ભારતવંશી અંતરિક્ષ યાત્રીનો જીવ જોખમમાં! રશિયાનું નિષ્ક્રિય સેટેલાઈટ તૂટતાં સ્ટાર લાઇનરમાં આશ્રય લેવો પડ્યો
Sunita Williams: અવકાશયાનમાં હિલીયમ લીક થવાને કારણે અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર અવકાશમાં ફસાયેલા છે. જેમાં નાસા અને બોઇંગ મેનેજર બંનેને આ લીક અંગે જાણકારી હતી, તેમ છતાં તેઓએ આ લોન્ચને સલામત માન્યું હતું. પરંતુ અવકાશમાં પહોંચ્યા પછી, ચાર લીક જોવા મળ્યા, જેના કારણે અવકાશયાત્રીઓનું પરત આવવું જોખમમાં મૂકાયું છે. તેઓની વાપસી 13 જૂને થવાની હતી, જે હજુ સુધી થઈ નથી.
બંને અવકાશયાત્રીઓને ઈમરજન્સી આશ્રય લેવાની ફરજ પડી
બોઈંગ સ્ટારલાઈનર મિશન હેઠળ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર ગયેલા નાસાના બંને અવકાશયાત્રીઓને ઈમરજન્સી આશ્રય લેવાની ફરજ પડી છે. અવકાશના કાટમાળથી ISS પરના ખતરાને કારણે નાસા દ્વારા આ ઈમરજન્સી ઓર્ડર જારી કરવામાં આવ્યો હતો. આથી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરે ચેતવણી જારી કર્યા પછી બોઇંગના સ્ટારલાઇનરમાં આશ્રય લેવો પડ્યો હતો.
અવકાશયાત્રીઓને 1 કલાક ISS બહાર રહેવું પડ્યું
નાસાને ISS નજીકની ઉંચાઈ પર એક સેટેલાઇટ તૂટવાની માહિતી મળતા નાસાએ એલર્ટ જાહેર કર્યું હતું. જેથી સાવચેતીના ભાગરૂપે મિશન કંટ્રોલે તમામ ક્રૂ મેમ્બર્સને અવકાશયાનમાં આશ્રય લેવા સૂચના આપી. મિશન કંટ્રોલે લગભગ એક કલાક સુધી કાટમાળના માર્ગનું નજીકથી નિરીક્ષણ કર્યું જ્યારે અવકાશયાત્રીઓ અવકાશયાનની અંદર જ રહ્યા હતા.
બે અવકાશયાત્રીઓ પૃથ્વી પર ક્યારે પાછા આવી શકે છે?
અવકાશયાત્રીઓ વિલ્મોર અને વિલિયમ્સ 5 જૂને અવકાશમાં ગયા હતા. તે 9 દિવસ ISS પર રહેવાના હતા, પરંતુ ટેકનિકલ કારણોસર તે સમયસર પૃથ્વી પર પાછો આવી શક્યો નહોતો. જ્યારે અવકાશયાન ભ્રમણકક્ષામાં પહોંચ્યું, ત્યારે 4 જગ્યાએથી હિલિયમ લીક થવા લાગ્યું, જેના કારણે તેના થ્રસ્ટરે પણ કામ કરવાનું બંધ કરી દીધું. આ કારણોસર, અવકાશયાનને પૃથ્વી પર પરત ફરવાની પ્રક્રિયા 2 જુલાઈ સુધી સ્થગિત કરવામાં આવી છે.