લેપટોપમાં બેટરી ઇન્ડિકેટર હવે જુદા જુદા રંગમાં દેખાશે
જો તમે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ૧૧ ધરાવતા લેપટોપનો ઉપયોગ કરતા હો તો તેમાં આવી
રહેલો, બેટરી સંબંધિત એક ફેરફાર
જાણવા જેવો છે. અત્યારે લેપટોપના સ્ક્રીન પર નીચે જમણી તરફ બેટરીનું લેવલ
દર્શાવતું ઇન્ડિકેટર ફક્ત એક જ બ્લેક કલરનું છે. પરંતુ ટૂંક સમયમાં તે જુદા જુદા
કલરમાં જોવા મળશે. હાલમાં આપણે લેપટોપને પાવર પ્લગ સાથે કનેક્ટ કર્યું હોય તો
બેટરીના આઇકન સાથે ચાર્જિંગનો આઇકન જોવા મળે છે. પરંતુ બેટરીનું લેવલ ચોક્કપણે
કેટલું છે એ જોવું હોય તો આઇકન પર માઉસ લઈ જવું પડે, પછી બેટરીના પર્સન્ટેજ દેખાય.
હવે બેટરી ઇન્ડિકેટર આઇકન જુદા જુદા કલરમાં જોવા મળશે. એ મુજબ બેટરીનો નોર્મલ
મોડમાં ઉપયોગ થતો હોય ત્યારે આઇકન બ્લેક રહેશે. જ્યારે લેપટોપ પાવર પ્લગ્ડ હોય અને
બેટરી ચાર્જ થતી હોય ત્યારે બેટરી ઇન્ડિકેટર ગ્રીન થઈ જશે અને તેમાં ચાર્જિંગનો
આઇકન ઉમેરાશે. જ્યારે બેટરીનો પાવર નિશ્ચિત લેવલ કરતાં નીચે જાય ત્યારે લેપટોપમાં
પાવર સેવર મોડ ઓન થાય છે. એ સમયે બેટરી ઇન્ડિકેટર યલો થશે. જ્યારે બેટરીનું લેવલ
અત્યંત ઓછું થઈ જાય ત્યારે ઇન્ડિકેટર રેડ થઈ જશે. આ ફેરફારની સાથોસાથ બેટરી
ઇન્ડિકેટરની સાથે જ સ્માર્ટફોનની જેમ વિન્ડોઝમાં પણ બેટરીનું લેવલ પર્સન્ટેજમાં
સતત જોઈ શકાય એવું ઓપ્શનલ ફીચર પણ આવી રહ્યું છે.
આ બધા ફેરફારથી આપણે કામકાજમાં કોઈ મોટો તફાવત થતો નથી. પરંતુ તેનાથી બેટરીનું
લેવલ કેટલે છે તે પહેલી નજરે પારખી શકાશે.
બીજી પણ એક વાત જાણી લેવા જેવી છે. વિન્ડોઝમાં બેટરીના સેટિંગ્સમાં જઇને, બેટરીનું લેવલ કયા સ્તરથી ઓછું જાય ત્યારે પાવર સેવર મોડ ઓન થાય તે આપણે નક્કી
કરી શકીએ છીએ. સામાન્ય રીતે બેટરી પૂરી થવા આવે અને તેનો સંકેત બેટરી ઇન્ડિકેટર પર
દેખાય એ સાથે આપણે માની લઇએ છીએ કે હવે બેટરી તદ્દન પૂરી થઈ ગઈ. પરંતુ વાસ્તવમાં એ
નિશાની ફક્ત પાવર સેવર મોડ ઓન થયો છે એવું દર્શાવે છે. જો આ પાવર મોડ ૩૦ ટકા જેવા
લેવલથી ઓન થતો હોય તો પાવર સેવર મોડમાં પણ બેટરી લાંબો સમય ચાલી શકે છે.