ગાર્મિન inReachનો ઉપયોગ કરવાથી દિલ્હીમાં સ્કોટલેન્ડની એક હાઇકરને કરવામાં આવી અરેસ્ટ: આ GPS ડિવાઇઝમાં એવું તો શું છે જે ભારતમાં પ્રતિબંધ છે?
Hiker Arrested in Delhi: સ્કોટલેન્ડની એક હાઇકરને તાજેતરમાં દિલ્હી એરપોર્ટ પર અરેસ્ટ કરવામાં આવી હતી. આ હાઇકરનું નામ હેધર છે, જેનો જન્મ સ્કોટલેન્ડમાં થયો હતો, પરંતુ તે અગિયાર વર્ષની હતી ત્યારથી ઇંગ્લેન્ડના યોર્કશાયરમાં તેની માતા સાથે રહે છે. તે એક સર્ટિફાઇડ માઉન્ટેનિયર છે. જોકે, તેની પાસે ગાર્મિન inReach ડિવાઇઝ હોવાથી તેને એરપોર્ટ પર અટકાવીને ડિટેઇન કરવામાં આવી હતી.
હેધર ક્યાં જઈ રહી હતી?
હેધર દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવી હતી. સિક્યોરિટી ચેકિંગ દરમિયાન તેને અટકાવવામાં આવી હતી. તે દિલ્હીથી રિશીકેશ જવા માટે ઇન્ટરનલ (ડોમેસ્ટિક) ફ્લાઇટ લેવાની હતી. આ વિશે હેધરે ઇન્સ્ટાગ્રામ પર કહ્યું હતું કે ‘હું સવારે 10:30ની આસપાસ સિક્યોરિટી ચેકિંગ કરાવી રહી હતી અને ત્યારથી હું રિશીકેશ જવા માટે ઇન્ટરનલ (ડોમેસ્ટિક) ફ્લાઇટ લેવાની હતી. મેં ખૂબ જ નિર્દોષતાથી સિક્યોરિટી દરમિયાન ટ્રેમાં ચેક કરવા માટે જે સામાન મૂકવામાં આવે છે, તેમાં ગાર્મિન inReach મૂક્યું હતું. સ્કેનરમાં જેવી એ ટ્રે ગઈ કે મને તરત જ સિક્યોરિટી દ્વારા સાઇડ પર કરવામાં આવી હતી અને મને ત્યાં રાહ જોવા માટે કહેવામાં આવ્યું હતું.’
આ વિશે વધુ જણાવતાં હેધરે કહ્યું કે ‘ઘણી લાંબા સમય સુધી રાહ જોયા બાદ મને કહેવામાં આવ્યું હતું કે ગાર્મિન inReach ભારતમાં બેન છે અને મને હવે પોલીસને હવાલે કરવામાં આવી રહી છે. મને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા બાદ સવાલો કરવામાં આવ્યા હતા. મારી સાથે સારી રીતે વર્તન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ મારી પાસે ઘણાં ડોક્યુમેન્ટ પર સાઇન કરાવવામાં આવ્યા હતા. મેં ‘નો કોમેન્ટ્સ’ કરવાનો વિકલ્પ પસંદ નહોતો કર્યો, એને મારી મૂર્ખતા સમજી શકાય, પરંતુ હું દિલની સાફ હતી અને મારે કોઈ ખરાબ ઇરાદો ન હોવાથી મેં દરેક સાચી વાત કહી દીધી હતી.’
સવાલના જવાબો બાદ હેધરને રાતે 9 વાગ્યે છોડવામાં આવી હતી. જોકે, તેને કોર્ટમાં હાજરી આપવા માટે કહેવામાં આવ્યું હતું.
એેમ્બસી પાસેથી પણ મદદ નહોતી મળી
હેધરને જ્યારે પકડવામાં આવી ત્યારે તેણે પોતાની એંબસી પાસે પણ મદદ માગી હતી. જો કે, તેમના દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે તે પોલીસ કસ્ટડીમાં છે, આથી હવે તેને ભારતીય કાયદા અનુસાર જ પ્રોસેસ કરવી પડશે. તેમની પાસેથી પણ હેધરને કોઈ મદદ નહોતી મળી. હેધરે કહ્યું, ‘હું જ્યારે કસ્ટડીમાં હતી ત્યારે પોલીસ દ્વારા મને પાણી પણ નહોતું આપવામાં આવ્યું. હું એકમાત્ર એવી વ્યક્તિ નથી, જેને આવો અનુભવ થયો હોય. ભવિષ્યમાં અન્ય લોકો આ પ્રકારની ઘટનાથી દૂર રહે તે માટે હું આ પોસ્ટ કરી રહી છું. હું લોકોને જણાવી રહી છું કે ગાર્મિન inReach અને તેના જેવી અન્ય ડિવાઇઝને લઈને ભારત નહીં આવવું.’
શું છે ગાર્મિન inReach?
ગાર્મિન inReach એક GPS અને સેટેલાઇટ મેસેજ ડિવાઇઝ છે. આ ડિવાઇઝનો ઉપયોગ હાઇકર્સ અને બેકપેકર્સ, એટલે કે ટ્રેકિંગ કરનારાઓ, વધુ પડતા કરે છે. ટ્રેકિંગ એવા વિસ્તારમાં કરવામાં આવે છે, જે પર્વતીય હોય. મોટાભાગના પર્વતીય વિસ્તારમાં નેટવર્ક નથી હોતા. તેમ જ, ઘણાં ટ્રેકર્સ એકલા ટ્રેકિંગ કરવાનું પસંદ કરે છે. આ દરમિયાન સંકટના સમયમાં તેમને કંઇ થયું તો કમ્યુનિકેશન માટે ડિવાઇઝ જોઈએ છે. આ માટે તેઓ ગાર્મિન inReach જેવી ડિવાઇઝનો ઉપયોગ કરે છે. આ ડિવાઇઝની મદદથી સીધા સેટેલાઇટથી કમ્યુનિકેશન કરી શકાય છે અને કોઈ પણ જગ્યાએથી કરી શકાય છે. આ મેસેજને ટ્રેસ અને ટ્રેક ન કરી શકાતા હોવાથી, ઘણાં દેશો દ્વારા એને બેન કરવામાં આવી છે કારણ કે આતંકવાદીઓ પણ તેનો ઉપયોગ કરી શકે છે. આ ડિવાઇઝને દુનિયાભરના 14 દેશમાં બેન કરવામાં આવી છે, જેમાં ભારત પણ છે. ભારતની સાથે આ લિસ્ટમાં અફઘાનિસ્તાન, યુક્રેન (ક્રિમિયા), ક્યુબા, જ્યોર્જિયા, ઇરાન, ઉત્તર કોરિયા, મ્યાનમાર, સુડાન, સિરિયા, થાઇલેન્ડ, વિયેટનામ, ચીન અને રશિયા પણ સામેલ છે.
કેમ ઇન્ડિયામાં બેન છે?
ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ 1885 અને વાયરલેસ ટેલિગ્રાફી એક્ટ 1933 અનુસાર સેટેલાઇટ કમ્યુનિકેશન ભારતમાં પ્રતિબંધિત છે. 2008ના મુંબઈ ટેરર અટેક બાદ આ નિયમને વધુ કડક રીતે લાગું કરવામાં આવ્યો છે. આ હુમલામાં 200થી વધુ લોકોનાં મૃત્યુ થયા હતા. આ ટેરર એટેક માટે આતંકવાદીઓએ સેટેલાઇટ કમ્યુનિકેશન ડિવાઇઝનો ઉપયોગ કર્યો હતો. આથી દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સેટેલાઇટ ફોન્સ, સેટેલાઇટ ડિવાઇઝ અને સેટેલાઇટ કમ્યુનિકેશનની કોઈ પણ પ્રોડક્ટ પર બેન લગાવી દેવામાં આવ્યો છે.
મોડર્ન ટેક્નોલોજી સીધી સેટેલાઇટ સાથે કનેક્ટ થશે
ભારત સહિત, ઘણાં દેશો દ્વારા આ ડિવાઇઝને બેન કરવામાં આવી છે, પરંતુ હવે ઘણી મોડર્ન ડિવાઇઝ સીધી સેટેલાઇટનો ઉપયોગ કરે છે. એમાં એપલ આઇફોનના લેટેસ્ટ મોડલનો પણ સમાવેશ થાય છે. આઇફોનની મદદથી સેટેલાઇટ દ્વારા કમ્યુનિકેશન કરી શકાય છે. જો કે, આ સર્વિસ માટે અલગથી પૈસા ચૂકવવા પડે છે અને જે દેશમાં એ ઉપલબ્ધ હોય એ જ દેશમાં તેનો ઉપયોગ કરી શકાય છે. ભારતમાં આ સર્વિસ સૌથી પહેલાં ઇલોન મસ્કની સ્ટારલિંક શરૂ કરશે. સ્ટારલિંક દ્વારા લાયસન્સ મેળવી લેવામાં આવ્યું છે અને તેની ડિવાઇઝ બહુ જલદી શરૂ કરવામાં આવશે.
આ પહેલાં પણ થઈ છે આ રીતે અરેસ્ટ
આ ઘટનાના એક મહિના પહેલાં જ એટલે કે 6 ડિસેમ્બરે ગોવાના ડબોલિમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક કેનેડિયન મહિલાને અરેસ્ટ કરવામાં આવી હતી. 51 વર્ષીય મહિલાએ જ્યારે ટ્રેમાં ડિવાઇઝ મૂકી કે તરત જ તેને લાઇનમાંથી લઇ જવામાં આવી હતી. તેને પણ અરેસ્ટ કરવામાં આવી હતી. સવાલ-જવાબ બાદ, તેને અગિયાર ડોલરનો દંડ ભરવો પડ્યો હતો. જો કે, જામીન પર છૂટવા માટે અને લીગલ ફી માટે તેને 2000 અમેરિકન ડોલર ચૂકવવા પડ્યા હતા.
એ ઘટનાના ત્રણ દિવસ બાદ એટલે કે 9 ડિસેમ્બરે, ગોવામાં જ ચેક રિપબ્લિકના એક વ્યક્તિને અરેસ્ટ કરવામાં આવ્યો હતો. તેની પાસે ગાર્મિન એડ્જ 540 GPS હતું. માર્ટિન પોલેન્શીને ગોવા પોલીસ દ્વારા હાજર કરવામાં આવ્યો હતો. તેના એક મહિના પહેલાં ચેન્નઈમાં પણ એક અમેરિકન વ્યક્તિને આ જ કારણે અરેસ્ટ કરવામાં આવ્યો હતો.