'હું અંતરિક્ષમાં 1 દિવસમાં 16 સૂર્યોદય અને 16 સૂર્યાસ્તના દર્શન કરું છું..', સુનિતા વિલિયમ્સે રહસ્યો ખોલ્યાં
- સુનિતા વિલિયમ્સ વર્ણવે છે અલૌકિક બ્રહ્માંડ દર્શન
- અમારું આઇએસએસ 28,000 કિ.મી.ની પ્રચંડ ગતિએ પ્રવાસ કરતું હોવાથી દર 45 મિનિટે પૃથ્વીની ઉજળી અને અંધારી બાજુએ આવી જાય છે
Sunita williams News | ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(આઇએસએસ)માં ગયેલાં સુનિતા વિલિયમ્સ અનંત અંતરિક્ષનાં રહસ્યોનો અને આશ્ચર્યોનો આનંદ માણી રહ્યાં છે. આ રહસ્ય અને આનંદ એટલે એક દિવસમાં 16 વખત સૂર્યોદય અને 16 વખત સૂર્યાસ્તનાં દર્શન. આપણે પૃથ્વીવાસીઓને તો એક દિવસમાં ફક્ત એક જ વખત સૂર્યોદયનાં અને સૂર્યાસ્તનો અનુભવ થાય છે.
ભારતીય મૂળનાં અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ 2013માં તેના મૂળ વતન ગુજરાતમાં આવ્યાં ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા તે વખતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં તેમનું ઉમળકાભેર સ્વાગત થયું હતું. તે પ્રસંગે સુનિતા વિલિયમ્સે તેમના આઇએસએસના અવર્ણનીય અંતરિક્ષ અનુભવો યાદ કર્યા હતા.
હાલ પણ સુનિતા વિલિયમ્સ અને તેના સહયોગી બુચ વિલમોર છેલ્લા લગભગ છ મહિનાથી આઇએસએસમાં છે. દરરોજ 16 વખત સૂર્યોદયનાં અને 16 વખત સૂર્યાસ્તનાં દર્શન કરે છે.
સુનિતા વિલિયમ્સે કહ્યું હતું કે આપણે પૃથ્વીવાસીઓ તો એક દિવસમાં ફક્ત એક જ વખત સૂર્ય ઉદયનાં અને સૂર્ય અસ્તનાં દર્શન કરી શકીએ છીએ. પૃથ્વી પર 12કલાકનો દિવસ અને 12 કલાકની રાત્રિ હોય છે. જોકે હું અગાઉ આઇએસએસમાં ગઇ ત્યારે મેં એક જ દિવસમાં 16 સૂર્યોદયનો અને 16 સૂર્યાસ્તનો અદભુત આનંદ માણ્યો હતો. આવાં અલૌકિક અનુભવનું વર્ણન શબ્દોમાં ન જ થઇ શકે. જોકે હું તે અનુપમ દ્રશ્યો નિહાળીને સ્તબ્ધ થઇ ગઇ હતી. સાથોસાથ હું, આવાં દ્રશ્યો ભલા ચોક્કસ કયાં ખગોળિય પરિબળોને કારણે થઇ શકે તેના ગહન વિચારો કરતી હતી. આમ તો હું નાસાની અવકાશયાત્રી તરીકે આઇએસએસમાં સંશોધનાત્મક કામગીરી માટે ગઇ હોવાથી મને બ્રહ્માંડની અજીબોગરીબ ગતિવિધિનો ખ્યાલ છે.
હકીકત જોકે એ છે કે અમારું આઇએસએસની ગતિ 28000 કિલોમીટર(પ્રતિ કલાક) જેટલી અતિ તીવ્ર હોવાથી દર 90 મિનિટે પૃથ્વીની એક પ્રદક્ષિણા પૂરી કરે છે. આ ગણતરીએ અમે દર 45 મિનિટે પૃથ્વીની સૂર્યોદયની ઉજળી બાજુએ અને સૂર્યાસ્તની અંધારી બાજુએ આવી જઇએ છીએ.આમ અમને દર 45 મિનિટે નવા સૂર્યોદયનો અને નવા સૂર્યાસ્તનો અનુભવ થાય છે.