સૂરજમાં પ્રચંડ વિસ્ફોટને પગલે બે કલાક સુધી રેડિયો કોમ્યુનિકેશન ઠપ, વિજ્ઞાનીઓ પણ આશ્ચર્યચકિત
સૂર્યની સપાટી પર આ વિસ્ફોટ સોલર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરી દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો
વિજ્ઞાનીઓ સૂર્યમાંથી પ્લાઝમાના સંભવિત વિસ્ફોટનું વિશ્લેષણ કરી રહ્યા છે
Image:SocialMedia |
Solar Flare Disrupted Radio Signals On Earth : સૂર્ય તેના 11 વર્ષના સૌર ચક્રની ટોચ પર પહોંચી રહ્યો છે. આ સાથે જ સનસ્પોટની ઘટનાઓમાં પણ વધારો થવા લાગ્યો છે. તાજેતરમાં નાસાના વિજ્ઞાનીઓએ સૂર્યની સપાટી પર ખૂબ જ મોટો વિસ્ફોટ નોંધ્યો છે. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે વિજ્ઞાનીઓ પણ તેને જોઈને દંગ રહી ગયા હતા. આ વિસ્ફોટને કારણે સૂર્યમાંથી મોટી સંખ્યામાં સોલર ફ્લેયર નીકળી હતી, જેના કારણે પૃથ્વી પરના રેડિયો સિગ્નલ્સ બે કલાક સુધી વિક્ષેપિત થયા હતા.
સોલર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરી દ્વારા વિસ્ફોટ રેકોર્ડ કરવામાં આવ્યો
વિજ્ઞાનીઓના મતે વર્ષ 2025 સુધીમાં સૂર્યમાં આવા વિસ્ફોટ વધુ ઝડપથી થશે, જેની અસર પૃથ્વી પર જોવા મળશે. નાસાએ જણાવ્યું હતું કે સૂર્યની સપાટી પર આ વિસ્ફોટ સોલર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરી દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આ ઘણા વર્ષોમાં જોવા મળેલ સૌથી તેજસ્વી સોલર ફ્લેયર હતી. જેના કારણે પૃથ્વી પરના રેડિયો સિગ્નલો ઠપ થઇ ગયા હતા. આવી સૌર પ્રવૃત્તિને કારણે અમેરિકાના કેટલાંક વિસ્તારો સહિત વિશ્વના વિવિધ વિસ્તારો(સુર્યપ્રકાશ વાળા)માં બે કલાક માટે રેડિયો સંચાર ખોરવાઈ ગયો હતો. આ વિક્ષેપથી વિમાન ઉડાડતા પાઇલોટ સૌથી વધુ પ્રભાવિત થયા હતા. સૌથી પહેલા તેઓએ કોમ્યુનિકેશનની આ સમસ્યાઓનો અનુભવ કર્યો હતો.
કોરોનલ માસ ઇજેક્શન
વિજ્ઞાનીઓ હવે આ સનસ્પોટ વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યા છે અને સૂર્યમાંથી પ્લાઝમાના સંભવિત વિસ્ફોટનું વિશ્લેષણ કરી રહ્યા છે, જેને કોરોનલ માસ ઇજેક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. આના પરિણામે ભૂ-ચુંબકીય તોફાન પણ ઉત્પન્ન થઈ શકે છે, જે ઉચ્ચ અક્ષાંશ પર હાઈ ફ્રિકવન્સી રેડિયો સિગ્નલોને વિક્ષેપિત કરી શકે છે અને આગામી દિવસોમાં ઉત્તરીય લાઇટ્સ અથવા ઓરોરાને ટ્રિગર કરી શકે છે.