દ.કોરિયાએ કૃત્રિમ સૂર્ય બનાવ્યો : 46 સેકન્ડ સુધી 10 કરોડ ડિગ્રી સે. તાપમાન જાળવી રાખ્યું

Updated: Apr 5th, 2024


Google NewsGoogle News
દ.કોરિયાએ કૃત્રિમ સૂર્ય બનાવ્યો : 46 સેકન્ડ સુધી 10 કરોડ ડિગ્રી સે. તાપમાન જાળવી રાખ્યું 1 - image


- સૂર્યના ગર્ભ ભાગમાંના તાપમાન કરતાં સાત ગણું વધુ તાપમાન

- વાતાવરણમાં કાર્બનડાયોક્સાઇડનું પ્રમાણ ઘટશે : પર્યાવરણની સમતુલા જળવાશે 

સિઓલ/મુંબઇ : સાઉથ કોરિયાએ કૃત્રિમ સૂર્ય બનાવવામાં સફળતા મેળવી છે. સાઉથ કોરિયાના અણુ વિજ્ઞાાનીઓએ ૪૬ સેકન્ડ્ઝ સુધી ન્યુક્લિયર ફ્યુઝનની પ્રક્રિયા દરમિયાન ૧૦ કરોડ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જાળવી રાખ્યું. આટલું અતિ અતિ ધગધગતું તાપમાન જાળવી રાખવાનો વિશ્વ વિક્રમ છે.

ભવિષ્યમાં સમગ્ર વિશ્વને ઉર્જાની ચિંતા નહીં રહે : આ વિશિષ્ટ પ્રયોગથી રેડિયો એક્ટિવની માત્રા ઘટશે : કોલસો,લાકડાં,કુદરતી વાયુનો ઉપયોગ ઓછો થશે

સાઉથ કોરિયાના  કેસ્ટાર રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર સી વુ યુને એવી માહિતી આપી હતી કે અમે ન્યુક્લિયર ફ્યુઝનની પ્રક્રિયા દ્વારા સતત ૪૬ સેકન્ડ્ઝ સુધી ૧૦ કરોડ ડિગ્રી સેલ્સિયસ જેટલું  તાપમાન ઉત્પન્ન કર્યું તે સૂર્યના ગર્ભ ભાગમાંના તાપમાન કરતાં સાત ગણું વધુ છે. સૂર્યના ગર્ભ(જેને કોર કહેવાય છે)ભાગમાં એક કરોડ કેલ્વિન જેટલું તાપમાન ધગધગતું હોય છે.જ્યારે સૂર્યની સપાટી પર સરેરાશ ૬,૦૦૦ ડિગ્રી કેલ્વિન તાપમાન ઉકળતું હોય છે. અમારી આ સફળતાના આધારે હવે ભવિષ્યના ઉર્જા સ્રોતના વિકાસમાં બહુ ઉપયોગી બની રહે છે.

સી વુ યુને  એવી માહિતી પણ આપી હતી કે અમે  ન્યુક્લિયર ફ્યુઝનની આ પ્રક્રિયા માટે કોરિયા સુપરકન્ડક્ટિંગ ટોકામેક એડવાન્સ્ડ રિસર્ચ નામના વૈજ્ઞાાનિક ઉપકરણનો ઉપયોગ કર્યો છે.ખરેખર તો આ ટોકામેક એક પ્રકારનું રિએક્ટર(જેને અણુભઠ્ઠી કહેવાય છે) છે.આ રિએક્ટર પ્લાઝ્મા બનાવવા માટે હાઇડ્રોજનના હિસ્સાને ગરમ કરે છે.આ પ્રક્રિયા દરમિયાન પરમાણુ અને ઇલેક્ટ્રોન બંને જુદા થઇ જાય છે.ભવિષ્યના પરમાણુ રિએક્ટરની સફળ કામગીરી માટે આ વિશિષ્ટ પદ્ધતિ ઉપયોગી બની શકશે. 

બીજીબાજુ હાલ પરંપરાગત અણુ ભઠ્ઠીઓમાં યુરેનિયમ(૨૩૫)નો ઉપયોગ થાય છે.યુરેનિયમ પર ખાસ પ્રકારની પ્રક્રિયા થાય ત્યારે તે તૂટે અને ચેઇન રિએક્શન શરૂ થાય છે.આ પ્રકારની અણુ ભઠ્ઠીઓ તો વિશ્વમાં છેલ્લાં ૫૦ વર્ષની ચાલે છે.

ભાભા અણુ સંશોધન કેન્દ્રના સિનિયર અણુ વિજ્ઞાાની(નિવૃત્ત) જગદીશચંદ્ર વ્યાસે  તેમના બહોળા સંશોધન અને અભ્યાસના આધારે ગુજરાત સમાચારને આ સમગ્ર પ્રક્રિયા સમજાવતાં કહ્યું  હતું કે ઉર્જા ઉત્પન્ન કરવા માટે બે વૈજ્ઞાાનિક પદ્ધતિ છે, એક ફિશન અને બીજી ફ્યુઝન. ફિશન પ્રક્રિયામાં હેવી એલીમેન્ટ(યુરેનિયમ -૨૩૫ અને પોલોનિયમ)નો ઉપયોગ થાય છે.ફિશનની પ્રક્રિયામાં યુરેનિયમ બ્રેક થાય છે(જેને વિખંડન કહેવાય છે) અને ઉર્જા ઉત્પન્ન થાય છે.

ફ્યુઝનની પ્રક્રિયામાં હાઇડ્રોજનનો એક અણુ હાઇડ્રોજનના બીજા અણુ સાથે મળે છે.એમ કહો કે  હાઇડ્રોજનના બંને અણુ એકબીજા સાથે ચોંટી જાય છે. કેન્દ્રમાં હાઇપ્રેશર સર્જાય છે.આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન હિલિયમ નામનું સાવ જ બીજું તત્ત્વ બને છે.આ પ્રક્રિયાને હાઇડ્રોજન વિખંડન કહેવાય છે. 

સૂર્યના ગર્ભ હિસ્સામાં બરાબર આ જ પ્રકારની પણ સંપૂર્ણ કુદરતી પ્રક્રિયા સતત થતી રહે છે.પરિણામે સૂર્યમાં ઉર્જા અને પ્રકાશ બંનેનું કુદરતી સર્જન થાય છે. સૂર્યમાં આવી અદભુત અને પ્રાકૃતિક પ્રક્રિયા લગભગ અઢી અબજ વર્ષથી નિરંતર થયા કરે છે.હજી બીજાં અઢી અબજ વર્ષ સુધી આદિત્યનારાયણમાં આ જ પ્રક્રિયા થતી રહેશે અને સમગ્ર સૃષ્ટિને ઉર્જા,ચેતના,પ્રકાશની અદભુત ભેટ મળતી રહેશે.હવે સૂર્યમાં જે કુદરતી પ્રક્રિયાથી ઉર્જા અને પ્રકાશ બંનેનું સર્જન થાય છે તે આપણે  પૃથ્વી પર તો નહીં કરી શકીએ કૃત્રિમ પદ્ધતિ દ્વારા ઉર્જા ઉત્પન્ન કરવા વિવિધ પ્રકારના પ્રયોગ થસ રહ્યા છે.  

સાઉથ કોરિયાએ જે ટોકોમેક રિએક્ટરનો પ્રયોગ  કર્યો છે તેમાં હાઇ વેક્યુમ અને હાઇ પ્રેશર પ્રક્રિયા થાય છે. તેમાં પ્લાઝ્મા બને. આ પ્રકારના રિએક્ટરમાં જેટલી ઉર્જા નાખીએ તેટલી અથવા તેના કરતાં પણ વધુ ઉર્જા બહાર આવે.

થોડા સમય પહેલાં અમેરિકાએ અને  ચીને પણ આવો કૃત્રિમ સૂર્ય બનાવવાનો પ્રયોગ કર્યો હતો.અમેરિકાએ લેઝરનો  ઉપયોગ કર્યો હતો.

સાઉથ કોરિયાના આ વિશિષ્ટ પ્રયોગથી બહુ જ ઓછી માત્રામાં  રેડિયોએક્ટિવ બહાર ફેંકાશે(જેને વિજ્ઞાાનીઓ કચરો કહે છે).એટલે પર્યાવરણની સમતુલા જળવાઇ રહેશે.વળી, આ પ્રયોગથી ભવિષ્યમાં કોલસો કુદરતી ગેસ,લાકડાં વગેરેનો ઉપયોગ ઓછો થશે.ઉપરાંત, ન્યુક્લિયર ફ્યુઝન દ્વારા ગ્રીન હાઉસ ગેસ ઉત્પન્ન નથી થતો.એટલે જળ વાયુ પરિવર્તનની પ્રક્રિયા ઘટશે.સાથોસાથ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પણ ઓછું થશે.સમગ્ર રીતે કહીએ તો સમગ્ર વિશ્વમાં ઉર્જા સંકટની ચિંતા નહીં રહે.


Google NewsGoogle News