સુનિતા વિલિયમ્સ સાત મહિના અંતરિક્ષમાં રહીને ચાલવાનું ભૂલી ગયાં, શરીર પર પડી છે પ્રતિકૂળ અસરો
Sunita Williams: ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર સાત મહિના મહિના વિતાવનાર અમેરિકન અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સને હવે ચાલવા માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. તાજેતરમાં, તેમણે વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘ચાલવાની અનુભૂતિ કેવી હોય છે, એ પણ હું હવે ભૂલી ગઈ છું.’ ગુરુત્વાકર્ષણના અભાવે અંતરિક્ષયાત્રીઓ પૃથ્વી પર જે રીતે ગતિમાન રહેતા હોય છે એ રીતે અંતરિક્ષમાં રહી શકતા નથી. જેને લીધે શરીરના વિવિધ સ્નાયુઓ નબળા પડી જાય છે અને હાડકાં પણ પોલા થઈ જાય છે. સ્પેસ સ્ટેશન પર અંતરિક્ષયાત્રીઓ કસરત કરતા હોવા છતાં તેમના શરીરે પૂરતું બળ લગાવવું ન પડતું હોવાથી લાંબા ગાળે શરીરને નુકસાન થતું હોય છે.
અંતરિક્ષમાં કરવું પડ્યું ફરજિયાત રોકાણ
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સુનિતા સાથે એમના સાથી અંતરિક્ષયાત્રી બૂચ વિલ્મોર પણ ફસાયેલા છે. એક મહિનામાં પૂરું થનારું તેમનું મિશન આજકાલ કરતાં સાત મહિના લંબાઈ ગયું છે. સ્ટારલાઈનર અંતરિક્ષયાનમાં થયેલી ગરબડના કારણે તેમણે સ્પેસ સ્ટેશનમાં રોકાઈ જવાની ફરજ પડી હતી. બંનેને પૃથ્વી પર પાછા લાવવાના પ્રયાસ થઈ રહ્યા છે, પણ એમાં સફળતા નથી મળી રહી.
આ પણ વાંચોઃ સુનિતા વિલિયમ્સે 9મી વખત સ્પેસવૉક કરી ઈતિહાસ રચ્યો, 5.5 કલાક સ્પેસ સ્ટેશનની બહાર રહ્યાં
અંતરિક્ષયાત્રાએ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા
મહિનાઓથી સતત વજનહીન સ્થિતિ રહેવાથી બંને અંતરિક્ષયાત્રીઓના શરીર પર પ્રતિકૂળ અસર થઈ રહી છે, જેને લીધે અંતરિક્ષયાત્રા બાબતે ગંભીર પ્રશ્નો ચર્ચાવા લાગ્યા છે. અંતરિક્ષયાત્રીઓને ચંદ્ર અને મંગળ પર મોકલવાની ગણતરીઓ માંડી રહેલી અંતરિક્ષ એજન્સીઓએ તેમના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટસ વિશે ફરી વિચાર કરવો પડે એવી સ્થિતિ હાલ સુનિતા અને બૂચ વિલ્મોરની થઈ છે. લોકો પૂછી રહ્યા છે કે ‘પ્રમાણમાં નજીકના’ સ્પેશ સ્ટેશન પર ફસાઈ ગયેલા અંતરિક્ષયાત્રીઓને પૃથ્વી પર પાછા લાવવામાં આટલો વિલંબ થઈ રહ્યો હોય તો ભવિષ્યમાં અંતરિક્ષયાત્રીઓને દૂરના અંતરિક્ષમાં મોકલવાનું જોખમ કઈ રીતે લઈ શકાય?
આમાંય રાજકારણ ખેલાયું
સુનિતા વિલિયમ્સ અને એમના સાથી જો બાઈડેનના રાજમાં અંતરિક્ષમાં ફસાઈ ગયા હોવાથી વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ મુદ્દે પણ રાજકીય દાવ ખેલી લીધો છે. એમ કહીને કે, ‘બાઈડેને બંને અંતરિક્ષયાત્રીઓને તરછોડી દીધા છે.’ તરછોડી દેવાયેલા અમેરિકન હીરોઝને ધરતી પર પાછા લાવવાનું ભગીરથ કામ તેમણે ઈલોન મસ્કને સોંપ્યું છે. મસ્કએ આ કામ માથે લઈ લેતા કહ્યું છે કે, ‘અમે સ્પેસએક્સ મિશન યોજીને અંતરિક્ષયાત્રીઓને ઘરે પરત લઈ આવીશું.’
આ પણ વાંચોઃ સુનિતા વિલિયમ્સને બચાવવા ટ્રમ્પે ઈલોન મસ્ક પાસે માગી મદદ, જાણો ટેસ્લાના CEOનો જવાબ
અમેરિકનો બેવકૂફ નથી, પણ…
આ મુદ્દે ટ્રમ્પ અને મસ્કે મળીને પકાવેલી રાજકીય ખીચડી પર આંધળો વિશ્વાસ મૂકી દે એટલા બેવકૂફ તો અમેરિકનો નથી, પણ અંતરિક્ષયાત્રાની જટિલતા અને સફળતા બાબતે અમેરિકામાં ગંભીર ચર્ચાઓ તો શરૂ થઈ જ ગઈ છે. ટ્રમ્પના બોલ્ડ નિવેદનને પગલે લોકો અંતરિક્ષ સંશોધન અને અંતરિક્ષયાત્રીઓની સુરક્ષામાં સરકારની ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવવા લાગ્યા છે.
પરિવાર સાથે સંપર્કમાં છે સુનિતા વિલિયમ્સ
અંતરિક્ષમાં રહેતાં સુનિતા વિલિયમ્સે તેમના પરિવાર સાથે સંપર્ક જાળવી રાખ્યો છે. તેઓ લગભગ દરરોજ જ તેમના માતા સાથે વાત કરે છે. તેમનું કહેવું છે કે, લંબાઈ ગયેલા મિશનને લીધે કૌટુંબિક સંબંધો પર ભાવનાત્મક અસર થાય છે. આ રોકાણ હવે અમારી સહનશક્તિની કસોટી કરવા લાગ્યું છે.
નાસા શું કરી રહી છે?
સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને ISS પર રહેવાની ફરજ પડી છે, કારણ કે સ્પેસએક્સ ક્રૂ-10 મિશનના લોન્ચમાં વિલંબ થઈ રહ્યો છે. સ્પેસએક્સ ક્રૂ-10 મિશન હવે માર્ચ, 2025 ના અંતમાં અથવા એપ્રિલમાં લોન્ચ કરવામાં આવશે. ત્યાં સુધી તો વિલિયમ્સ અને વિલ્મોરે ISS પર જ રહેવું પડશે.