Get The App

સ્માર્ટવોચના ફીચરે ફરી જીવ બચાવ્યો !

Updated: Apr 23rd, 2025

GS TEAM


Google News
Google News
સ્માર્ટવોચના ફીચરે ફરી જીવ બચાવ્યો ! 1 - image


નામ એમનું રિક શીયરમેન. વતની ઓસ્ટ્રેલિયાના. દરિયામાં સર્ફિંગ કરવું એ એમની હોબી. એક દિવસ એમની આ હોબીએ તેમને મોટા જોખમમાં મૂકી દીધા. બન્યું એવું કે રિક દરિયાકાંઠાથી થોડા દૂર સર્ફિંગ કરી રહ્યા હતા એ દરમિયાન દરિયો તોફાને ચઢ્યો. એક પછી એક મોટાં મોજાં આવતાં ગયાં અને રિક દરિયાકાંઠાથી દોઢેક કિલોમીટર જેટલા દૂર તણાઈ ગયા. રિકે પોતાનું મોં પાણીની બહાર રાખવા જીવ પર આવીને કોશિશ ચાલુ રાખી.

જીવ બચાવવાની એ મથામણ દરમિયાન રિકને યાદ આવ્યું કે તેમણે એપલ સ્માર્ટવૉચ ‘અલ્ટ્રા’ પહેરી હતી અને એની મદદથી તેઓ ઇમરજન્સી એસઓએસ કૉલ કરી શકતા હતા. દરિયાનાં મોજાં સામે લડવાની મથામણ દરમિયાન રિકે પોતાના કાંડા પરની વૉચનું સાઇડ બટન દબાવીને થોડો સમય પ્રેસ કરી રાખ્યું. એટલું કરતાં ઇમરજન્સી નંબર સાથે તેમનો કૉલ કનેક્ટ થયો અને તેઓ ઇમરજન્સી ટીમ સાથે વાત કરી શક્યા. ઇમરજન્સી ટીમે લાઇફ સેવર રેસ્ક્યુ હેલિકોપ્ટર સર્વિસની મદદ લીધી. રિકે ઇમરજન્સી એસઓએસ કૉલ કર્યો એ સાથે તેમનું ચોક્કસ લોકેશન - દરિયાના મોજાં વચ્ચે - પણ ઇમરજન્સી સર્વિસ સાથે ઓટોમેટિકલી શેર થયું.

ગણતરીની સેકન્ડમાં રિકને રેસ્ક્યુ હેલિકોપ્ટર નજીક આવતું દેખાયું. રિકની સ્માર્ટવૉચ તેમનું લોકેશન સતત શેર કરી રહી હતી. રેસ્ક્યુ ટીમનું કામ સહેલું બન્યું. રેસ્ક્યુ ટીમને રિક દેખાયા તેની ફક્ત એક મિનિટમાં રિકને હેલિકોપ્ટરમાં ઉપાડી લેવામાં આવ્યા અને પછીની ૩૦ સેકન્ડમાં એ સહીસલામત દરિયાકાંઠે પહોંચી ગયા.

રિક કહે છે કે એ દિવસે તેમણે એપલ સ્માર્ટવૉચ પહેરી ન હોત તો કદાચ એમનો જીવ બચ્યો ન હોત. ઇમરજન્સી એસઓએસ કૉલિંગ માટે વૉચમાં અથવા તેની સાથે કનેક્ટેડ આઇફોનમાં મોબાઇલ કનેક્શન અથવા ઇન્ટરનેટ કનેકશનથી વાઇ-ફાઇ કૉલિંગની હોવી જરૂરી છે.

કિસ્સો થોડો જૂનો છે

આ કિસ્સો જુલાઈ ૧૩, ૨૦૨૪ના રોજ બન્યો હતો. પરંતુ હવે એપલ સ્માર્ટવૉચથી રિકના રેસ્ક્યૂનો આ કિસ્સો સમગ્ર દુનિયામાં વાઇરલ થયો છે. તેનું કારણ એ છે કે એપલ કંપનીએ પોતે, સિડનીની એક એજન્સીની મદદ લઈને  આ સમગ્ર કિસ્સાની એક શોર્ટ ફિલ્મ બનાવી છે.

અલબત્ત, કિસ્સો સાચો જ છે. એપલ કંપની એપલ વૉચનાં વિવિધ ઇમરજન્સી ફીચર્સને કારણે, વાસ્તવમાં લોકોના જીવ બચ્યા હોય તેવા કિસ્સાઓને આ રીતે શોર્ટ ફિલ્મની સીરિઝ રૂપે રજૂ કરવાનું શરૂ કર્યું છે.

આ પહેલાં, કોઈ વ્યક્તિ અણધારી ગબડી પડે ત્યારે સ્માર્ટ વૉચમાંના ફોલ ડિટેક્શન ફીચર અને હાર્ટ રેટ નોટિફિકેશનને કારણે લોકોના જીવ કેવી રીતે બચ્યા તેના, રિઅલ-લાઇફ કિસ્સા પણ કંપનીએ શોર્ટ ફિલ્મ સ્વરૂપે દર્શાવ્યા છે.

આ વીડિયો જોવા યુટ્યૂબ પર સર્ચ કરો  apple rick's rescue

Tags :