તિબેટની નીચે ફાટી રહી છે ઈન્ડિયન ટેક્ટોનિક પ્લેટ, 100 કિલોમીટર લાંબી તિરાડ, હિમાલય માટે સંકટ
ભારતની ટેકટોનિક પ્લેટની તિબેટ નીચે 100 થી 200 કિમી લાંબી તિરાડ મળી આવી છે
જેના કારણે હિમાલયની ઊંચાઈ વધી રહી છે અને ભૂકંપની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે
Tibet Plate: ભારતમાં આવતા સતત ભૂકંપ બાબતે એક ખુલાસો થયો છે. તે બાબતે સંશોધકોએ શોધી કાઢ્યું છે કે હિમાલયની નીચે તિબેટ બે ટુકડામાં વિભાજીત થઈ રહ્યું છે. ખંડીય પ્લેટના ટુકડા ધીમે ધીમે અલગ થઈ રહ્યા છે. જેના કારણે હિમાલયની ઊંચાઈ વધી રહી છે. હિમાલયનું નિર્માણ ઇન્ડિયન અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટની અથડામણથી થયું હતું. અમેરિકન જીઓફિઝિકલ યુનિયનની વાર્ષિક બેઠકમાં રજૂ કરાયેલ સંશોધન મુજબ, ઈન્ડિયન ટેક્ટોનિક પ્લેટ યુરેશિયન પ્લેટની નીચે જઈ રહી છે, જેના કારણે યુરેશિયન પ્લેટ ઉપર ઉઠી રહી છે. આથી હિમાલયની ઊંચાઈમાં પણ વધારો થઇ રહ્યો છે અને તેથી હિમાલયન બેલ્ટ આસપાસના વિસ્તારમાં ભૂકંપની સંખ્યા વધી રહી છે.
વિજ્ઞાનીઓદ્વારા કરવામાં આવ્યું સંશોધન
ઈન્ડિયન ટેક્ટોનિક પ્લેટમાં તિરાડ પડવાના કારણે જમીનની નીચે એક ભૂસ્તરશાસ્ત્રીય પરિવર્તન જોવા મળી રહ્યું છે. ઈન્ડિયન ટેક્ટોનિક પ્લેટનો ઉપરનો ભાગ તિબેટીયન જમીનને ઉપર રાખવામાં મદદ કરે છે. પરંતુ ઈન્ડિયન ટેક્ટોનિક પ્લેટનું ઘનત્વ ઓછું હોવાથી તેની નીચેનો ભાગ પૃથ્વીના મેંટલમાં ઘસાઈ રહ્યો છે. પ્લેટ ટેક્ટોનિકની પ્રક્રિયા તિબેટની નીચે થઈ રહી છે. આ પ્રક્રિયા અંગે સંશોધન કરવા માટે વિજ્ઞાનીઓ દ્વારા તે જગ્યા પર ભૂકંપીય તરંગો મોકલવામાં આવ્યા જેના પરથી સ્પષ્ટ થયું કે ઈન્ડિયન પ્લેટમાં તિરાડ પડી રહી છે. જે હાલ 100 થી 200 કિમી લાંબી જોવા મળી રહી છે, તેમજ ફોર્સના કારણે તે વધુ મોટી પણ થઇ શકે છે.
અભ્યાસ બાદ થયા આ ખુલાસા
ઈન્ડિયન પ્લેટ યુરેશિયન પ્લેટને સતત આગળની તરફ ધકેલતા ઉત્તર તરફ આગળ વધી રહી છે. જયારે વિજ્ઞાનીઓ દ્વારા હિમાલયની નીચે અભ્યાસ કરવામાં આવ્યો તો તે અંગે ચોંકાવનારા ખુલાસા થયા હતા...
જેમાં જાણવા મળ્યું છે કે તિબેટની દક્ષિણે 90 ડિગ્રી નીચે લિથોસ્ફિયર-એસ્થેનોસ્ફિયરની બાઉન્ડ્રી છે, જ્યાં આ હલનચલન થઇ રહી છે. તેમજ તિબેટની નીચે યાર્લુંગ-ઝાંગબો ફાટના ઉત્તરમાં 100 કિમી દૂર તિરાડો બનવા લાગી છે. ગુરુત્વાકર્ષણની અસરને કારણે પૂર્વ ભારત નીચેનું મેંટલ પણ ખસી રહ્યું છે. આ સિવાય આ વિસ્તારમાં સતત ભૂકંપ થઇ રહ્યા છે. જેના કારણે ઈન્ડિયન ટેકટોનિક પ્લેટ ઝડપથી તૂટી રહી છે.