિન્સ,
એપ્સ, સોશિયલ મીડિયા વગેરેમાં એઆઇ ટૂલ્સનો ઉપયોગ મોટા ભાગે મફત રહ્યો છે, પણ ઓફિસ પ્રોગ્રામ્સમાં કંપનીઓને ખરી કમાણી દેખાતી હતી. આથી આવા
પ્રોગ્રામ્સમાં માત્ર પેઇડ સબસ્ક્રાઇબર્સને અને એ પણ ટોચના, પ્રીમિયમ પ્લાન માટે રૂપિયા દેનારા લોકોને જ તેનો લાભ મળતો હતો.
હવે કંપનીઓને સમજાયું છે કે લોકો એઆઇ માટે રૂપિયા ખર્ચવાના મૂડમાં નથી! આથી આ બંને કંપનીએ વારાફરતી, તેમના પેઇડ પણ સાવ બેઝિક પ્લાન્સના યૂઝર્સને પણ આ એઆઇ ટૂલ્સ લગભગ મફત આપવાની શરૂઆત કરી છે. તમે બંને કંપનીના બિલકુલ ફ્રી યૂઝર હશો તો હજી આ લાભ નહીં મળે, પણ એઆઇથી પિક્ચર કેવું બદલાઈ રહ્યું છે એ સમજવા જેવું છે.
{kR¢kuMkku^x
365{kt fkuÃkkR÷kux
જો તમારી કંપનીએ કે તમે પોતે તમારા ફેમિલી માટે માઇક્રોસોફ્ટ ૩૬૫ ઓફિસ
પ્રોગ્રામ્સનું સબસ્ક્રિપ્શન ભર્યું હશે,
તો ગયા અઠવાડિયાથી
વર્ડ પ્રોગ્રામમાં નવું બ્લેન્ક ડોક્યુમેન્ટ ઓપન કરતાં તમે કંઈક નવું જોયું હશે.
કોરા પેજમાં સૌથી ઉપર તમને, અહીં નીચે આપેલા સ્ક્રીનશોટ
જેવો એક પ્રોમ્પ્ટ દેખાયો હશે, જેમાં કહેવામાં આવે છે કે
કોપાઇલોટના આઇકન પર ક્લિક કરો અથવા Alt +
i કી પ્રેસ કરો અને તમને
જોઈતું લખાણ તૈયાર કરવા માટે કોપાઇલોટની મદદ લો!
અત્યાર સુધી આપણે આ રીતે એઆઇ ચેટબોટની મદદથી કોઈ લખાણ તૈયાર કરવું હોય તો
ચેટજીપીટી, ગૂગલ જેમિની કે માઇક્રોસોફ્ટ
બિંગની એપ ઓપન કરવી પડે અથવા તેમની સાઇટ પર જઈને તેનો ઉપયોગ કરવો પડે. પછી જે
ટેક્સ્ટ મળે તેને ત્યાંથી કોપી કરીને, વર્ડમાં પેસ્ટ કરવી પડે.
હવે આવી અલગ અલગ એપ કે વેબસાઇટમાં જવાની કસરત કરવી નહીં પડે. સીધું જ વર્ડ
ડોક્યુમેન્ટમાં જ આપણે શું જોઈએ છે તે સ્પષ્ટ સમજાવીને, કોપાઇલોટ પાસે જોઈતું લખાણ તૈયાર કરાવી શકાશે!માઇક્રોસોફ્ટે આવી સગવડ હવે
માઇક્રોસોફ્ટ ૩૬૫ના પર્સનલ અને ફેમિલી પ્લાનના યૂઝર્સને મર્યાદિત રીતે મફત આપી છે
(ઉપરાંત આખા પ્લાનની કિંમત વધારી દીધી છે!).
વર્ડ ઉપરાંત, એક્સેલ, પાવરપોઇન્ટ, વનનોટ વગેરે પ્રોગ્રામમાં પણ
આ રીતે કોપાઇલોટની સુવિધા આપી છે. આ કારણે દરેક પ્રોગ્રામનાં ફીચર્સ અનુસાર આપણે
કોપાઇલોટની મદદ મેળવી શકીએ છીએ. જેમ કે વર્ડમાં લખાણ તૈયાર કરવામાં એઆઇની મદદ લઈ
શકાય. એક્સેલમાં આપણને જોઈતી, ચોક્કસ પ્રકારની ફોર્મ્યુલા
મેળવવી હોય તો એ માટે એઆઇની મદદ લઈ શકાય. એ જ રીતે પિવોટ ટેબલ કે ચાર્ટ્સની મદદથી
આપણા ડેટાની વિવિધ પ્રકારની સમરી કેવી રીતે મેળવવી એ માટે કોપાઇલોટનું માર્ગદર્શન
મેળવી શકીએ. પાવરપોઇન્ટમાં પણ આ પ્રકારે વિવિધ સ્લાઇડ્સ બનાવવાનું આપણું કામ
કોપાઇલોટ પાસે કરાવી શકીએ.
યાદ ફક્ત એ રાખવાનું કે કોપાઇલોટ ભૂલો કરે છે, પર્સનલ કે ફેમિલી જેવા પ્લાનમાં પ્લાનની ફક્ત મુખ્ય વ્યક્તિને આ લાભ મળશે, તેમ જ મહિનામાં માત્ર ૬૦ વાર એઆઇ પાસેથી કામ લઈ શકાશે!
økqøk÷
ðfoMÃkuMk{kt sur{Lke
માઇક્રોસોફ્ટની જેમ ગયા અઠવાડિયે ગૂગલે પણ અચાનક તેના વર્કસ્પેસ
પ્રોગ્રામ્સમાં જેમિની-પાવર્ડ એઆઇ સર્વિસિસનો ઉપયોગ મફત કરી દીધો. અલબત્ત એ
ધ્યાનમાં રાખવા જેવું છે કે હાલમાં આ સર્વિસિસ ગૂગલ વર્કસ્પેસના પેઇડ યૂઝર્સને મફત
મળવા લાગી છે. અત્યાર સુધી આ એઆઇ આધારિત સર્વિસિસ ગૂગલ વનના ટોચના, પ્રીમિયમ સબસ્ક્રિપ્શન ધરાવતા લોકોને જ મળતી હતી અથવા એ માટે એડ-ઓન મેળવવા
વધારાની ફી ભરવી પડતી હતી. પરંતુ હવે વર્કસ્પેસના પેઇડ સબ્સક્રિપ્શન પ્લાન્સમાં, સાવ શરૂઆતના બિઝનેસ તથા એન્ટરપ્રાઇઝ પ્લાન્સના યૂઝર્સને પણ આ સગવડ આપવામાં આવી
છે. એ માટે તેમણે વધારાની કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.
માઇક્રોસોફ્ટની જેમ, ગૂગલે પણ આખેઆખા વર્કસ્પેસ
સ્યૂટના વિવિધ પ્લાન્સની ફીમાં દર મહિને અંદાજે બે ડોલર જેટલો વધારો કરી દીધો છે!
બંને કંપનીએ આ રીતે તેના શરૂઆતના પેઇડ યૂઝર્સને ધરાર એઆઇ ટૂલ્સ આપ્યાં છે.
આનો અર્થ એ થયો કે જો તમે ગૂગલમાં ફ્રી એકાઉન્ટ ધરાવતા હો તો તમને ગૂગલની
વિવિધ એપ્સમાં એઆઇ આધારિત ફીચર્સનો લાભ મળશે નહીં. પરંતુ જો તમે ગૂગલ વર્કસ્પેસનો
કોઈ પણ પ્લાન ખરીદ્યો હોય તો આ લાભ મળી શકે છે. આ નવા અમલને પગલે ગૂગલમાં જીમેઇલ, ડોક્સ, શીટ્સ અને મીટ જેવા
પ્રોગ્રામમાં એઆઇ સર્વિસ ઉમેરાઈ ગઈ છે.
આ એઆઇ સર્વિસ એઆઇ ચેટબોટની જેમ જ કામ આપે છે. ફેર એટલો છે કે જીમેઇલ કે ગૂગલ
ડોક જેવી સર્વિસ ઓપન થાય ત્યારે આપણે તેમાં ને તેમાં એઆઇ ફીચરનો લાભ લઈ શકીએ છીએ.
નવી સગવડ અનુસાર જીમેઇલની જ વાત કરીએ તો તેમાં આપણે જીમેઇલ સર્વિસ ઓપન કરીએ એ
સાથે ઇનબોક્સમાં જમણી તરફ ઉપરના ભાગે જેમિની એઆઇનો સ્ટાર આઇકન જોવા મળે છે. તેને
ક્લિક કરતાં સ્ક્રીન પર જમણી તરફ એઆઇ ચેટિંગનાં વિવિધ સજેશન કરતી એક પેનલ ઓપન થાય
છે.
આપણે પોતાના ઇમેઇલ ઇનબોક્સમાંના ઇમેઇલના સંદર્ભમાં એઆઇ ચેટબોટને વિવિધ સવાલો
પૂછીને તેના જવાબ મેળવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે અહીંથી આપણે જેમિનીને પૂછી શકીએ
છીએ કે જેમિની જીમેઇલમાં આપણને કેવી રીતે મદદ કરી શકે છે. બીજા ઉદાહરણ તરીકે આપણે
જેમિનીને પોતાના અનરેડ મેઇલ બતાવવા કહી શકીએ છીએ. તમે જોશો તેમ અહીં બધી રમત આખરે
પ્રોમ્પ્ટ આધારિત છે.
આ આખી વાત કંઈક રીતે ગૂગલ સર્ચમાં આવેલા ફેરફાર જેવી જ છે. વર્ષોથી આપણે ગૂગલ
સર્ચમાં કંઈ પણ લખીને સર્ચ કરી શકીએ છીએ અને ગૂગલ આપણને જવાબો ધરાવતા વિવિધ
વેબપેજિસ બતાવે છે. પરંતુ હવે એઆઇ આધારિત સર્ચ ઓવરવ્યૂ આવ્યા પછી ગૂગલ સર્ચમાં
આપણા સવાલોના સીધેસીધા જવાબ મળવા લાગ્યા છે. બરાબર એ જ રીતે જીમેઇલમાં આપણે લાંબા
સમયથી આપણા પર આવેલા કે પોતે મોકલેલા ઇમેઇલ્સને વિવિધ રીતે સર્ચ કરી શકીએ છીએ
પરંતુ એઆઇ આધારિત ચેટિંગ જીમેઇલમાં ઉમેરાયા પછી સર્ચનો લાભ લેવાની સંભાવના અનેકગણી
વધી ગઈ છે.
આપણે જેમિનીને નેચરલ લેંગ્વેજમાં આપણા ઇમેઇલ્સ સંબંધિત વિવિધ બાબતો પૂછી શકીએ
છીએ. જેમ કે આપણે પાછલા થોડા દિવસોમાં ઓનલાઇન કોઈ ચીજવસ્તુઓ ખરીદી હોય અને તેના
ઇમેઇલ્સ આપણા પર આવ્યા હોય તો એ વિશે જેમિનીને પૂછી શકીએ છીએ. એ જ રીતે કોઈ ઇમેઇલ
ઓપન કરીએ એટલે જેમિની આપણને તેનો સારાંશ બતાવે છે. ઘણી વાર એવું બને કે જુદા જુદા
ઘણા લોકો એક જ સબ્જેક્ટ સાથે ઘણા ઇમેઇલ્સની આપલે કરે. આ રીતે વિવિધ ઇમેઇલ્સનો એક
લાંબો થ્રેડ બને. તેમાંથી આપણે કામની બાબતો તારવવી મુશ્કેલ બની શકે. આ કામ
જેમિનીની મદદથી હવે સહેલું બને છે. જેમ કે ઇમેઇલના લાંબા થ્રેડમાં આપણે પોતે
ચોક્કસ રીતે ક્યાં એકશન લેવાનું સૂચવવામાં આવ્યું છે તે આપણે જેમિનીને પૂછી શકીએ
છીએ અને જેમિની બુલેટ પોઇન્ટ સ્વરૂપે આવી એકશન આઇટેમ્સ બતાવે છે.
આ જ પ્રકારની સુવિધા ડોક્સ, શીટ, સ્લાઇડ્સ વગેરેમાં ઉમેરાઈ છે. અલબત્ત એ ધ્યાનમાં લેવા જેવું છે કે ગૂગલ પોતે
સ્પષ્ટતા કરે છે એ મુજબ વર્કસ્પેસમાં જેમિની હજી ભૂલો કરી શકે છે.