પૃથ્વીથી 400 કિમી દૂર અંતરિક્ષથી મતદાન કરશે સુનિતા વિલિયમ્સ, જાણો કઈ રીતે
Sunita Williams Casts Vote From Space Station: સુનિતા વિલિયમ્સ ઘણા મહિનાઓથી બૂચ વિલ્મોર સાથે અંતરિક્ષમાં અટવાયેલા છે. એવામાં હવે તે વધુ એક ઈતિહાસ રચવા માટે તૈયાર છે. તે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પરથી વોટિંગ કરીને ઈતિહાસ રચશે. એટલે કે 5 નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેઓ મતદાન કરશે. સુનિતા વિલિયમ્સ પૃથ્વીની સપાટીથી લગભગ 400 કિલોમીટરના અંતરે પોતાનો મત આપીને ઈતિહાસ રચશે.
અંતરિક્ષમાંથી મતદાન કરવાની પ્રથા 1997 ચાલી રહી છે
અંતરિક્ષમાં અંતરિક્ષયાત્રીઓ માટે મતદાનની પ્રક્રિયા 1997માં શરૂ થઈ હતી. ટેક્સાસમાં એક બિલ પાસ કરીને નાસાના અંતરિક્ષયાત્રીઓને અંતરિક્ષમાંથી મતદાન કરવાનો અધિકાર પણ આપવામાં આવ્યો હતો. આ કાયદા અનુસાર, જો કોઈ વ્યક્તિ અંતરિક્ષમાં હોય તો તે ઈલેક્ટ્રોનિક રીતે મતદાન કરી શકે છે. નાસાના મોટાભાગના અંતરિક્ષયાત્રીઓ ટેક્સાસના હ્યુસ્ટનમાં રહેતા હોવાથી આ કાયદો એટલા માટે બનાવવામાં આવ્યો છે.
સૌથી પહેલા મતદાન મીર સ્પેસ સ્ટેશન પર રહેતા ડેવિડ વુલ્ફે કર્યું હતું. તે પછી, 2020ની ચૂંટણી દરમિયાન, કેટ રુબિન્સે ISSથી મત આપ્યો હતો.
આ રીતે કરશે મતદાન
જે રીતે વિદેશમાં બેઠેલા અમેરિકન નાગરિકો મતદાનમાં ભાગ લે છે તેવી જ સુનિતા વિલિયમ્સ પણ ભાગ લેશે. આ માટે મતદાન કરતા પહેલા અંતરિક્ષયાત્રીઓ જે ચૂંટણીમાં ભાગ લેવા માગે છે તેના માટે તમામ જરૂરી પેપર વર્ક કરી રાખે છે. ત્યારબાદ, નાસાના મિશન કંટ્રોલ સેન્ટરમાંથી તેમને સુરક્ષિત ઈલેક્ટ્રોનિક મતપત્ર મોકલવામાં આવે છે. અંતરિક્ષયાત્રીઓ ઈમેલ દ્વારા મતપત્ર મોકલવામાં આવે છે. પછી તેઓ તેને ભરીને પૃથ્વી પર સંબંધિત કાઉન્ટી ક્લાર્કની ઓફિસમાં મોકલે છે.
ચૂંટણીમાં આમને-સામને કોણ છે?
આ વર્ષે અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. રિપબ્લિકન પક્ષ તરફથી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મેદાનમાં છે. જ્યારે ડેમોક્રેટ્સ વતી ઉપપ્રમુખ કમલા હેરિસ ચૂંટણીની રેસમાં છે.