ટેક ન્યૂઝ : માનવ શરીરની ગરમીથી મોબાઇલ રિચાર્જ કરવાનો પ્રયાસ
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી - મંડી (હિમાચલ પ્રદેશ)ના સંશોધકેએ આપણા સ્માર્ટફોનને ચાર્જ કરવાનો એક નવો રસ્તો શોધી કાઢ્યો છે. તેમણે ગયા વર્ષે જૂન મહિનામાં એક ખાસ પ્રકારના થર્મોન્યૂક્લિયર મટિરિઅલ પર કામ ચાલી રહ્યું હોવાની જાહેરાત કરી હતી. હવે આ શોધ વિશે જર્મનીના એક સાયન્ટિફિક જર્નલમાં પણ આર્ટિકલ પ્રકાશિત થયો છે.
આઇઆઇટી-મંડીની સ્કૂલ ઓફ ફિઝિકલ સાયન્સિઝના એસોસિએટ પ્રોફેસરે આ વિશે ગયા અઠવાડિયે એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટ મૂકીને આ વિશે વધુ વિગતો આપી. તેમના જણાવ્યા અનુસાર આ મટિરિઅલ માણસના શરીરની ગરમીને ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરી શકે છે. જો કોઈ ડિવાઇસમાં આ મટિરિઅલનો ઉપયોગ કરવામાં આવે તો તેને હ્યુમન ટચ થતાં એ ડિવાઇસ માનવ શરીરની ગરમીને ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરીને ચાર્જ થવાનું શરૂ કરે છે. આ મટિરિઅલ લગભગ કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટને ચાર્જ કરી શકે છે. આ માટેના અત્યાર સુધીમાં થયેલા પ્રયોગોમાં આ મટિરિઅલને કારણે ડિવાઇસ હ્યુમન ટચમાંથી નોંધપાત્ર પ્રમાણમાં વોલ્ટેજ મેળવી શકતું હોવાનું સાબિત થયું છે. આ શોધને આગળ જતાં કમર્શિયલ પ્રોડક્ટમાં ફેરવી શકાય તો રિન્યુએબલ એનર્જી તથા ડિવાઇસ ચાર્જિંગના ક્ષેત્રમાં ચોક્કસપણે મોટી ક્રાંતિ આવી શકે છે.