સ્પોટિફાય હવે સમય અનુસાર મનગમતું મ્યુઝિક ઓફર કરશે

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
સ્પોટિફાય હવે સમય અનુસાર મનગમતું મ્યુઝિક ઓફર કરશે 1 - image


આમ તો કોઈ પણ મ્યુઝિક સ્ટ્રીમિંગ એપ હોય, યુટ્યૂબ જેવી વીડિયો સર્વિસ હોય કે પછી કોઈ પણ સોશિયલ મીડિયા સાઇટ હોય, દરેક પ્લેટફોર્મ તેના યૂઝર એટલે કે આપણી બધી એક્ટિવિટી ટ્રેક કરીને આપણને રસ પડી શકે તેવી બાબતો વધુ ને વધુ પ્રમાણમાં બતાવે છે. દુનિયાભરમાં ખાસ્સી પોપ્યુલર મ્યુઝિક એપ સ્પોટિફાય આ દિશામાં હજી વધુ આગળ વધી છે. આ કંપનીએ તેની સર્વિસમાં ‘ડેલિસ્ટ’ નામે એક નવું ફીચર ઉમેર્યું છે - જેમાં સમયની મોટી ભૂમિકા છે.

આ ફીચર અનુસાર સ્પોટિફાય પર આપણે આખા દિવસ દરમિયાન જે તે સમયે જે પ્રકારનું મ્યુઝિક પ્લે કરીએ તેને ધ્યાનમાં રાખીને આપણે માટે એક પ્લેલિસ્ટ તૈયાર થતું જાય છે. દરરોજ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના સમય દરમિયાન આ લિસ્ટ અપડેટ થતું રહે છે અને ચોક્કસ સમયે આપણે જે પ્રકારનું મ્યુઝિક સાંભળતા હોઈએ એ પ્રકારનું અન્ય મ્યુઝિક આપણને ઑફર કરવામાં આવે છે. મતલબ કે સવારના સમયમાં આપણે વર્કઆઉટ રીલેટેડ મ્યુઝિક સાંભળતા હોઇએ અને સાંજના સમયે રિલેક્સિંગ મ્યુઝિક સાંભળવું ગમતું હોય તો સ્પોટિફાયનું આ નવું ફીચર આપણી પેટર્ન પારખી લેશે અને જે તે સમયે આપણી પસંદ અનુસારનું મ્યુઝિક બતાવશે.

સપ્ટેમ્બર ૨૦૨૩માં આ ફીચર માત્ર અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરતા યૂઝર્સ માટે લોન્ચ થયું હતું. તે પછી અન્ય દેશોમાં વિસ્તારવામાં આવ્યું અને હવે તે વિશ્વભરના તમામ યૂઝર માટે લોન્ચ થવા લાગ્યું છે. આ ફીચરનો લાભ સ્પોટિફાયના ફ્રી અને પ્રીમિયમ બંને પ્રકારના યૂઝરને મળશે.

 


Google NewsGoogle News