સ્ટાર હેલ્થ ઇન્સ્યુરન્સના ડેટા માર્કેટમાં વેચાવા મૂકાયા: 3.1 કરોડ વ્યક્તિના ડેટા પર છે રિસ્ક, જાણો શું થયું...
Star Health Data Leak: સ્ટાર હેલ્થ ઇન્સ્યુરન્સના ડેટા માર્કેટમાં વેચવા મૂકવામાં આવ્યા છે. તેમના ડેટાને હેક કરવામાં આવ્યા છે અથવા તો કોઈ કર્મચારી દ્વારા ડેટાને કોપી કરવામાં આવ્યા છે કે કેમ એ વિશે અટકળો ચાલી રહી છે. જો કે, એ સાઇબર અટેક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કરોડો વ્યક્તિના પર્સનલ ડેટાની સાથે મેડિકલ ડેટા પણ લીક થયા છે. ઇન્સ્યોરન્સ ક્લેમ કરાવ્યો હોય એવા પણ ઘણાં ડેટાનો આ લીકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
3.1 કરોડ વ્યક્તિ પર રિસ્ક
સ્ટાર હેલ્થ ઇન્સ્યુરન્સ કંપનીના 17 કરોડ ગ્રાહકો છે. ભારતમાં તેમનું નેટવર્ક ખૂબ જ મોટું છે. ચેન્નાઈમાં હેડક્વાર્ટર છે, પરંતુ સમગ્ર ભારતમાં 850 ઓફિસ છે અને 14,000 હોસ્પિટલ સાથે તેમનું ટાય-અપ છે. આ કંપની પર્સનલ એક્સિડન્ટની સાથે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પણ પૂરું પાડે છે. 3.1 કરોડ વ્યક્તિના ડેટામાં ફોન નંબર, એડ્રેસ, ટેક્સ ડિટેઇલ, આઇડી કાર્ડની કોપી, ટેસ્ટ રિપોર્ટ અને મેડિકલ રિપોર્ટનો પણ સમાવેશ થાય છે. આ સાથે જ 5.8 મિલિયન ક્લેમ્સ કરાયા હતા એના ડેટા પણ વેચવા મૂકવામાં આવ્યા છે.
ટેલિગ્રામનો ઉપયોગઆ ડેટાને વેચવા માટે ટેલિગ્રામ ચેટબોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટેલિગ્રામ પર એના વિશે એક ચેટબોટ બનાવવામાં આવ્યું હતું. આ ચેટબોટ પર ઘણાં લોકોએ ઇન્કવાયરી પણ કરી હતી. જો કે એને થોડા સમયમાં જ કાઢી નાખવામાં આવ્યું હતું. ટેલિગ્રામ દ્વારા એને ડિલીટ કરી એ ચેટબોટને સ્કેમ હોવાનું કહી હાઇલાઇટ કરવામાં આવ્યું હતું. આ પહેલાં પણ કોવિડ-19 માટે રજિસ્ટ્રેશન કરનાર વ્યક્તિના નામ, આધાર નંબર અને પાસપોર્ટ નંબરના ડેટા ટેલિગ્રામ પર વેચવા મૂકવામાં આવ્યા હતા.
1.25 કરોડમાં ડેટા વેચવા મૂકાયા
આ ડેટાને 1.25 કરોડમાં વેચવા મૂકવામાં આવ્યા છે. ટેલિગ્રામ પર ચેટબોટને ડિલીટ કરવામાં આવ્યા પછી હેકર દ્વારા એક વેબસાઇટ બનાવી છે. આ વેબસાઇટ પર તમામ ડેટાને 1.25 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે અને એ માટે ડેટાના ઉદાહરણ પણ આપવામાં આવ્યા છે.
શું કહ્યું સ્ટાર હેલ્થ એ?
સ્ટાર હેલ્થ દ્વારા મદ્રાસ હાઇકોર્ટના દરવાજા ખખડવામાં આવ્યા છે. તેમણે ટેલિગ્રામ સામે ફરિયાદ કરી છે. આ સાથે જ હેકર્સે જે વેબસાઇટ બનાવી છે એની હોસ્ટિંગ અમેરિકાની કંપની ક્લાઉડફ્લેર દ્વારા પૂરી પાડવામાં આવી હતી. આથી આ ફરિયાદમાં એ કંપનીના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંગે સ્ટાર હેલ્થ એ કહ્યું કે ‘કંપનીએ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન શરૂ કરી દીધું છે. આ ઓપરેશન સાઇબરસિક્યુરિટી એક્સપર્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ઇન્વેસ્ટિગેશનમાં સરકાર અને રેગ્યુલેટરી ઓથોરિટીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.’