ટૅક્નોસાવી વ્યક્તિનો દાવો: ઇન્સ્પેક્ટ એલિમેન્ટનો ઉપયોગ કરીને સામાન્ય વ્યક્તિથી પહેલા ખરીદી લીધી કોલ્ડપ્લેની ટિકિટ
ColdPlay Ticket: કેટલાક ટૅક પ્રોફેશનલ્સે દાવો કર્યો છે કે તેમણે બુક માય શૉ વેબસાઇટ પર ‘ઇન્સ્પેક્ટ એલિમેન્ટ’ ફીચરનો ઉપયોગ કરીને સામાન્ય લોકો પહેલાં કોલ્ડપ્લેની ટિકિટ મેળવવામાં સફળતા મેળવી છે. કોલ્ડપ્લે 18, 19 અને 21 જાન્યુઆરીએ મુંબઈના ડી વાય પાટીલ સ્ટેડિયમમાં તેમના મ્યુઝિક ઑફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂરના ભાગરૂપે પરફોર્મ કરશે. લોકો સોશિયલ મીડિયા પર બુક માય શૉ પર ગુસ્સો ઠાલવી રહ્યા છે, કારણ કે તેમની ટિકિટ વેચવાની સિસ્ટમ યોગ્ય નથી. તેમ જ ઍપ્લિકેશન અને વેબસાઇટ પણ ક્રેશ થઈ ગઈ હતી. ટૅક્નોસાવી દ્વારા આવો દાવો કરતાં લોકો વધુ ગુસ્સે થયા છે.
નવ વર્ષ બાદ ભારતમાં રિટર્ન
કોલ્ડપ્લે દ્વારા અગાઉ 2016ની 19 નવેમ્બરે મુંબઈમાં પર્ફોર્મ કરવામાં આવ્યું હતું. તેમણે ગ્લોબલ સિટિઝન ફેસ્ટિવલ ઇન્ડિયા હેઠળ પર્ફોર્મ કર્યું હતું. જો કે એ પર્ફોર્મન્સના નવ વર્ષ બાદ તેઓ ઇન્ડિયામાં આવી રહ્યા છે. આ તેમની પહેલી પર્સનલ ટૂર છે.
ટિકિટ નહોતી મળી
આ ટૂર માટેની ટિકિટ બુક માય શૉ પર મૂકવામાં આવી હતી. આ ભારતનું એકમાત્ર ખૂબ જ મોટું ટિકિટ પ્લેટફૉર્મ છે. જો કે કોલ્ડપ્લેના ચાહકો ફરિયાદ કરી રહ્યા છે કે તેઓ કલાકો સુધી વર્ચ્યુઅલ લાઇનમાં રાહ જોઈ રહ્યા હતા. આ રાહ જોવા છતાં તેમને ટિકિટ નહોતી મળી અને તમામ વેચાઈ ગઈ હતી. કેટલાક ચાહકો બુક માય શૉ પર તેના પોતાના કર્મચારીઓ, ફ્રેન્ડ્સ, હાઇ-પ્રોફાઇલ મહેમાનો અને ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર્સ માટે ટિકિટો અનામત રાખવાનો આરોપ લગાવી રહ્યા છે. એના કારણે સામાન્ય લોકોને ટિકિટ નથી મળી.
એક મિનિટ રાહ ન જોઈ હોવા છતાં ટિકિટ મળી
એક ટૅક્નોસાવી વ્યક્તિએ દાવો કર્યો છે કે તેણે એક સરળ યુક્તિનો ઉપયોગ કર્યો હતો અને એનાથી તેને ટિકિટ મળી ગઈ હતી. આ ટૅક્નોસાવી વ્યક્તિનું નામ અર્ચિત ચૌહાણ છે. તે ક્રિબનો કો-ફાઉન્ડર અને સીટીઓ છે. તે માઇક્રોસોફ્ટનો ભૂતપૂર્વ એન્જિનિયર રહી ચૂક્યો છે. આ વિશે X પર અર્ચિતે લખ્યું હતું કે ‘જનતા માટે ટિકિટ ઉપલબ્ધ થાય એ પહેલાં જ ટિકિટ ખરીદવા માટેની URL શોધવા ઇન્સ્પેક્ટ એલિમેન્ટ યુક્તિનો ઉપયોગ કર્યો હતો. અમે કોલ્ડપ્લે ટિકિટ મેળવવામાં સફળતા મેળવી હતી.’
શું છે ઇન્સ્પેક્ટ એલિમેન્ટ?
ઇન્સ્પેક્ટ એલિમેન્ટ એ કોઈ પણ વેબસાઇટમાં આવે છે. કોઈ પણ વેબસાઇટ પર રાઇટ ક્લિક કરી ઇન્સ્પેક્ટ પર ક્લિક કરતાં એમાં કોડ જોવા મળશે. આ કોડમાં ઘણી વાર વેબસાઇટ દ્વારા ટિકિટ ખરીદવા માટેની લિંક મૂકી દેવામાં આવે છે. જોકે લિંક ચોક્કસ સમય સુધી ઓપન નથી થતી, પરંતુ એ કોડમાંથી એને એક્સેસ કરી શકાય છે.
બુક માય શૉની ચેતવણી
બુક માય શૉ પર જેને પણ ટિકિટ મળી ગઈ છે એને હવે તેઓ રીસેલ કરી રહ્યા છે. આ ટિકિટને ત્રણ લાખ રૂપિયા સુધી વેચવામાં આવી રહી છે. આથી બુક માય શૉ દ્વારા આ ટિકિટ ન ખરીદવા માટે લોકોને ચેતવણી આપવામાં આવી છે.