પાણીને બદલે રિસાયકલ્ડ યુરિન, 90 મિનિટમાં જ સૂર્યાસ્ત... જાણો અવકાશમાં કેવું જીવન જીવે છે સુનિતા વિલિયમ્સ

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
 sunita-williams


Sunita Williams Life at International Space Station: જૂન 2024ની શરૂઆતમાં અવકાશમાં ગયેલા અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર આઠ દિવસ બાદ ધરતી પર પાછા ફરવાના હતા, પરંતુ થ્રસ્ટરમાં ખામી સર્જાવાને લીધે અને હિલિયમ લીક થવાને કારણે બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાનમાં ખરાબી આવી અને બંને અવકાશયાત્રીઓ પૃથ્વીથી લગભગ 320 કિલોમીટર દૂર સ્થિત 'ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન' (ISS) પર ફસાઈ ગયા છે. 

હવે, એમણે આઠ મહિના સુધી ત્યાં જ રહેવું પડશે. નાસાની યોજના એમને ફેબ્રુઆરી 2025માં પાછા લાવવાની છે. આવી પરિસ્થિતિમાં સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોરનો સમય સ્પેસ સ્ટેશન પર કઈ રીતે પસાર થાય છે, એ જાણવું રસપ્રદ રહેશે. 

આ પણ વાંચો: મેકબૂકમાં સ્પાઇ કરવા માટે માઇક્રોસોફ્ટ એપ્સ પર અટેક કરી શકે છે હેકર્સ

અવકાશમાં રહેવું સરળ નથી હોતું. અવકાશયાત્રીઓ નીચે દર્શાવ્યા પ્રમાણે સ્પેસ સ્ટેશન પર જીવતા હોય છે

- સ્પેસ સ્ટેશન પર સુનિતા અને બેરી સ્નાન કરતા નથી. શરીર સાફ કરવા માટે તેઓ એક પ્રકારનો ભીનો ટુવાલ વાપરે છે. અવકાશયાત્રીઓના વપરાશ માટે પૃથ્વી પરથી ખોરાક અને પાણી પહોંચાડવામાં આવતું હોવાથી બંનેનો કાળજીપૂર્વક ઉપયોગ કરવામાં આવે છે. જ્યાં જે જેટલું બચ્યું એટલું સાચું, એ ન્યાયે તમામ અવકાશયાત્રીઓએ ખોરાક-પાણી વાપરવાનું હોય છે. શક્ય એટલી વસ્તુઓનો પુનઃઉપયોગ કરવો પડે છે.

- અન્ય અવકાશયાત્રીઓની જેમ સુનિતા અને એમના સાથીએ પણ તેમના યુરિનને રિસાઇકલ કરીને પીવો પડે છે. આપણને આ ધૃણાજનક લાગી શકે છે, પણ પેશાબનું ફિલ્ટર એટલું પાવરફૂલ રીતે કરવામાં આવે છે કે એ શુદ્ધ પાણી બની જાય છે.

- સ્પેસ સ્ટેશન પર હાલમાં નવ અવકાશયાત્રીઓ છે. તેમની વચ્ચે બે બાથરૂમ અને છ બેડરૂમ છે, જે એમણે સમજણપૂર્વક શૅર કરવાં પડે છે.

- પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની બહાર હોવાને કારણે અવકાશયાત્રીઓને રેડિયેશનનું જોખમ પણ હોય છે.

આ પણ વાંચો: યુઝરનેમ અને પિન હશે તો જ વોટ્સએપ પર થઈ શકશે મેસેજ, પ્રાઇવસીને મહત્ત્વ આપતાં બહુ જલદી લોન્ચ થશે આ ફીચર

- પૃથ્વી પર હોય છે એના કરતાં ક્યાંય ઓછું ગુરુત્વાકર્ષણ અવકાશમાં હોય છે, જેને કારણે કોઈપણ કામ કરવા માટે સ્નાયુઓએ ઝાઝું બળ લગાવવું પડતું નથી. આળસુ માણસને આવું સાંભળીને કદાચ આનંદ થાય, પણ ઓછા ગુરુત્વાકર્ષણની સ્થિતિ સારી હોતી નથી. એનાથી માનવશરીરને નુકસાન પહોંચે છે. સ્નાયુઓ નબળાં પડી જાય છે અને હાડકાં પોલા થઈ જાય છે.

- અવકાશમાં દર 90 મિનિટે સૂર્યોદય થઈને અસ્ત થઈ જતો હોવાથી એની આદત પાડવી પડે છે. આપણે રાતે ઊંઘીએ અને સવારે જાગીએ, એ પ્રકારની ઊંઘની 'નિયમિત પેટર્ન' જાળવવી અવકાશમાં અઘરી હોય છે. અવકાશયાત્રીઓ અનિદ્રાનો ભોગ પણ બનતા હોય છે. ધરતી પર ચોવીસ કલાકનો દિવસ જીવવાની ટેવ ધરાવતા માનવશરીર પર અવકાશના આ બદલાયેલા સમયચક્રની પ્રતિકૂળ અસરો થતી હોય છે. અવકાશમાં જેટલું લાંબુ રોકાણ એટલી વધારે પ્રતિકૂળ અસરો! 

સ્પેસ સ્ટેશનમાં હોય છે વિશેષ પ્રકારના શૌચાલય 

સ્પેસ સ્ટેશનમાં શૌચાલય માટે એક ખાસ પ્રકારનું સક્શન ટોઇલેટ હોય છે. અવકાશયાત્રીઓના શરીરમાંથી જેવો મળ બહાર આવે તેવો એ મળ ટોઇલેટમાં રહેલા હવાના દબાણને કારણે તરત જ ખેંચાઈ જાય છે અને ટોઇલેટ સાથે જોડાયેલી ટાંકીમાં જઈ પડે છે. પેશાબ કરવા માટે અવકાશયાત્રીઓ વેક્યૂમ પાઇપ જેવા ફ્લાસ્કનો ઉપયોગ કરે છે. એ વેક્યુમ પાઇપમાં પણ હવાનું દબાણ હોય છે જે તરત જ પેશાબને ચૂસીને ટાંકીમાં નાંખી દે છે.

આ પણ વાંચો: સ્માર્ટફોન કે પીસીમાં સ્ક્રીનશોટ્સ ક્યાં સેવ થતા હોય છે?

સુનિતા વિલિયમ્સ અને એમના સાથી સાથે જે બન્યું એ આપણને આઘાતજનક લાગે છે, પણ અવકાશયાત્રા વિશે જ્ઞાન ધરાવનારને ખબર જ હશે કે આ પ્રકારની અણધારી આપત્તિ માટે અવકાશયાત્રીઓ માનસિક રીતે તૈયાર જ રહેતા હોય છે. એમને એ રીતે જ ટ્રેઇન કરવામાં આવ્યા હોય છે.

પાણીને બદલે રિસાયકલ્ડ યુરિન, 90 મિનિટમાં જ સૂર્યાસ્ત... જાણો અવકાશમાં કેવું જીવન જીવે છે સુનિતા વિલિયમ્સ 2 - image


Google NewsGoogle News