દુનિયાના પ્રથમ ક્વોન્ટમ પ્રોસેસર 'મજોરાના-૧' ના સર્જનમાં સફળતા
- માઈક્રોસોફ્ટની ક્વોન્ટમ ક્રાંતિ
- માઈક્રોસોફ્ટ ભવિષ્યમાં જટિલ કામો દિવસોના બદલે મિનિટોમાં પુરું કરે તેવું ટોપોલોજિકલ ક્વોન્ટમ કમ્પ્યુટર બનાવશે
નવીદિલ્હી : માઈક્રોસોફ્ટે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ક્ષેત્રે મોટી સફળતા હાંસલ કરી છે, જેણે 'મજોરાના ૧' નામનું દુનિયાનું પ્રથમ ટોપોલોજિકલ ક્વોન્ટમ પ્રોસેસર બનાવ્યું છે. આ ઉપકરણ એક નાની ચિપમાં ૧૦ લાખ 'ક્યુબિટ્સ' (ક્વોન્ટમ કમ્પ્યુટરનો મુખ્ય ભાગ) ધરાવે છે. આ એક મોટી સિદ્ધિ છે, કારણ કે જેટલા વધારે ક્વબિટ્સ, તેટલું કમ્પ્યુટર વધારે શક્તિશાળી. દૈનિક જીવનમાં વપરાતા સામાન્ય કમ્પ્યુટર અને ક્વોન્ટમ કમ્પ્યુટર વચ્ચે ઘણો મોટો તફાવત છે. સામાન્ય કમ્પ્યુટર માત્ર બે સ્થિતિમાં - ૦ અથવા ૧ - કામ કરે છે. જ્યારે ક્વોન્ટમ કમ્પ્યુટરની ખાસિયતએ છેકે 'તે ૦ અને ૧ બંને સ્થિતિમાં અથવા તેનાથી વધારે કોમ્બિનેશનમાં પણ એક સાથે કામ કરી શકે છે. માઈક્રોસોફ્ટ તૈયાર કરેલ ચીપને કોન્ટમ પ્રોસેસર યુનિટ (QPU) કહે છે. સામાન્ય કોમ્પ્યુટરના સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ (CPU) કરતાં, તે અલગ પ્રકારનું ટોપોલોજિકલ ક્વોન્ટમ પ્રોસેસર છે. ક્વોન્ટમ કમ્પ્યુટરમાં તે સીપીયુનું સ્થાન લેશે. QPUએ ક્વોન્ટમ કમ્પ્યુટરનું એક વિશેષ 'મગજ - સુપર-બ્રેઈન' કહી શકાય. આ પ્રોસેસરમાં ગણતરીઓ કરવા માટે ક્યુબિટ્સ એકમોનો ઉપયોગ થાય છે. જે સામાન્ય કમ્પ્યુટરના બિટ્સ કરતાં ખૂબ જ શક્તિશાળી હોય છે. ક્યુબિટ્સની ખાસિયત એ છેકે તે ત્રુટીઓથી સુરક્ષિત રહે છે. મેમરીની નાની જગ્યામાં વધુ માહિતી સંગ્રહી શકે છે. ડાર્પા (DARPA) નામની અમેરિકન સંસ્થાના સમર્થનથી માઈક્રોસોફ્ટ ભવિષ્યમાં ફોલ્ટ-ટોલરન્ટ પ્રોટોટાઇપ ક્વોન્ટમ કમ્પ્યુટર બનાવવાની યોજના ધરાવે છે. જે કામ કરવા માટે સામાન્ય કમ્પ્યુટરને કલાકો કે દિવસો લાગતા હતા, તે કામ ટોપોલોજિકલ ક્વોન્ટમ કમ્પ્યુટર મિનિટોમાં પૂરું કરી દેશે. ટોપોલોજિકલ ક્વોન્ટમ ટેકનોલોજીથી આપણા જીવનમાં ઘણા ફાયદા થઈ શકે છે. દાખલા તરીકેઃ ૧. નવી અને વધુ અસરકારક દવાઓ બનાવવામાં મદદ ૨.પોતાની જાતે રિપેર થઈ શકે તેવી વસ્તુઓનું નિર્માણ અને ૩. ખેતીમાં નવી અને સારી પદ્ધતિઓ વિકસાવવામાં મદદ કરી શકે છે. આ શોધ ક્વોન્ટમ કમ્પ્યુટિંગને વ્યવહારિક વપરાશ માટે વધુ નજીક લાવશે. જોકે, આ ટેકનોલોજીને વ્યવહારમાં લાવતા પહેલા હજુ સમય લાગી શકે તેમ છે. કોમ્પ્યુટરનું પ્રોસેસર તૈયાર થઈ ચૂક્યું છે, પરંતુ સમજો કે તેનું મધરબોર્ડ તૈયાર કરવાનું બાકી છે. આમ છતાં પણ માઈક્રોસોફ્ટની આ સફળતા, ક્વોન્ટમ કમ્પ્યુટર ક્ષેત્રમાં એક મોટું ક્રાંતિકારી પગલું છે.
મજોરાના 1ની મુખ્ય વિશેષતાઓ....
- મજોરાના ૧ એક એવું પ્રોસેસર છે. જે એક જ ચિપ પર ૧૦ લાખ ક્યુબિટ્સ (ક્વોન્ટમ બિટ્સ) સ્ટોર અને પ્રોસેસ કરી શકે છે. તેની આ ક્ષમતાને વધારી પણ શકાય છે.
- નવા પ્રોસેસરમાં વપરાયેલા ક્યુબિટ્સ નાના, ઝડપી અને ડિજિટલી નિયંત્રિત છે. જે વધુ વિશ્વસનીય ગણતરીઓ કરી શકે છે.
- માઈક્રોસોફ્ટે એક રોડમેપ તૈયાર કર્યો છે. જે સિંગલ-ક્યુબિટથી શરૂ કરીને ક્યુબિટ્સની મોટી હરોળ-સાંકળ જેવી રચના કરીને ક્વોન્ટમ પ્રોસેસર એરે સુધી લઈ જશે.
- આ ટેકનોલોજી ભૂલો સુધારવાની પ્રક્રિયા સરળ બનાવે છે