Get The App

વિજ્ઞાનીઓની 'અવિશ્વસનીય' નવી શોધ, હૃદયમાં પણ એક નાનું મગજ ગોઠવાયેલું હોવાનો દાવો

Updated: Dec 7th, 2024


Google NewsGoogle News
વિજ્ઞાનીઓની 'અવિશ્વસનીય' નવી શોધ, હૃદયમાં પણ એક નાનું મગજ ગોઠવાયેલું હોવાનો દાવો 1 - image


- હૃદય સ્થિત મીની બ્રેઇન કેવી રીતે મેઇન બ્રેઇન સાથે સંવાદ સાધે છે? 

- હૃદયના ધબકારાંને નિયંત્રિત કરવામાં આ લીટલ બ્રેઇન ચાવીરૂપ ભૂમિકા ભજવે છે

Mini Brain in heart News : યુએસની કારોલિન્સ્કા ઇન્સ્ટિટયુટ અને કોલંબિયા યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ  દ્વારા એક મોટી શોધ કરવામાં આવી છે કે હૃદયનું તેનું આગવું ચેતાતંત્ર છે જે હૃદયના ધબકારાંને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વિજ્ઞાનીઓએ આ નવી શોધને મીની બ્રેઇન તરીકે ઓળખાવી છે. નેચર કમ્યુનિકેશન્સ સામયિકમાં પ્રકાશિત આ અભ્યાસને પગલે હૃદય વિશેની લાંબા સમયથી કેળવાયેલી સમજ સામે પડકાર ઉભો થયો છે. 

 પરંપરાગત રીતે એમ સમજવામાં આવતું હતું કે હૃદયની કોશિકાઓનું નેટવર્ક એક સરળ રિલે સિસ્ટમ છે જેનું કામ મગજમાંથી આવતાં સંદેશાઓ હૃદયને પહોંચાડવાનું છે. જો કે, હવે સંશોધકોએ શોધી કાઢ્યું છે કે હૃદયની દિવાલમાં ન્યુરોનનું એક સંકુલ નેટવર્ક આવેલું હોય છે જે હૃદયના ધબકારાંનું નિયમન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. 

કારોલિન્સ્કા ઇન્સ્ટિટયુટના મુખ્ય સંશોધક કોન્સ્ટન્ટિનોસ એમપત્ઝીસે જણાવ્યું હતું કે જેમ શ્વાસને નિયંત્રિત કરવામાં મગજની ભૂમિકા મહત્વની છે તેવી જ રીતે હૃદયના ધબકારાંને નિયંત્રિત કરવામાં આ લીટલ બ્રેઇન ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. આ આંતરિક ચેતાતંત્રની સંકુલતા વિશે આશ્ચર્ય વ્યકત કરતાં એમપત્ઝીસે જણાવ્યું હતું કે  તેને સમજવાથી હૃદયરોગોની બહેતર સારવાર વિકસાવવામાં સહાય મળશે.સંશોધકોની ટીમે ઝેબ્રાફિશનો ઉપયોગ તેમના સંશોધન માટે  કર્યો હતો. આ માછલીનું મગજ માનવમગજ સાથે સામ્ય ધરાવતું હોઇ તે આ પ્રકારના સંશૅોધનો માટે આદર્શ મોડેલ ગણાય છે.

સંશોધકોએ હૃદયમાં જ વિવિધ પ્રકારના મજ્જાતંતુઓ શોધી કાઢ્યા છે જેમાં દિલના લયને અસર કરતાં પેસમેકર મજ્જાતંતુઓનો પણ સમાવેશ થાય છે. આ સંશોધનને કારણે હૃદયરોગો અને તેની સંભવિત સારવારો પર મોટી અસર પડશે. આ અભ્યાસ હાથ ધરવા માટે સંખ્યાબંધ ફાઉન્ડેશન્સે હાથ મિલાવ્યા હતા. આ બાબતે વધારે સંશોધન કરવા પર ભાર મુકતાં સંશોધકોએ જણાવ્યું હતું કે આ ચેતાતંત્ર ખોરવાઇ જવાથી વિવિધ હૃદયરોગો પર કેવી અસર થાય છે તે સમજવું રસપ્રદ બની રહેશે. 

હૃદય રૂધિરાભિષરણમાં કેવી ભૂમિકા ભજવે છે  તે અંગે પણ આ સંશોધનને કારણે હવે નવી સમજ કેળવાશે. લોકો હવે દિમાગને બદલે દિલથી વિચારવાના ખ્યાલને ગંભીરતાથી લેવા માંડે તો પણ નવાઇ નહીં. આમ  પણ જ્યારે મગજ બહેર મારી જાય ત્યારે દિલ શું કહે છે તે સમજી યોગ્ય નિર્ણય લેવાનું ચલણ ભારતીયોમાં જોવા મળે છે. 


Google NewsGoogle News