40 વર્ષ જૂની વિન્ડોઝ કંટ્રોલ પેનલ આખરે રિટાયર થાય છે

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
40 વર્ષ જૂની વિન્ડોઝ કંટ્રોલ પેનલ આખરે રિટાયર થાય છે 1 - image


આપણે સૌએ લાંબા સમયથી પોતાના કમ્પ્યૂટરમાં વિન્ડોઝ ૭ કે તેનાથી પણ જૂની વિન્ડોઝ એક્સપી ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે.  જો તમે પ્રમાણમાં નવું લેપટોપ ખરીદ્યું હોય તો તમને વિન્ડોઝ ૧૦ કે ૧૧નો લાભ મળ્યો હશે. બાકી ડેસ્કટોપ પર, કંપની તરફથી સપોર્ટ પૂરો થઈ ગયો હોવા છતાં ઘણા લોકો હજી પણ વિન્ડોઝ ૭ કે એક્સપી જેવી જૂની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે. ઓપરેટિંગ સિસ્ટમ એટલી જૂની હોય કે નવી, કમ્પ્યૂટરમાંની વિવિધ બાબતોને કંટ્રોલ કરવા માટે આપણે અત્યાર સુધી ‘કંટ્રોલ પેનલ’નો ઉપયોગ કરતા આવ્યા છીએ.

હવે સમાચાર છે કે માઇક્રોસોફ્ટ કંપની આ કંટ્રોલ પેનલને રિટાયર કરી રહી છે. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ માટે કંટ્રોલ પેનલ છેક ૧૯૮૫થી એક મહત્ત્વનો હિસ્સો રહી છે. આપણે કમ્પ્યૂટરમાંના વિવિધ પ્રોગ્રામ અનઇન્સ્ટોલ કરવા હોય, ડેટ અને ટાઇમ એડજસ્ટ કરવા હોય, અન્ય ડિવાઇસ કે પ્રિન્ટર ઉમેરવાં હોય તો કમ્પ્યૂટર પેનલની મદદથી એ કામ સહેલું બને છે.

પરંતુ ૨૦૧૨થી વિન્ડોઝ ૮માં કંપનીએ તેની ઓપરેટિંગ સિસ્ટમમાં ‘સેટિંગ્સ એપ’ ઉમેરી. સ્માર્ટફોનમાંની સેટિંગ્સ એપની જેમ વિન્ડોઝમાં પણ સેટિંગ્સ એપ ઓપરેટિંગ સિસ્ટમ સંબંધિત મોટા ભાગનાં કામકાજ કરી આપે છે. આમ જુઓ તો હાલમાં કંટ્રોલ પેનલ અને સેટિંગ્સ એપ બંનેથી લગભગ એકસરખાં કામ કરી શકાય છે.

પરંતુ કંપની લાંબા સમયથી સેટિંગ્સ એપને વધુ આગળ કરી રહી છે. તે જોતાં કંટ્રોલ પેનલની વિદાય લગભગ નક્કી થઈ ગઈ હતી. જોકે હજી પણ માઇક્રોસોફ્ટ કંટ્રોલ પેનલને વિધિવત રીતે ક્યારે સમેટી લેશે તેની ટાઇમલાઇન જાહેર કરવામાં આવી નથી.


Google NewsGoogle News